સાતમું પગાર પંચ ન મળતાં સરકારી પોલિટેક્નિકના પ્રાધ્યાપકોએ કાળા કપડાં પહેરી વિરોધ દર્શાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાધ્યાપકોએ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. - Divya Bhaskar
પ્રાધ્યાપકોએ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
  • એક સપ્તાહ સુધી કાળા કપડાં પહેરી ફરજ બજાવશે
  • દક્ષિણ ગુજરાતના પ્રાધ્યાપકોએ વિરોધ નોંધાવ્યો

સુરતઃસાતમું પગાર પંચ ન મળતા સરકારી પોલિટેક્નિકના પ્રાધ્યાપકોએ કાળા કપડાં પહેરી વિરોધ દર્શાવ્યો હતો. વાપી-વલસાડ અને સુરત સહિતની દક્ષિણ ગુજરાતની મોટા ભાગની પોલિટેક્નિક કોલેજના પ્રાધ્યાપકો મોટી સંખ્યામાં વિરોધ દર્શાવ્યો હતો.

નક્કર પગલાં લેવા માંગ
રાજ્ય સરકારના વર્ગ-1 થી વર્ગ-4ના તમામ અધિકારી અને કર્મચારીઓને તારીખ 1/1/2016થી સાતમા પગાર પંચનો લાભ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે. જેને લીધે કર્મચારી વર્ગને વધતી મોંઘવારીનાં સાપેક્ષમાં પગારમાં વૃદ્ધિ મળેલ છે. આમ છતાં માત્ર ટેકનિકલ શિક્ષણ આપતી સરકારી પોલીટેકનિક કોલેજના વર્ગ-1 તથા વર્ગ-2ના પ્રાધ્યાપકોને  સાતમા પગાર પંચનો લાભ હજી સુધી મળેલ નથી. ગુજરાતભરની સરકારી પોલીટેકનિક કોલેજોના મંડળ દ્વારા આ બાબતે સરકાર સમક્ષ સાતમા પગાર પંચના લાભો મેળવવા માટે વખતો વખત રજૂઆત કરેલ છે. આમ છતાં, ચાર વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ જાહેરાત કરેલ નથી. છેવટે સમગ્ર રાજ્યની પોલિટેક્નિક કોલેજના પ્રાધ્યાપક ઓએ પોતાની સાતમા પગાર પંચની માગણી સંદર્ભે સરકાર કોઈ નક્કર પગલા લે તે માટે કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ઘડવો પડેલ છે. 

ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન
પોલિટેક્નિક કોલેજના પ્રાધ્યાપકોએ કાળા કપડાં પહેરીને પોતાની ફરજો બજાવી શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ આપ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં શૈક્ષણિક કાર્ય કે સંસ્થાકિય પ્રવૃતિઓ ને કોઈ અસર નહીં પહોંચે તેવી બાહેધરી પોલિટેકનિક અધ્યાપક મંડળ, સુરત પ્રમુખે આપેલ છે.રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ વહેલાસર મળેલ છે અને એકમાત્ર ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓના પ્રાધ્યાપકોની ઉપેક્ષા સરકાર દ્વારા કરાઈ હોય પ્રાધ્યાપકોએ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન માટે એક સપ્તાહ સુધી કાળા કપડાં પહેરીને ફરજ બજાવવાનું નક્કી કર્યું છે.