વાપી / ESIC હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે 2 મહિલા ગાર્ડને ચુંબન કરતા ફરિયાદ

  • 3 માસ પહેલા આ અંગે હોસ્પિટલ કમિટીને લેખિત ફરિયાદ પણ કરાઇ હતી
  • ‘મારો પગાર ત્રણ લાખ છે, જે જોઈએ તે આપીશ’ કહી છેડતી કરી હતી

Divyabhaskar.com

Nov 17, 2019, 01:29 PM IST

વાપી: વાપી ઇએસઆઇસી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ત્રણ માસથી મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી કરી જબરજસ્તીથી ખેંચીને ચુંબન કરતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહિલાના જણાવ્યા મુજબ આ અંગે હોસ્પિટલ કમિટિમાં લેખિતમાં ફરિયાદ પણ કરાઇ હતી. શનિવારે સવારે અચાનક પીડિત બે ગાર્ડને કામ પરથી છુટા કરી દેતા તેમણે પરિવાર સાથે ડોક્ટરની કેબિનમાં હોબાળો મચાવી તેમને ચપ્પલ મારી વિરોધ કર્યો હતો.

છેડતીને લઈને હોસ્પિટલમાં અરજી કરી હતી

વાપીમાં રહેતા અને ચણોદ ખાતે ઇએસઆઇસી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતી રોશની(નામ બદલ્યું છે)એ શનિવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 15 જૂન 2019ના રોજ તેઓ હોસ્પિટલમાં પ્રથમ શીફ્ટમાં નોકરી પર હતા. તે સમયે બપોરે તેમની સાથે કામ કરતી અંજલિ(નામ બદલ્યું છે)ને હોસ્પિ.ના સુપ્રિ. ડો. અનિલ સહરે તેમની ઓફિસમાં બોલાવી જબરજસ્તી કરી ગળે લગાવી ચુંબન કરતા હતા. બાદમાં હું જતા મને પણ ચુંબન કરતા અમે બંને ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ અનિલે રોશનીને જણાવ્યું કે, મારી પત્ની બુધવારે ગુરૂદ્વારામાં જાય છે તે દિવસે ઘરે આવજે. પગાર ત્રણ લાખ રૂપિયા છે કહી જે કંઇ પણ જોઇએ તે આપવા કહ્યું હતું. હોસ્પિટલથી છૂટીને ઘરે જતી વખતે સુપ્રિટેન્ડેન્ટ અનિલ રોશનીનો પીછો કરી ઘરનું સરનામું જાણી લઇ છેડતી કરતા તેણે હોસ્પિટલમાં અરજી આપી હતી. તે દરમિયાન સાથે કામ કરતી પારૂલ (નામ બદલ્યું છે)ની પણ અનિલ છેડતી કરતો હોય તેણે પણ હોસ્પિટલને અરજી આપી હતી.

ગાળ આપતા બંનેએ ચપ્પલ ફેંકતા મામલો ગરમાયો

શનિવારે રોશની અને પારૂલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સુપરવાઇઝરે બંનેને નોકરી પરથી કાઢી મુક્યા હોવાનું જણાવ્યું હતું. જેથી કારણ પુછતા ડો. અનિલે કહ્યું કે, મેં કાઢ્યા નથી અને ગાળ આપતા બંનેએ ચપ્પલ ફેંકતા મામલો ગરમાયો હતો. જેથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.જ્યારે બીજી તરફ ડો. અનિલ પણ ફરિયાદ નોંધાવવા મોડી સાંજ સુધી પોલીસમાં બેસી રહ્યા હતા.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી