ચુકાદો સાંભળવા આવેલા મહોલ્લાવાસીની આંખોનો આક્રોશ: નરાધમ અમારા હાથમાં આવી જાય તો હમણાં જ ચીરી નાખીએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દોષિત અનિલ યાદવ - Divya Bhaskar
દોષિત અનિલ યાદવ
  • જજ પી.એસ. કાલા અગાઉ વીસનગરમાં ડબલ મર્ડરના કેસમાં ફાંસીનો હુકમ આપી ચુક્યા છે
  • સુરતમાં બીજો હુકમ એક જ મહિનામાં ચાર્જશીટ થયું
  • રોજ ટ્રાયલ ચાલી એટલે 290 દિવસે ચુકાદો આવ્યો

સુરત: 290 દિવસ પહેલા લિંબાયતમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર અનિલ યાદવે બળાત્કાર ગુજારી હત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. ચુકાદો સાંભળવા આવેલા મહોલ્લાવાસીની આંખોનો આક્રોશ  એવો હતો કે, હાથમાં આવી જાય તો હમણા જ ચીરી નાખીએ. ચુકાદો આવ્યા બાદ બાળકીના માતા-પિતાએ જણાવ્યું હતું કે, ‘ અમે ખુશ છીએ એવું કંઇ રીતે કહીએ, કેમકે અમે દીકરી ગુમાવી છે. આ હુકમના લીધે દીકરીની આત્માને શાંતિ થઈ છે. દીકરીની માતાએ કહ્યું હતું કે, બીજી દીકરીઓ સાથે આવું ન થાય એ માટે આ ચુકાદો જરૂરી હતો. અમે પણ ફાંસી જ થાય એવું ઇચ્છતા હતા. સમાજના લોકો, પોલીસ, વકીલ અને કોર્ટનો આભાર તમામે સહકાર આપ્યો. શાંતિ તો ત્યારે થશે જ્યારે તેને ફાંસી અપાશે. નોંધનીય છે કે ચુકાદો આવ્યાના એક દિવસ અગાઉ જ બાળકીની માતાએ ‘ દિવ્યભાસ્કર ’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, નરાધમને ફાંસી થવી જોઇએ, જો તેને ફાંસી ન આપી શકો તો અમે ચારેય (માતા-પિતા બે બાળકો)ને ફાંસી આપી દો. સજાનો હુકમ કરનાર એડિ. સેશન્સ જજ પી.એસ. કાલા અગાઉ વીસનગરમાં ડબલ મર્ડરના કેસમાં ફાંસીનો હુકમ આપી ચુક્યા છે. સુરત આવ્યા બાદ તેમણે ફાંસીનો આ બીજો હુકમ કર્યો હતો.

ગુજરાતમાં છેલ્લી ફાંસી શશિકાંત માળીને અપાઇ હતી
1953માં પહેલી વખત કાના પરબતને સાબરમતી જેલમાં ફાંસી અપાઇ હતી. જામકા ગામના ખેડૂતના ત્યાં મજૂરી કરતા કાનાની રૂ. 150 ની ચોરીના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે એક વકીલ પરિવારના 4 સભ્યની હત્યાના ગુનામાં શશીકાંત માળીને રાજકોટની જેલમાં 1989માં ફાંસી થઈ હતી. શશીકાંત માળી મીઠાપુર ખાતેની ફેક્ટરીમાં કામદાર હતો.જેને કાઢી મૂકાતા તેણે રાજકોટના વકીલ હસુભાઇ દવેને રોકીને ફેક્ટરી સામે કેસ કર્યો હતો. જેમા હારી જતા શશીકાંત માળીએ બચાવમાં રોકાયેલા વકીલ પરિવારના 4 સભ્યની હત્યા કરી હતી. જેથી તેને ફાંસીની સજા થઇ હતી.

એકપણ નજરે જોનાર સાક્ષી ન હતો: પરમાર
તપાસ કરનાર એસીપી એ.એમ.પરમારે જણાવ્યું કે, આ કેસમાં એક પણ નજરે જોનાર સાક્ષી નહતો. માત્ર સાંયોગિક અને વૈજ્ઞાનિક પુુરાવાના આધારે તપાસ કરીને આરોપીની સજા સુધી લઈ ગયા છે. આ એક ઐતિહાસિક ચુકાદો છે.

વકીલની દીકરીએ પૂછયું, પપ્પા પાસ થઈ ગયા?
સમગ્ર કેસ લડનારા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ક્હ્યુ કે રેરેસ્ટ ઓફ રેર સમા આ કેસમાં પાંચ જ મહિનામાં ચૂકાદો આવી ગયો. બીજી ખાસ વાત એ હતી કે દલીલ માટે રાત્રે તૈયારી કરી રહ્યો હતો ત્યારે મારી દીકરી પણ જાગતી હતી. તેની પણ પરીક્ષા છે. રાત્રે દોઢ વાગવાનો હતો. એટલે દીકરીએ પૂછયું કે પપ્પા હોમવર્ક પુરુ થઇ ગયુ, એટલે મેં કહ્યુ કે ના તું સૂઇ જા. મને વાર લાગશે. પછી આજે જ્યારે ચુકાદો આવ્યો ત્યારે દીકરીએ પૂછયું કે પપ્પા પાસ થઈ ગયા. એટલે મે કહ્યુ કે હા.

દરેકની નજરમાં ગુસ્સો, ચહેરો લાલઘૂમ
આજે કોર્ટમાં મોટાભાગે બાળકી જે મહોલ્લામાં રહેતી હતી ત્યાંના રહિશો હાજર રહ્યા હતા.આરોપીને કોર્ટમાં લવાયો ત્યારે દરેક જણ એને ગુસ્સાની નજરે જોતા હતા.નાના બાળકોથી લઇને મોટેરાઓ સુધીની નજર જેવી આરોપી પર પડતી કે જાણે લાગતુ હતું કે, આંખમાં રહેલા ગુસ્સાની જવાળાથી આરોપી હમણાં જ ભસ્મીભૂત થઇ જશે. મહોલ્લાવાસીઓ આરોપીને કંઇ કેહવા માગતા હતા, પરંતુ દરેકને કોર્ટની ગરિમાનો ખ્યાલ આવતા જ ગુસ્સો મનમાં શાંત કરી દેતા હતા. ચુકાદો આવ્યા બાદ ન્યાય મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...