પાલિકાના હોદ્દેદારના ગેરકાયદે બાંધકામને તોડવાના પ્રાંત અધિકારીના આદેશ બાદ ડિમોલેશન થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું. - Divya Bhaskar
પાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું.
  • પાલિકાના દબાણ હટાવ શાખા દ્વારા માત્ર દાદર તોડવામાં આવ્યાં
  • ગેરકાયદે દબાણ મુદ્દે પ્રાંતની મધ્યસ્થીમાં મિટીંગમાં ચર્ચા થયેલી

બારડોલીઃ બારડોલીના જનતા સોસાયટીમાં પાલિકાના ગટર સમિતીના ચેરમેન દ્વારા ઊભુ કરવામાં આવેલ બાંધકામ અંગે સાસોયટીના રહીશો દ્વારા વિરોધ કરી સોમવારે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાદમાં મંગળવારે સાંજે બારડોલી પ્રાંતની મધ્યસ્થીમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં તમામ પુરાવા ચકાસીને પ્રાંતે તાત્કાલિક અસરથી ગેરકાયદે બાંધકામ દૂર કરવા પાલિકાને આદેશ આપ્યો હતો. પ્રાંતના નિર્ણયના પગલે આજે (બુધવારે) ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સમિતીના ચેરમેનના વિરોધ વચ્ચે ગેરકાયદે ઈમારતના દાદર તોડી નંખાયા હતાં.

માર્જીનનો દાદર તોડી નંખાયો
પ્રાંતના આદેશ મુજબ આજે પાલિકાના દબાણ હટાવ શાખા જેસીબી જેવા બાંધકામ તોડવાના સાધનો લઈને પહોંચી ગઈ હતી. જેમણે દાદર તોડી નાખ્યો હતો. સમિતીના ચેરમેનના વિરોધ વચ્ચે કામગીરી આદરી દેવામાં આવી હતી. લાઈન દોરીમાં આવતાં માર્જીનના દાદરને તોડી પડાયા બાદ ડિમોલેશન અટકાવી દેવામાં આવ્યું હતું. સાથે જ પાલિકાની ટીમ ઘટનાસ્થળેથી રવાના થઈ ગઈ હતી. 

તમામ કાગળોની ચકાસણી કરી પાલિકાને સૂચનો આપ્યા
જનતા નગરના રહીશો બે દિવસથી ધરણા ઉપર બેઠા હતા. જેથી રહીશો અને પાલિકા વચ્ચે મધ્યસ્થી કરી હતી. આ પ્રકરણની તમામ કાગળોની ચકાસણી કરી વિવાદિત લાગતું બાંધકામ તાત્કાલિક ધોરણે નિયમોનુંસાર દૂર કરવા પાલિકાને સૂચનો અપાયા છે. સાથે જ પોલીસ તેમજ તાલુકા મેજીસ્ટ્રેટ તેમજ એમ્બુલંશ પણ સાથે રાખવા જણાવ્યુ છે.-વિજયભાઇ રબારી (પ્રાંતઅધિકારી બારડોલી)

અમારી લડતનો સુખદ અંત આવ્યો
જનતા નગર સોસાયટીમાં ભીમસિંગભાઈ પુરોહિત તેમજ ભરતભાઇ પુરોહિતે અડચણ રૂપ બાંધકામ કર્યું હતું. જે હટાવવાની અમારી છેલ્લા ઘણા સમયથી માંગ હતી, જેને લઈ અમે રહીશો પાલિકા કચેરીમાં ધરણા ઉપર બેઠા હતા. બારડોલી પ્રાંત અધિકારી મધ્યસ્થી કરી વિવાદિત બાંધકામ હટાવવાનો નિર્ણય લેતા, અમારી લડતનો સુખદ અંત આવ્યો છે. જેથી અમે તમામ રહીશો પ્રાંત અધિકારી તેમજ પાલિકા ચીફઑફિસર તેમજ નગર ભાજપ સંગઠનનો આભાર માનીએ છે.-રાજેશકુમાર ઈશ્વરલાલ પટેલ પ્રમુખ જનતા સોસાયટી

અન્ય સમાચારો પણ છે...