તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

9 દી’માં ડેન્ગ્યુના 37 પોઝિટિવ કેસ અને 208 શંકાસ્પદ કેસ નોંધાયા, પુણામાં એક જ સોસાયટીમાં 8 કેસથી આરોગ્ય વિભાગ હરકતમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેન્ગ્યુના કેસ વધતા મનપા કમિશ્નરે ઘરે ઘરે જઈ લોકજાગૃતિ કેળવી હતી - Divya Bhaskar
ડેન્ગ્યુના કેસ વધતા મનપા કમિશ્નરે ઘરે ઘરે જઈ લોકજાગૃતિ કેળવી હતી
  • વાતાવરણમાં આવેલા અણધાર્યા ફેરફારથી ડેન્ગ્યુના કેસ વધ્યા
  • 2018માં નવેમ્બરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 405 કેસ નોંધાયા હતા

સુરતઃ મહા વાવાઝોડાની સુરતમાં વરસાદ સિવાય કોઇ ખાસ અસર તો થઇ નહીં પરંતુ વાવાઝોડાને લઇ શહેરના તાપમાનમાં થયેલા ફેરફારને કારણે થયેલા વરસાદથી ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા 9 દિવસની અંદર જ શહેરમાં ડેન્ગ્યુના અધધ 37 પોઝીટવ અને 208 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે પુણાની મણિબાપાર્ક સોસાયટીમાં ડેન્ગ્યુના 8 કેસ મળી આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.

કમિશનરે મેદાનમાં ઊતરવું પડ્યું
ખુદ પાલિકા કમિશનર બંછાનિધીપાનીએ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ડ્રાય ડે કેમ્પેઇનમાં જોડાઇને ઘરે ઘરે જઇ લોકોને જનજાગૃતિ દાખવા સમજ આપી હતી. શહેરમાં વકરેલી રોગચાળાની પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે પાલિકાના પ્રયાસ બાદ પણ સફળતા મળી રહી નથી.મહા વાવાઝોડાને લઇ છેલ્લા બે દિવસમાં સુરત શહેરમાં અડધાથી એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. હાલમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ સહિતના કેસો ઘરે ઘરે જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યુના કેસની વાત કરીએ તો નવેમ્બર 2018માં જ્યાં 67 પોઝીટવ અને 405 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેની સામે 2019 નવેમ્બરમાં માત્ર 9 દિવસની અંદર જ 37 પોઝિટીવ અને 208 શંકાસ્પદ કેસ નોંધાઇ ગયા છે.

પુણાની મણિબાપાર્ક સોસાયટીમાં ડેન્ગ્યૂના 8 કેસ મળી આવ્યા
શહેરમાં ડેન્ગ્યુના હાહાકાર વચ્ચે પુણાની મણીબા પાર્ક સોસાયટીમાં સંખ્યાબંધ લોકોને ડેન્ગ્યુ થયો હોવાની ફરિયાદ મળતા પાલિકાના વરાછા ઝોનની ટીમે રવિવારે મેડીકલ ટીમ ઉતારીને ડોર ટુ ડોર ઘરોમાં સર્વે કર્યો હતો. જેમાં મણીબા પાર્ક સોસાયટીના 224 ઘરમાં સર્વે દરમ્યાન જુના અને નવા મળી કુલ 8 ડેન્ગ્યુના કેસ સામે આવ્યા હતા. જ્યારે એક મહિલા દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી સાંપડી છે. સર્વે દરમિયાન સાત મચ્છરોના બ્રિડીંગ સ્પોર્ટ મળી આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

વરસાદને લઇ મચ્છરજન્ય રોગમાં વધારો થયો
તાજેતરમાં વરસાદને લઇ મચ્છરજન્ય રોગમાં વધારો થયો છે. પાલિકા દરેક ઘરમાં તપાસ માટે પહોંચી શકતી નથી ત્યારે શહેરીજનોએ પણ પોતાના ઘરમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે પાણી ભરવાના પાત્રો પીપ, ફ્રીજની ટ્રે સહિત વગેરેમાં સફાઇ રાખવાની જરૂર છે. દર અઠવાડિયે એક વાર તો આ તમામ પાત્રોને સંપૂર્ણ ખાલી કરી પાત્રોની અંદરની સપાટીની સફાઈ કરી પાત્રોને ઢાંકી રાખવા પાલિકાએ શહેરીજનોને અપીલ કરી છે.

ડ્રાઈ ડે કેમ્પેન: કમિશ્નરે લોકોને મચ્છરના ઉત્ત્પત્તિ સ્થાન બતાવ્યાં
વરસાદની બદલાયેલી પેટર્નને પગલે મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે. ખાસ કરીને શંકાસ્પદ ડેંન્ગ્યૂના કેસોની સ્થિતિએ આરોગ્ય તંત્રને દોડતું કરી દીધું છે. માસ ડ્રાય ડે કેમ્પેઈનમાં  કમિશનર બંછાનિધિ પાની ખુદ મેદાનમાં ઉતરી આવ્યાં છે અને લોકોને ઘરમાં પાણીનાં ભરાવાને દૂર કરવા સૂચન કર્યા હતાં.  

7174 સ્થળે પોરાભક્ષક માછલીઓનું લાઈવ ડેમો 
શનિવારે ડ્રાઈ ડેના આયોજનમાં કુલ 1444 વિસ્તારોમાં 3.13લાખથી વધુ ઘરો અને અંદાજે 15.69 લાખ વસ્તીને આવરી લેવાઈ હતી. કુલ 7174 સ્થળોએ મચ્છરના વિવિધ સ્ટેજમાં મચ્છરો, મચ્છરોના લાર્વા, પોરા ભક્ષક માછલીઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશનથી બતાવાયું હતું. 

ODF ડબલ પ્લસ જાળવી રાખવા તપાસ 
મનપા કમિશનર બંછાનિધિ પાની તાજેતરમાં ઓડીએફ ડબલ પ્લસ સર્ટીફિકેશન જાળવી રાખવા માટે પે એન્ડ યુઝ ટોઈલેટ બ્લોક્સની જાતતપાસ કરી હતી. શનિવારે ડ્રાઈ ડે કેમ્પેઈનમાં પણ તેઓ મેદાનમાં ઉતરી આવ્યાં હતાં. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડો.આશિષ નાયક સાથે અઠવા, ઉધના,સેન્ટ્રલ ઝોનના કૈલાસ નગર ખાતે રૂબરૂ હાજર રહી લોકોના ઘરમાં જઈ તેમના ઘરમાં રહેલા મચ્છરોના ઉત્ત્પત્તિ સ્થાનો રૂબરૂમાં બતાવ્યા હતાં. કતારગામમાં પણ લોકોમાં જાગૃતિ આવે તે માટે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...