એ.કે.રોડ પર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં જગ્યા ખાલી કરાવવા બાબતે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ બિલ્ડર સાથે મિલિભગતમાં જગ્યા ખાલી કરાવે છે-સ્થાનિકો
  • કોર્ટનો ઓર્ડર લઈને પોલીસ આવીને જગ્યા ખાલી કરાવી-ધારાસભ્ય

સુરતઃવરાછા વિસ્તારમાં આવેલા એ.કે. રોડ પર ગૌશાળા નજીક આવેલી શ્રીનાથજી દ્વાર સોસાયટીમાં સ્થાનિક અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે બળપ્રયોગ કરવાની સાથે મહિલા સહિત અમુક લોકોની અટકાયત કરી હતી. જો કે, સમગ્ર પ્રકરણમાં સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સીઓપીની જગ્યા બિલ્ડરને આપી દેવા માટે પોલીસ અમારા પર અત્યાચાર કરે છે.

બિલ્ડર કોર્ટનો ઓર્ડર લાવેલા
પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર સમગ્ર જમીન મુદ્દે સ્થાનિકો અને બિલ્ડર ઘનશ્યામ ભાદાણી વચ્ચે ત્રણેક વર્ષથી વિવાદ ચાલતો હતો. જેથી બિલ્ડર ઘનશ્યામ ભાદાણી કોર્ટમાં ગયા હતાં. કોર્ટમાંથી ઓર્ડર આવી જતાં પોલીસ કાફલા સાથે જગ્યાના કબ્જા માટે જતાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર જીભાજોડી બાદ પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

જાણ થતાં દોડી આવ્યો-ધારાસભ્ય
સુરત ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ બલરએ જણાવ્યું હતું કે, મને અહિં બબાલ થયાની જાણ થતાં દોડી આવ્યો હતો. આ સોસાયટીમાં જગ્યાને લઈને કોર્ટમાં કેસ ચાલતો હતો. કોર્ટના ઓર્ડરને લઈને પોલીસ જગ્યા ખાલી કરાવવા આવી હતી. આ અંગે પોલીસ સાથે સ્થાનિકોને ઘર્ષણ સર્જાયું હતું. જો કે મામલો કોર્ટનો છે.

અમારા પાર્કિંગ પર કબ્જાની કોશિષ-સ્થાનિકો
સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે, અમે શ્રીનાથજી સોસાયટીમાં વર્ષોથી વસવાટ કરીએ છીએ. અમારા પાર્કિંગની જગ્યા પર બિલ્ડર કબ્જો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ સીઓપીની જગ્યા છે.