ડુમસ અને સુંવાલી બીચ પર ત્રણ દિવસ લોકો માટે પ્રવેશબંધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 40-50 કિ.મી. ઝડપે પવન સાથે વરસાદની આગાહી
  • ઝાડ પડવા સાથે પતરાં ઉડવાના બનાવ બનવાની પણ સંભાવના

સુરત: અરબી સમુદ્રમાં સક્રિય વાયુ વાવાઝોડાને કારણે આગામી 3 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. વાવાઝોડું 12થી 14 જુન દરમિયાન ગુજરાતના દરિયા કિનારે અસર કરે તેવી સંભાવના છે. 

ડુમસ તથા સુંવાલી કાંઠા નજીકના બીચ વિસ્તારમાં લોકો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. પોલીસ કમિશનરે આ માટે જાહેરનામું બહાર પાડયું છે. 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે તો ઝાડ પડવાના બનાવો બની શકે છે. જો કે વાવાઝોડાથી શહેરમાં કોઇ મોટી અસર નહીં થાય તેવું સુત્રો જણાવી રહ્યા છે.

સ્મીમેર-સિવિલમાં મેડીકલ ટીમ સ્ટેન્ડબાય
સ્મીમેર હોસ્પિટલમાં 30 બેડનો એક અલગ વોર્ડ તૈયાર રખાયો છે. જરૂર પડતાં વધારો પણ કરી શકે તે રીતની પણ તૈયારી કરી દેવાઇ છે. સ્મીમેર સાથે નવી સિવિલ હોસ્પિટલમાં પણ મેડીકલની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 

દરેક ફાયર સ્ટેશન પર એક-એક ટીમ તૈનાત
ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું કે ઇલેકટ્રીક કટર, પાવર કટર, હોડી, રેઇન જેકેટ સાથેના સાધનો ફાયર સ્ટેશન પર મુકી દેવામાં આવ્યા છે.  દરેક ફાયર સ્ટેશનમાં એક-એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.