આત્મહત્યા દુષ્પ્રેરણા મામલો, મેઘના સહિત છ આરોપીઓ એક દિવસનાં રિમાન્ડ પર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી લાંચ કેસમાં સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર કપિલા અને આપઘાત દુષ્પ્રેરણા કેસમાં હોદ્દા પરથી દૂર કરાયેલા મેઘના પટેલ - Divya Bhaskar
ડાબેથી લાંચ કેસમાં સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર કપિલા અને આપઘાત દુષ્પ્રેરણા કેસમાં હોદ્દા પરથી દૂર કરાયેલા મેઘના પટેલ
  • થોડા દિવસ પહેલા લાંચ કેસમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલાને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા
  • ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુસ્મિતા દેવ દ્વારા મેઘના પટેલને હોદ્દા પરથી દૂર કરાયા
  • કોંગ્રેસે તમામ પદો પરથી મેઘનાને તાત્કાલિક અસરથી દૂર કરી

સુરતઃ આત્મહત્યાની દુષ્પ્રેરણામાં સંડોવાયેલી કોંગ્રેસની દક્ષિણ ગુજરાતની મહિલા પ્રભારી એવી આરોપી મેઘના પટેલ સહિતના આરોપીઓને આજે સોમવારના રોજ કોર્ટમાં રજૂ કરી પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. દલીલો બાદ કોર્ટે તમામ છ આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.રાંદેર પોલીસમાં નોંધાયેલાં આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસમાં રાંદેર પોલીસે આરોપી દેવનારાયણ બસાક, શ્રેયા સુબલ, મેઘના પટેલ, ચિરાગ ખંડેરિયા, તરૂણ નાગર અને અર્જુન ચૌધરીની ઘરપકડ કરી હતી. આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ને ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા. બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ અને ઝમીર શેખની દલીલો બાદ કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. બીજી તરફે આ ઘટનાની નોંધ લઈને કોંગ્રેસે તમામ પદો પરથી મેઘના પટેલને દુર કરી દીધી છે.

ઘટના શું હતી?
20 વર્ષીય સુદીપ દીલીપ નંદન (રહે.લિમડીફૂઈ ગોપીપુરા)દેવનારાયણ બશકને ત્યાં સોનાના દાગીનાના કારખાનામાં મજૂરી કરતો હતો. સુદિપે સોનુ સગેવગે કર્યાની વાતને લઈને દેવનારાયણની દીકરી શ્રેયાએ કોંગ્રેસ મહિલા મોરચાના ઉપપ્રમુખ મેઘના પટેલને વાત કરી હતી. સુદીપે 12મી ડિસેમ્બરે માતા સાથે વાત કરી 90 ગ્રામ સોનું છે પણ વેચાતું નથી એવુ કહ્યું હતું. આ વાત શ્રેયાના પિતાએ મેઘનાને કરી હતી. જેથી મેઘનાએ પોતાની વોલ્વો કારમાં શ્રેયા સાથે સુદીપનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ મેઘના, શ્રેયા, ચિરાગ ખંડેરીયા, અર્જુન ચૌધરી અને તરૂણ નાગરે સુદીપને ગોંધી કમરના પટ્ટાથી માર માર્યો હતો. સુદીપના માતા-પિતાને ફોન કરી સોનાના બદલામાં રૂપિયાની માંગ કરતા સુદીપના પરિવારે કલકતાથી શ્રેયાના ખાતામાં 69 હજાર જમા કર્યા હતા. મોડી રાત્રે સુદીપને પાછો રાંદેર નજીકના વિસ્તારમાં ઓટો કન્સલ્ટની ઓફિસમાં ગોંધી દેવાતા છેવટે ઓફિસમાં ફાંસો ખાધો હતો.

મેઘના પટેલની ધરપકડને ગુજરાત કોંગ્રેસે ગંભીરતાથી લીધી
સોનાની ચોરીની આશંકામાં ગોંધી માર મારવામાં આવતા સુદીપે આપઘાત કર્યો હોવાની જાણ થતા પોલીસે સોનાના કારખાનેદાર દેવનારાયણ બશક, તેની પુત્રી શ્રેયા બશક, કોંગ્રેસ મહિલા મોરચાના ઉપપ્રમુખ મેઘના પટેલ,  ચિરાગ ખંડેરીયા, અર્જુન ચૌધરી અને તરૂણ નાગર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.ગંભીર ગુનામાં સંડોવાયેલા કોંગ્રેસ મહિલા મોરચાના ઉપપ્રમુખનની ધરપકડને ગુજરાત કોંગ્રેસે ગંભીરતાથી લીધી છે. ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુસ્મિતા દેવ દ્વારા મેઘના પટેલને તાત્કાલિક કોંગ્રેસ મહિલા મોરચાના ઉપપ્રમુખના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. 

એક અઠવાડિયામાં કોંગ્રેસની બે મહિલા સામે ગંભીર ગુના નોંધાયા
સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં કોંગ્રેસની બે મહિલા સામે ગંભીર ગુના નોંધાયા છે. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા મહિલાઓ સામે શિસ્તભંગનાં આકરા પગલાં ભરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલાં જ લાંચ પ્રકરણમાં સપડાતા આંજણા-ખટોદરાની કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિ પલ્કેશ પટેલને શહેર કોંગ્રેસે તાત્કાલિક પગલાં લઇને પાર્ટીના સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા. સુરત શહેર પ્રમુખ બાબુ રાયકા દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવ્યા અનુસાર કોંગ્રેસની મહિલા કોર્પોરેટર અને તેનો પતિ પલ્કેશ પટેલ કે જે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મંત્રીપદે છે તે બંનેને કોંગ્રેસના સભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જ્યારે આપઘાતની દુષ્પ્રેરણાના કેસમાં  કોંગ્રેસ મહિલા મોરચાના ઉપપ્રમુખ મેઘના પટેલની ધરપકડ કરાતા તાત્કાલિક હોદ્દા પરથી દૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...