અમદાવાદ/સુરત: મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની સરકારી સ્કોર્પીઓ ગાડીની વીમા પોલિસી અને પીયુસીની મુદત પૂરી થઇ હોવાના ફોટા સાથેના ખોટા સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા કરનાર સુરતના અડાજણ મોરા ભાગોળમાં રહેતા અફરાજ રઝા અબ્દુલકજા શેખની ધરપકડ કરી હતી. આ યુવાન ન્યૂઝ પોર્ટલ વેબસાઈટ ચલાવે છે. રાજ્ય સરકારે વાહનચાલકો માટે ટ્રાફિકના નવા કાયદા કરીને દંડની રકમ વધારી હતી. પરંતુ સરકારી ગાડીઓમાં કાયદાનું ઉલ્લંઘન થતું હોવાના સમાચાર વહેતા કરીને સરકારની છબી ખરડવાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચના એસીપી બી.વી.ગોહિલે જણાવ્યું હતું કે, અફરાજ રઝા દ્વારા સરકારની છબી ખરડવા માટે મુખ્યમંત્રીના ગાડીમાં બેઠેલા ફોટા અને પીયુસી અને વીમાની ખોટી માહિતી વહેતી કરી હતી.
સાઇબર ક્રાઇમ પહેલા ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી લીધો
અમદાવાદમાં બનતા સાઈબર ક્રાઈમના ગુના શોધી કાઢવા માટે ખાસ સાઈબર ક્રાઈમ સેલ અલગથી બનાવવામાં આવ્યો છે. જેમાં 1 ડીસીપી, 1 એસીપી, પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓનો સ્ટાફ છે. તેમ છતાં સાઈબર ક્રાઈમના આ ગુનામાં સાઈબર ક્રાઈમ હરકતમાં આવે તે પહેલા ક્રાઈમ બ્રાંચની ટીમે યુવાનને ઝડપી લીધો હતો.
ફોન, લેપટોપ કબજે કરી FSLમાં મોકલાયા
ક્રાઈમ બ્રાંચના એસીપી બી.વી.ગોહિલના જણાવ્યા અનુસાર અફરાજ રઝા શેખે ફેસબુક અને 4 ટિ્વટર એકાઉન્ટમાં આ સમાચાર વહેતા કર્યા હતા. જેથી તેનું ફેસબુક અને 4 ટિ્વટર એકાઉન્ટ સીલ કરીને મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કરવામાં આવ્યા છે. જે તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે.
ખોટી માહિતી અપલોડ કરવાનો ગુનો નોંધાયો હતો
હકીકતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત સરકારની સ્કોર્પિયો ગાડી નં. GJ-18-G-9085 ઉપયોગ કરે છે તે ગાડી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનાં નામે નોંધાયેલી છે અને તેનો વીમો 31 ડિસેમ્બર 2019 સુધી વેલીડ છે. તેની ફિટનેશ પણ 10 એપ્રિલ 2029 સુધીની છે. સોશિયલ મીડિયામાં જે મેસેજ ફોટો સાથે વાઈરલ કરવામાં આવ્યા હતો તે તદ્દન ખોટો અને પાયાવિહોણા હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. ખોટી માહિતી અપલોડ કરવા અંગે તપાસ કરવામાં આવતા સુરતના એક પત્રકારનું નામ સામે આવ્યું હતું. જેની આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ તેને અમદાવાદ લઈ જઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.