હેલમેટ વગરનો ફોટો પાડી વાઇરલ કરનારને ગાળો આપનાર SMCના કર્મી વિરુદ્ધ આવેદન પત્ર અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયામાં હેલમેટ વગર અને મોબાઈલ પર વાત કરતો ફોટો વાઈરલ થયો હતો - Divya Bhaskar
સોશિયલ મીડિયામાં હેલમેટ વગર અને મોબાઈલ પર વાત કરતો ફોટો વાઈરલ થયો હતો
  • હેલમેટ વગરનો ફોટો પાડી વાઇરલ કર્યો
  • ગ્રુપમાંથી ફોન નંબર મેળવીને ગાળો આપી
  • ફરિયાદ નોંધવા અને બરતરફ કરવા રજૂઆત

સુરત: કોર્પોરેશનના વોચ એન્ડ વોર્ડ વિભાગનો કર્મચારી અડાજણ વિસ્તારમાં હેલમેટ વગર અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતો હતો તેનો આ ફોટો અજય નામના રાહદારીએ પાડીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. તેથી કોર્પોરેશનના કર્મચારીએ તે વ્યકિતને ફોન કરીને ગાળો આપી હતી. જેને લઈને આજે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

હેલમેટ વગર અને બાઇક પર મોબાઈલ પર વાત
જય બારોટ નામનો યુવક સુરત પાલિકામાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગુરૂવારે બપોરે જય વગર હેલમેટે બાઇક પર જતો હતો ત્યારે અજય નામના વ્યકિતએ તેનો હેલમેટ વગર અને બાઇક પર મોબાઈલ પર વાત કરવાનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. જેથી જયે ગ્રુપમાંથી અજયનો ફોન નંબર મેળવીને ગાળો આપી હતી. જેને પગલે આજે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

વીડિયો મારફતે માફી પણ માંગવામાં આવી
આવેદન પત્રમાં રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે, જય બારોટે માર મારવાની, અપહરણ કરવાની ધમકી આપે છે. સાથે જ જ્ઞાતીનો વારંવાર ઉપયોગ કરી બે જ્ઞાતી વચ્ચે વિગ્રહ કરવાની ઉશ્કેરણી કરવામાં આવી હતી. અને પ્રજામાં પોતાનો રોફ જમાવવા ગુનો કરવા અંગે ફરિયાદ નોંધવા અને બરતરફ કરવા માટે કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે. જોકે, આ અંગે જય બારોટ દ્વારા એક વીડિયો મારફતે માફી પણ માંગવામાં આવી હતી.