સુરતઃ ભેસ્તાનમાં રહેતા 56 વર્ષીય મહિલાના અંગોના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતા મહેકાવવામાં આવી છે. મહિલા બ્રેનડેડ જાહેર થતા પરિવારની સંમતિથી કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.
મહિલા જ્યુશ પીતા સમયે ચક્કર આવતા પડી ગયા હતા
ભેસ્તાન વિસ્તારમાં આવેલી જાનકી પાર્ક સોસાયટીમાં દિપીકાબેન રાજેન્દ્રભાઈ અગ્રવાલ(ઉ.વ.56) પરિવાર સાથે રહેતા હતા. ગત 8 જાન્યુઆરીના રોજ દિપીકાબેન ઘરે જ્યુશ પી રહ્યા હતા. દરમિયાન અચાનક ચક્કર આવતા પડી જતા માથામાં ઈજા થવાથી બેભાન થઈ ગયા હતા. જેથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તપાસમાં મહિલાના બ્રેનમાં હેમરેજ અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. જોકે, 10 જાન્યુઆરીના રોજ દિપીકાબેનને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
બ્રેનડેડ દિપીકાબેને અંગોના દાન અંગે કહ્યું હતું
દિપીકાબેનને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમ પહોંચી હતી અને પરિવારને અંગોના દાન અંગે માહિતી આપી હતી. પરિવારે જણાવ્યું હતું કે, અંગદાન અંગે ઘણીવાર વાંચતા હતા. ત્યારે દિપીકાબેન હંમેશા કહેતા હતા કે, હું બ્રેનડેડ થઈ જાવ તો મારા અંગોનું દાન કરીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપજો. જેથી તેમની ઈચ્છા પ્રમાણે અંગદાન માટે સંમતિ આપીએ છીએ.
કિડની અને લિવરનું ત્રણ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું
પરિવાર દ્વારા સંમતિ આપવામાં આવતા અમદાવાદની કિડની હોસ્પિટલે કિડની અને લિવરનું દાન સ્વિકાર્યું હતું. જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વિકાર્યું હતું. બંને કિડની અને લિવરનું અમદાવાદની કિડની હોસ્પિટલમાં ત્રણ વ્યક્તિનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ અંગદાનથી દિપીકાબેને પાંચ લોકોને નવજીવન આપ્યું હતું. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 355 કિડની, 143 લિવર, 7 પેન્ક્રીઆસ, 25 હૃદય, 4 ફેફસાં અને 260 ચક્ષુઓ કુલ 794 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 730 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.