- પુત્રએ બાઈક પરથી કાબુ ગુમાવતા બંન્ને રોડ પર પટકાયા
- માતાને હાથ અને પગમાં ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં
Divyabhaskar.com
Nov 17, 2019, 02:59 PM ISTસુરતઃ પરવટ પાટિયા નજીક રણછોડ નગર સોસાયટીના ગેટ પાસેથી બાઈક પર પુત્ર સાથે જઇ રહેલી માતાના ગળામાંથી સોનાની ચેઇન આંચકીને બાઈક સવાર સ્નેચરો ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે પુણા પોલીસે ફરિયાદ નોંધી સ્નેચરોની ભાળ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.
બાઈક પર બે સ્નેચરો ઘસી આવ્યા
પરવટ પાટિયા સ્થિત ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા સંદીપ જયંતિ ઉમરાળીયા માતા જયાબેનને બાઈક પર બેસાડી કામરેજ જવા નીકળ્યો હતો. દરમિયાન રણછોડ નગર સોસાયટીના ગેટ પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી બાઈક પર બે સ્નેચરો ઘસી આવ્યા હતા. પાછળ બેસેલા એક સ્નેચરે જયાબેનના ગળામાંથી 37,100ની સોનાની ચેઇન આંચકી લીધી હતી અને ભાગી ગયા હતા.
હાથ અને પગમાં ઇજા થઈ
ચાલુ બાઈકે સ્નેચરોએ સોનાની ચેઇન આંચકતા સંદીપે બાઈક પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી માતા-પુત્ર રોડ પર પટકાયા હતા. જેમાં માતા જયાબેનને હાથ અને પગમાં ઇજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે પુણા પોલીસે ફરિયાદ નોંધી સ્નેચરોની ભાળ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.