સુરત / ટીકટોક સ્ટાર કિર્તી પટેલના ઘુવડ સાથેના વીડિયો વાઈરલ મામલે વન વિભાગે 25 હજારનો દંડ ફટકાર્યો

25 હજારનો દંડ ભરી આવી છું કહીં કિર્તી પટેલે વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો

  • ઘુવડને પકડવા મામલે વનવિભાગે કીર્તિ પટેલને દંડ ફટકાર્યો
  • દંડ ભર્યાની રસીદ સાથેનો વીડિયો પણ સો. મીડિયામાં મૂક્યો

Divyabhaskar.com

Feb 14, 2020, 03:44 PM IST

સુરતઃ સુરતની ફેશન ડિઝાઇનર અને ટીકટોક સ્ટાર કીર્તિ પટેલનો એક ઘુવડ સાથેનો ટીકટોક વિડ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ સંરક્ષિત વન્ય જીવ ઘુવડ સાથે રમત કરતા વીડિયો બનાવીને ટીકટોક પર મૂક્યો હતો. જેના પગલે સુરત વન વિભાગ દ્વારા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની રસીદ સાથેનો વીડિયો પણ કિર્તી પટેલે બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો.

ઘુવડને પકડવું વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો

ઘુવડને પકડવુ તે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો બને છે. ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતા ઘુવડ સાથે કીર્તિ પટેલે વીડિયો વાઈરલ કર્યો હતો. ઘુવડને હાથમાં પકડીને વીડિયો ઉતારતા જીવ દયાપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઇ હતી. જેથી સુરત વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કિર્તી પટેલને 15 હજાર અને તેને સાથ આપનારને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પગલાં ભરવા માંગ કરાઈ હતી

વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર વેલ્ફેર ટ્રસ્ટ નામની સંસ્થાએ ફરિયાદ કરી હતી કે, વીડિયોમાં ઘુવડને પાછળથી પકડી રંજાડતા હોય તેવું સ્પષ્ટ પણે જણાય છે. પોતાની પ્રસિદ્ધિ માટે વન્ય પ્રાણીઓને આ રીતે રંજાડી વીડિયો ઉતારી ફરતો કરાયો હતો. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમો મુજબ ગુનો બનતો હોય આ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. રાજકોટની વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર વેલ્ફેર ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા વીડિયો ફરતા કર્યાના દિવસે જ મુખ્ય વન સંરક્ષકને યુવતીના ફોટાગ્રાફ તેમજ વીડિયો સહિતની ફરિયાદ કરી પગલાં ભરવા માંગ કરી હતી.

દંડ ભરી દીધાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં મૂક્યો

અડાજણ પાલ ખાતે આવેલી સુરત વન વિભાગની ઓફિસ ખાતે કિર્તી પટેલ દ્વારા 25 હજારનો દંડ ભરવામાં આવ્યો હતો. જેની રસીદ સાથે કિર્તી પટેલે એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને કહ્યું હતું કે, દંડ ભરી આવી છું. આ તેની રસીદ છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી