સલાબતપુરાના ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીને કર્મચારીએ જ રહેંસી નાંખ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારીની ફાઇલ તસવીર - Divya Bhaskar
વેપારીની ફાઇલ તસવીર
  • નાણાંની લેતીદેતીમાં હત્યા કરાયાની પોલીસને આંશકા

સુરતઃ સલાબતપુરા વિસ્તારમાં મોટી બેગમવાડી ખાતે આવેલી શુભમ ટેક્સટાઈલ માર્કેટના વેપારી પર દુકાનમાં જ કામ કરતા કર્મચારીએ ચપ્પુથી જીવલેણ હુમલો કરીને ભાગી ગયો હતો. વેપારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન વેપારીનું મોત નિપજ્યું હતું. રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરાઈ હોવાની સંભાવના હાલ પોલીસ વ્યક્ત કરી રહી છે.

હત્યાનું ચોક્કસ કારણ હજુ અકબંધ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણમાં આનંદ મહેલ રોડ પર રહેતા તરૂણ ઓમપ્રકાશ સદાના (43 વર્ષ) સલાબતપુરામાં મોટી બેગમવાડી સ્થિત શુભમ માર્કેટમાં મંગલ ક્રિએશનના નામથી કાપડનો વેપાર કરે છે. તેમની દુકાનમાં જ ઇરફાન નામનો કર્મચારી કામ કરે છે. નિત્યક્રમ અનુસાર શુક્રવારે સાંજે તરૂણ સદાના અને કર્મચારીઓ દુકાન હાજર હતા. તે સમયે ઇરફાને તરૂણ સાથે કોઈ મુદ્દે ઝગડો કર્યો હતો. ત્યાર બાદ ઇરફાન ત્યાંથી રવાના થઇ ગયો હતો. કોઈ કામ અર્થે તરૂણભાઈ પણ દુકાનની બહાર નિકળ્યા હતા.  પાંચેક મિનિટમાં ઇરફાન અન્ય એક યુવકની સાથે માર્કેટમાં આવીને દુકાનની બહાર તરૂણ સાથે ફરી ઝગડો કરી ઇરફાને તરૂણને પેટના ભાગે બે-ત્રણ ઘા મારી દીધા હતા. ઇરફાન અને તેનો સાગરિત ત્યાંથી નાસી ગયો હતો. ઇરફાનને મારેલું ચપ્પુ તરૂણના પેટમાં જ હતું. તરૂણ દુકાનમાં ઘુસ્યા ત્યારે ચપ્પુ નીચે પડ્યું હતું. આ બનાવથી માર્કેટમાં દોડધામ થઈ ગઈ હતી. તરૂણ સદાનાને તાત્કાલિક સારવાર માટે રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં મોડી રાત્રે તરૂણ સદાનાનું ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે ડોક્ટર તરૂણને બચાવી શક્યા નહતા. સારવાર દરમિયાન તરૂણનું મોત નિપજ્યું હતું.  પોલીસે હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. હુમલાનું ચોક્કસ કારણ પોલીસ જાણી શકી નથી પરંતુ પોલીસને રૂપિયાની લેવડ-દેવડમાં હુમલો કરાયો હોવાની આશંકા છે.

વેપારીના મર્ડર બાદ વેપારીઓમાં ચિંતા
મોટી બેગમવાડીમાં આવેલા હરિઓમ શુભમ માર્કેટના અંડરગ્રાઉન્ડમાં વેપારીને ચપ્પુ મારીને કરેલી હત્યા બાદથી માર્કેટના વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. અત્યાર સુધી રોજીંદા રુટીનમાં વેપારીઓના કાપડ ચોરી થવાની કે પર્સ ચોરી થવાની ઘટના સામે આવતી હતી. પ્રથમ વખત માર્કેટમાં મર્ડરની ઘટના સામે આવતાં વેપારીઓ ભયભિત બન્યા છે. ફોસ્ટાને માર્કેટ વિસ્તારમાં પોલીસ સિક્યુરિટી વધારવા માટે માંગ કરવામાં આવી રહી છે. આ સાથે સોશિયલ મિડીયામાં પણ વેપારીના મર્ડરને લઈને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. માર્કેટની સિક્યુરિટી પર પણ પ્રશ્ન ઉચકવાની સાથે માર્કેટ વિસ્તારમાં પોલીસની સાથો-સાથ પર્સનલ સિક્યુરિટી સર્વિસ સેવા એક્ટીવ થાય તેવી રાવ થઈ રહી છે.