લિંબાયતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારને કોર્ટે ફાંસીની સજા સંભળાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરતના ઈતિહાસમાં પ્રથમવાર આરોપીને ફાંસીની સજા
  • આરોપી અનિલ યાદવને કોર્ટે ફાંસીમી  સજા સંભળાવી
  • 35 સાક્ષીઓ,મેડિકલ પુરાવા,સીસીટીવી સહિતના આધારે ચુકાદો

સુરત: લીંબાયતની ત્રણ વર્ષ અને સાત મહિનાની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં સંડોવાયેલાં આરોપી અનિલ યાદવને આખરે એડિશન સેશન્સ જજ પી.એસ. કાલાની કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. ચુકાદામાં કોર્ટે કહ્યુ કે પહેલાંના જમાનામાં રાક્ષસો બાળકોને ઉપાડી જતા હતા એ વાર્તા આવતી હતી. આ તો રાક્ષસી કરતાં પણ વધુ જઘન્ય કૃત્ય છે. એમાં આજીવન કેદ કરતા મૃત્યુદંડની સજા જ યોગ્ય છે. આરોપીની માનસિકતા પણ અહીં જોવાની જરૂર છે.

કોર્ટ કેમ્પસમાં ભારે નારેબાજી
15 વર્ષ અગાઉના આમ્રપાલી સોસાયટીના લૂંટ વીથ હત્યાના ગુનામાં ફાંસીની સજાના હુકમ બાદ આ બીજો હુકમ છે. અલબત્ત, બળાત્કારના કેસમાં ફાંસીનો આ પહેલો હુકમ છે. મંગળવારના રોજ આરોપીને તકસીરવાર ઠેરવ્યા બાદ આજે સરકાર પક્ષે આરોપીને કેપિટલ પનિશમેન્ટ મળે એ માટે દલીલો કરવામાં આવી હતી. જેમાં 1750 ઇ.સ.પૂર્વે પણ ફાંસીની જોગવાઈથી લઇને સુપ્રીમ કોર્ટે વર્ષ 1950 થઈ લઇ 2012 સુધી કુલ 437 કેસમાં ફાંસની સજા સંભળાવી હોવાનું પણ જણાવ્યુ હતુ. આ કેસમાં હવે ચુકાદાની કોપી હાઇકોર્ટ જશે અને ઉચ્ચ ન્યાયાલય જ નક્કી કરશે કે ફાંસીની સજા યથાવત રાખવી કે કેમ? મોડી સાંજે ચુકાદો આવ્યા બાદ બાળકીના માતા-પિતા જણાવ્યુ હતુ કે આખરે અમારી દીકરીની આત્માને શાંતિ થઈ. કોર્ટમાં ચુકાદો સાંભળવા બાળકીના મહોલ્લાના અનેક લોકો પણ હાજર રહ્યા હતા. જેઓએ કોર્ટ કેમ્પસમાં ભારે નારેબાજી કરી હતી. મંગળવારે આરોપીને દોષી જાહેર કર્યા બાદ આજે સજાનું એલાન હતુ. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપીને ફાંસીની સજા થાય એ માટે કુલ 14 જેટલાં ઓર્ડર રજૂ કર્યા હતા અને સમાજમાં એક દાખલો બેસે એ માટે આરોપીને કેપિટલ પનિશમેન્ટ અંગેની દલીલ કરી હતી. 

આ કલમ હેઠળ સજા
302: ગળે ફાંસો આપી મૃત્યુ થાય ત્યાં સુધી લટકાવવો 
366 : દસ વર્ષ  
376 -એબી: ફાંસી 
377: દસ વર્ષ 
201: સાત વર્ષ 
પોક્સો 3(એ) : ફાંસી  
પોક્સો-5(એમ) : ફાંસી 
પોક્સો-4: ફાંસી 
પોક્સો-6: ફાંસી 
પોક્સો-8 : ફાંસી

ચુકાદા બાદ પીડિતાની માતાએ કહ્યું, ‘મારી દીકરીના આત્માને શાંતિ મળી’
પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા નવ મહિનાથી ઇચ્છતા હતા કે આરોપીને ફાંસી થાય. જેથી બીજી દીકરીઓ જોડે કોઇ પાપી આવું જઘન્ય કૃત્ય ના કરે. હું એમ તો નહીં કહીશ કે ખુશ છું. ખુશી જાણે અમારા ઘરમાંથી અદૃશ્ય થઇ ગઇ છે. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આ ચૂકાદાના લીધે મારી દીકરીના આત્માને શાંતી મળી હશે.  હવે અમે આરોપીને ફાંસી થાય એ દિવસની રાહ જોઇએ છે. 

આગળ શું : ફાંસી આપવી કે નહીં તે હવે હાઇકોર્ટ નક્કી કરશે
સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટ દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખવી કે કેમ એ નક્કી કરશે સજા યથાવત રહે તો આરોપી  હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. સરકારી વકીલ કિશોર રેવલિયા કહે છે કે જો હાઇકોર્ટ જો ફાંસીની સજા આજીવનમાં ફેરવાઈ તો સરકાર અને દીકરીના માતા-પિતા પણ હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે.
 
આરોપીના ઘરે રડારડ 
બિહારના લોહન્દી ગામનો રહેવાસી અનીલ યાદવના ઘરમાં સજા બાદ રડારડ શરૂ થઇ ગઈ હતી. તેના ભાઈ મંતોસે કહ્યું કે, તેની માતાએ દીકરો નિર્દોષ હોવાનંુ કહ્યું હતું. ગામમાં તેનો વ્યવહાર સારો હતો. બની શકે કે આ ઘટનાને તેના મિત્રોએ અંજામ આપ્યો હોય. 

સુરતમાં અગાઉ ફાંસી
સ્પે. પી.પી. રહેલાં નયન સુખડવાલા કહે છે કે મારા કેરિઅરની આ બીજી ફાંસીની સજા છે. સુરતમાં પણ 2005-06 બાદ આ બીજી સજા છે. અગાઉ ઘોડદોડ રોડની આમ્રકુંજ સોસાયટીમાં લુંટ-હત્યા મામલે ફાંસી અપાઈ હતી. બળાત્કાર કેસમાં આ પહેલી ફાંસી છે.

ફાંસી માટેની દલીલો
-આરોપી પ્રત્યે સહાનુભૂતિ રાખવી જરૂરી નથી. 
-બાળકીની ઉંમર જોવી જોઇએ, તે સ્વ બચાવ પણ કરી શકે એવી હાલતમાં નહતી. 
-ઓછી સજા ન્યાયતંત્ર માટે પણ નુકશાનકારક
-વિકટીમના હક પણ ધ્યાને લેવાવા જોઇએ
-નિર્ભયા કેસ બાદ કાયદામાં સુધારો કરીને 376 એબી ઉમેરાઇ  છે. જેથી ફાંસીની સજા થાય.
-માનવામાં ન આવે કે વાસના આટલી હદ વટાવે.
-સમાજને આશા એકમાત્ર ન્યાયતંત્ર પાસે જ છે.
-દરેક પાસા જોતા આજીવન સજા કરવી પણ યોગ્ય નથી. ફાંસી જ આપવી જોઇએ.
-દેશમાં આઇપીસી હેઠળ 11 અને અન્ય કાયદા હેઠળ 21 ગુનામાં ફાંસીની સજા

ઝડપથી ચુકાદો કેવી રીતે આવ્યો
આ કેસમાં 35 સાક્ષીઓ ચકાસાયા એક જ મહિનામાં ચાર્જશિટ થઇ રોજેરોજ કેસનું હિયરિંગ થયું ઉપરાંત પોલીસે પણ ઝડપથી પુરાવા એકત્રિત કરીને કોર્ટમાં સબમિટ કર્યા અને પાંચ જ મહિનામાં ટ્રાયલ પૂરી થઇ.  અલબત્ત બળાત્કારની આ ઘટનાના સમયાંતરે બીજા દસ બનાવો બન્યા છે જેમાં બાળકીઓ હેવાનોનો ભોગ બની છે. આ તમામ બાળકીના માતા-પિતા આવી જ ઝડપથી સજાની આશા રાખી રહ્યા છે. સરકારે માત્ર 3 જ કેસમાં સ્પિડ ટ્રાયલ થાય એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ખરેખર તો જઘન્ય કૃત્યના દરેક કેસમાં સ્પિડ ટ્રાય થવી જોઇએ.