તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઇટીના રિપોર્ટમાં ધડાકો: જનની એક્સપોર્ટ સર્ચ: રૂપિયા 1020 કરોડના બેનામી વ્યવહાર મળ્યા, 200 રોકાણકારો સાણસામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશ ઇન્ડસ્ટ્રીયલ અને શ્રીજી રેસિડેન્સીના રોકાણો મળ્યા, અનેક મોટાગજાના બિલ્ડર ગ્રુપે પણ રોકડમાં લોન લીધી, તમામને નોટિસ ઇશ્યુ કરવામાં આવશે

સુરત: એક વર્ષ અગાઉ કતારગામમાં ડાયમંડના ધંધા સાથે સંકળાયેલાં જનની ગ્રુપમાં આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલાં સર્ચ ઓપરેશનમાં અધિકારીઓએ રૂપિયા 1020 કરોડના બેનામી હિસાબો શોધી કાઢયા છે. જેમાં ખરીદ-વેચાણ અને રોકડમાં મોટાગજાના બિલ્ડર ગ્રુપને આપવામાં આવેલી લોનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બે બિલ્ડર ગ્રુપ સાથેના વ્યવહારો મળ્યા છે જેમાં તપાસનો રેલો 200 ઇન્વેસ્ટર્સ સુધી જઈ  શકે છે.  આવનારા સમયમાં જનની ગ્રુપનું એસેસમેન્ટ શરૂ કરવામાં આવશે અને તેના આધારે એડિશનની રકમ પણ નક્કી થશે. આઇટી અધિકારીઓએ કહ્યુ કે તપાસ થઈ ત્યારે આ ગ્રુપનું ટર્નઓવર રૂપિયા 100 કરોડ હતુ, હવે બેનામી વ્યવહારો જ રૂપિયા 1000 કરોડથી વધુના મળી આવ્યા છે. 

આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા 28મી જુલાઇ, 2018ના રોજ ડાયમંડના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સાથે સંકળાયેલાં જનની ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે તે સમયે અધિકારીઓએ સ્થળ પરથી ઢગલાબંધ દસ્તાવેજ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત કોઇ ગેરરીતિ જન્મ ન લે એ માટે સ્થળ પર જ  હજાર થી વધુ ડોક્યુમેન્ટ પણ સ્કેન કરીને સિસ્ટમમાં સામેલ કરી દેવાયા હતા. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન ગ્રુપનું રિઅલ એસ્ટેટમાં મોટાપાયે રોકાણ હોવાનું સપાટી પર આવ્યુ હતુ. 

એક વર્ષના અંતે અધિકારીઓએ એપ્રાઇઝર રિપોર્ટ તૈયાર કર્યો છે. સેન્ટ્રલ સર્કલમાં હાલ આ રિપોર્ટને સ્ટડી કરવામા આવી રહ્યો છે. જેની વિગતો મુજબ તેમાં ગ્રુપના બેનામી વ્યવહારોનો ખજાનો છે. રોકડમાં ખરીદ-વેચાણ કરવામાં આવ્યા તેની વિગતો છે. જેની એન્ટ્રી હિસાબી ચોપડે બતાવવામાં આવી નથી. રિપોર્ટનું અધ્યન કરનારા અધિકારીએ કહ્યુ કે બેનામી વ્યવહારોનો આંકડો હજાર કરોડથી વધુનો છે. જેમાં ડાયમંડ ખરીદ-વેચાણની એન્ટ્રીઓ ઉપરાંત જમીનોદા સોદા, સાટાખત, દસ્તાવેજ વગેરેનો પણ સમાવેશ થાય છે. 


મોટાગજાના બિલ્ડરોએ પણ લોન લીધી
અધિકારીઓ પાસે એવા પુરાવા છે કે જનની ગ્રુપ પાસે શહેરના મોટાગજાના બિલ્ડર ગ્રુપ દ્વારા પણ રોકડમાં લોન લેવામાં આવી છે જેનો હિસાબી ચોપડે ઉલ્લેખ નથી. ફલેટ કે અન્ય મિલકત ખરીદાય છે તે પણ રોકડેથી છે. ગણેશ ઇન્ડસ્ટ્રીયલ અને શ્રીજી રેસિડેન્સીમાં મોટાપાયે રોકાણ છે. આ ઉપરાંત અન્ય 200 ઇન્વેસ્ટર્સના નામ પણ મળ્યા છે. તમામને નોટિસો ઇશ્યુ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. 

સેટલમેન્ટ કમિશન તરફ જશે
હાલ એવું લાગી રહ્યુ છે કે સેન્ટ્રલ સર્કલમાં એસેસમેન્ટ બાદ જે ડિમાન્ડ ઊભી થશે તેને સેટલમેન્ટ કમિશનમાં પડકારવામાં આવી શકે છે. કેમકે છેલ્લાં જે મોટા સર્ચ ઓપેરશન થયા છે તે પૈકીના તમામ કેસ સેટલમેન્ટ કમિશનમાં ગયા છે. સી.એ. ડેનિશ ચોકસી કહે છે કે સેટલમેન્ટ કમિશનમાં કરદાતાઓને ફાયદો થાય છે. એટલે ચોક્કસ કેસ ત્યાં લઇ જવામાં કરદાતા તૈયાર થઈ જાય છે. 

શ્રી હરિ જેમ્સ પણ સફળ કેસ
નોંધનીય છે કે બે ત્રણ વર્ષ અગાઉ આઇટીએ શ્રી હરિ જેમ્સમાં દરોડા પાડીને રૂપિયા 1500 કરોડથી વધુના બેનામી વ્યવહાર પકડયા હતા. આ કેસ જે તે સમયે ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. સમગ્ર ભારતમાં આઇડિયલ કેસ તરીકેના સિલેકશનમાં પણ મોકલવામાં આવ્યો હતો.