ઈન્ટરનેશનલ મેડાલિસ્ટ યોગ કોચનું એક્સિડન્ટમાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીકરાના મોતથી માતાએ વિલાપ કરતાં દીકરાની મહેનત,ધગશ અંગે માહિતી આપી હતી. - Divya Bhaskar
દીકરાના મોતથી માતાએ વિલાપ કરતાં દીકરાની મહેનત,ધગશ અંગે માહિતી આપી હતી.
  • યોગાસનના શોખીન નિર્મલે એન્જિનિયરીંગ બાદ યોગને કરિયર બનાવેલું
  • માતાએ રડતા વદને કહ્યું,નિર્મલ ખાવાની બાબતે લાપરવાહ રહેતો હતો

ઓલપાડઃઈશનપોર ગામનો યુવક અમદાવાદ ખાતે અભ્યાસ અર્થે જઇને યોગ ક્ષેત્રે દેશ અને વિદેશમાં પોતાનું અને સમાજ તથા દેશનું નામ રોશન કરનાર યોગ કોચનું ગુરૂવારની રાત્રે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ગોલ્ડ મેડાલિસ્ટ દીકરાના આકસ્મિક અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. માતાએ દીકરાના સંસ્મરણો વાગોળતાં કહ્યું હતું કે, નિર્મલ જમવાની બાબતે લાપરવાહ રહેતો જેથી મારે ફોન કરીને જમવા અંગે ટકોર કરવી પડતી હતી.

ઘરની પરિસ્થિતીને લઈ ક્લાસીસ ચલાવતો 
દીકરાનાનું અચાનક અકસ્માતમાં મોત થવાની ઘટનાથી માતા ભાવનાબહેન પડી ભાંગ્યા હતાં. દીકરાની કારકીર્દી પર ગર્વ મહેસૂસ કરતાં તેમણે ભારે હૈયે જણાવ્યું હતું કે,નિર્મલ નાનપણથી જ ધગશશીલ ભણવામાં હોશિયાર હોવા સાથે સાથે 6 વર્ષની ઉંમરથી તેને યોગ પ્રત્યે લગાવ હતો. નિર્મલએ વધુ અભ્યાસ અર્થે તાલુકાની એક એન્જિનિયરીંગ કોલેજમાં એડમિશન મેળવી 75 ટકા સાથે ટોપર થયો હતો. બાદમાં યોગમાં જોડાવવાનું વિચારી લકુલીશ યુનીવર્સીટીમાં એમ.એસ.સી ઇન અષ્ટાંગ યોગ સ્ટડીમાં જોડાયો. ઈશનપોર ગામથી અમદાવાદ અભ્યાસ અર્થે જવાનું મુશ્કેલ હોવાથી તેણે અમદાવાદ રહીને અભ્યાસ કરવાનું વિચારી હોસ્ટેલમાં રહેવા સાથે ઘરની પરિસ્થિતિ નાજુક હોવાથી તે અભ્યાસ સાથે યોગ કલાસીસ પણ ચલાવતો અને તેમાંથી પોતાનો અભ્યાસનો ખર્ચ કાઢી અમને પણ મદદરૂપ થતો હતો. 

ડોક્ટર બનવાના સ્વપ્ન જોતો 
ભાવનાબેને વધુમાં જણાવ્યું હતું કે, નિર્મલેને એમ.એસ.સી ઇન અષ્ટાંગ યોગ પૂરું કરી પી.એચ.ડી કરવું હતું. તે મને હમેશા કહેતો માં મારે Dr નિર્મલ પટેલ બનવું છે. હું પી.એચ.ડી થયા બાદ તારા માટે વહુ લઈને આવીશ. બે વર્ષ પછી નિર્મલ પી.એચ.ડી જોઇન્ટ કરી Dr ની ડીગ્રી મેળવી પોતાના નામ આગળ Dr લગાવવાના સપના જોતો હતો. ૨૩ વર્ષીય નિર્મલ એમ.એસ.સી ઇન અષ્ટાંગ સાથે રોજ 3 કલાક યોગની પ્રેક્ટીસ કરી 2018માં યોગામાં વર્લ્ડ ચેમ્પીન બની દેશનું નામ રોશન કર્યું ત્યારે હું અને તેના પિતા ખુબ ખુબ ખુશ હતા. તે દિવસ અમારા માટે સોનેરી દિવસ હતો. અચાનક અમને છોડીને ચાલી જવાથી તેનું Dr નિર્મલ પટેલ બનવાનું સ્વપ્ન એક સ્વપ્ન જ રહી ગયું નિર્મલ હર હંમેશ અમારી સાથે જ રહેશે. 

રબર મેનની જેમ યોગ કરતી સકતો હતો 
યોગમાં અઘરા કહેવાતા અને કોઈક જ કરી શકે તેવા 30 જેટલા આસનો નિર્મલ ખુબ સહેલાઈથી કરતો હતો. દિવસમાં 3 કલાકની હાર્ડ પ્રેક્ટીસને લઈને નિર્મલની કમર ખુબ ફ્લેક્સીબલ હોવાથી તે કમરને 360 ડીગ્રી સુધી ગોળ કરી શકતો હતો. આ સાથે પોતાના શરીરને એક પગ પર 5 મીનીટ સુધી રાખી સકતો હતો.

નિર્મલ કહેતો યોગ કરવાથી કોઈ રોગ ન થાય
અનિલભાઈ પટેલ, નિર્મલનાં પિતાએ જણાવ્યું હતું કે,નિર્મલ તેના પરિવારજનોને પણ યોગ કરવાનું હંમેશા કહેતો હતો. તે જયારે પણ અમદાવાદથી ગામ ઘરે આવે ત્યારે મને યોગ વિશે માહિતી આપવા સાથે કહેતો કે,યોગ કરવાથી કોઈ રોગ ન થાય. જેથી તમે પણ યોગ કરો અને દીકરાની સલાહ મુજબ હું પણ યોગ કરતો થયો.

મૃત્યુ બાદ પણ નિર્મલની આંખો બીજાની રોશની બની
યોગ કોચ નિર્મલનું ગુરૂવારની રાત્રે અમદાવાદ ખાતે માર્ગ અકસ્માતમાં મોત થતા તેનો મૃતદેહ લેવા ગયેલા તેના પરિવાર જનોએ નિર્મલની આંખનું દાન કરવાનું વિચારી ચક્ષુ દાન કરતા મોત બાદ પણ નિર્મલ ની આંખો બીજાની રોશની બનશે.

6 કોમ્પિટીશનમાં વિજેતા થયો
6 ઇન્ટરનેશનલ યોગા કોમ્પિટીશન મલેશિયા ખાતે યોજાઈ હતી. જેમાં નિર્મલ પટેલએ ભાગ લઈને સિલ્વર તેમજ ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કરેલ ત્યાર ઇન્ડોનેશિયામાં વિજેતા બનવા બદલ ત્યાંના રમતગમત મંત્રીનાં હાથે સન્માનિત કરવામાં આવેલ હતો.