ભાસ્કર સ્ટિંગ ઓપરેશન / ઝોમેટો-સ્વિગીની આડમાં દારૂની ‘હોમ ડિલિવરી’; હૉસ્પિ., ઘર, પોલીસ સ્ટે. કે મામલતદાર કચેરી માગો ત્યાં દારૂ મળે 

  • દારૂબંધીની ઐસીતૈસી કરીને બેરોકટોક ચાલતા ગોરખધંધાનો ઘટસ્ફોટ કરવા ભાસ્કરની ટીમ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું  
  • દક્ષિણ ગુજરાતમાં ઝોમેટો-સ્વિગીની આડમાં ફૂડ ડિલિવરીમેનો દારૂની ડિલિવરી કરે છે
  • ઘર, ઑફિસ, રૉ-હાઉસ, મામલતદાર કાર્યાલય અને હૉસ્પિટલમાં દારૂ-બીયરની ડિલિવરી કરી
  • ‘લો તમારી વેજ બિરિયાની’ કહી દારૂની બોટલ આપે છે 

Divyabhaskar.com

Nov 16, 2019, 08:13 PM IST

પાર્થિવ દેસાઈ, જયદીપસિંહ પરમાર, બારડોલી: દક્ષિણ ગુજરાતમાં સુરત, બારડોલી સહિતનાં શહેરોમાં ઝોમેટો-સ્વિગીની આડમાં ફૂડ ડિલિવરીમેનો દારૂની ડિલિવરી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઑપરેશનમાં થયો છે. દિવ્ય ભાસ્કરની ટીમે આ જાણકારી મળ્યા પછી ચકાસણી માટે સતત એક મહિના સુધી વિવિધ સ્થળે સ્ટીંગ ઑપરેશન હાથ ધર્યું હતું. જ્યાં દારૂબંધી નથી એવા રાજ્યોમાં પણ ન હોય એવી સર્વિસ જ્યાં દાયકાઓથી દારૂબંધી છે એવા ગુજરાતમાં આપવામાં આવી રહી છે.
ભાસ્કરના સ્ટિંગ ઑપરેશનમાં જુદા જુદા દિવસે અને સમયે છ અલગ અલગ જગ્યાએ ઝોમેટો-સ્વિગીના ડિલિવરીમેનને દારૂનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેમણે ઘર, ઑફિસ, રૉ-હાઉસ, મામલતદાર કાર્યાલય અને હૉસ્પિટલમાં દારૂ-બીયરની ડિલિવરી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે ડિલિવરીમેનોએ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પણ બિન્ધાસ્તપણે દારૂની ડિલિવરી કરી હતી. ડિલિવરી કરનારે દાવો કર્યો હતો કે સુરત કે બારડોલી સહિતની જગ્યાએ માગો ત્યારે ડિલિવરી કરી દેવાય છે. ઝોમેટો-સ્વિગીનો ડ્રેસ અને બેગ હોવાથી પોલીસ શંકા કરતી નથી. જેનો લાભ લઈને દારૂની હેરાફેરી કરાય છે.
બારડોલીની મામલતદાર કચેરીમાં દારૂની ડિલિવરી કરી

સ્ટિંગમાં ભાસ્કરની ટીમે પહેલા ફૂડનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ડિલિવરી મેન આવ્યો ત્યારે તેને દારૂની ડિલિવરી થશે કે કેમ એ અંગે પૃચ્છા કરી હતી... જવાબમાં ડિલિવરીમેને બારડોલીની મામલતદાર કચેરીમાં દારૂની ડિલિવરી કરી હતી. અન્ય દિવસે બીજા એક ડિલિવરીમેને પોલીસ સ્ટેશનમાં પોતાની બેગમાંથી દારૂની બોટલ કાઢીને આપી હતી.

‘લો તમારી વેજ બિરિયાની’ કહી દારૂની બોટલ આપે છે
મોટા અક્ષરે અંગ્રેજીમાં ‘ઝોમેટો’ લખેલી લાલચટ્ટાક ટી-શર્ટધારી માણસ એવા જ રંગની બેગ લઈને ઘરમાં પ્રવેશે છે. કોઈ પણ જાતના સંકોચ કે ડર વિના તે બેગ ખોલીને ‘માલ’ની ડિલિવરી આપે છે. પણ આ માલ ગરમાગરમ ભોજન નહીં પણ દારૂની બોટલ છે. દારૂબંધી કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે એ પુરવાર કરતા અનેક કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવ્યા છે. પણ દિવ્ય ભાસ્કર પહેલીવાર ઘટસ્ફોટ કરી રહ્યું છે કે ઝોમેટો-સ્વિગીની આડમાં પણ દારૂનો બેરોકટોક વેપલો કરવામાં આવે છે. આ જાણકારી મળ્યા બાદ તેની ચકાસણી માટે દિવ્ય ભાસ્કરની ટીમે સતત એક મહિના સુધી જુદા-જુદા દિવસે ઓર્ડર આપ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે માત્ર ઘર કે ઑફિસ જ નહીં પણ હૉસ્પિટલ, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન સુદ્ધામાં પણ ઝોમેટો-સ્વિગિના ડિલિવરીમેનોએ માગવામાં આવે એ બ્રાન્ડનો દારૂ પહોંચાડ્યો હતો. આ સમગ્ર હેરાફેરી ઝોમેટો કે સ્વિગીની જાણ બહાર માત્ર તેમની આડમાં કરવામાં આવે છે.
ડિલિવરીમેને કહ્યું- સુરત, બારડોલી, હોસ્પિટલ હોય કે કોલેજ તમે કહો ત્યાં દારૂ પહોંચી જશે.
સ્ટિંગ ઓપરેશન દરમ્યાન જુદા-જુદા ડિલિવરીમેને ઝોમેટો અને સ્વિગીની બેગમાં દારૂની બોટલો મૂકી છ અલગ અલગ જગ્યાએ ડિલિવરી આપી હતી. એક ડિલિવરીમેને એવો પણ દાવો કર્યો હતો કે સુરત હોય કે બારડોલી, હોસ્પિટલ હોય કે કોલેજ તમે કહો ત્યાં દારૂની બોટલ મળી જશે.
કેટલાક ડિલિવરીમેનોએ દારૂની હેરાફેરીને સાઇડ બિઝનેસ બનાવ્યો છે. તેમાં ફૂડ ડિલિવરી કંપનીની સીધી કોઈ સંડોવણી હોતી નથી પણ તેમના દ્વારા આપવામાં આવતી ટી-શર્ટ કે ફૂડ બેગની આડમાં નિ:સંકોચપણે ડિલિવરી કરવામાં આવે છે. દિવ્ય ભાસ્કર પાસે તમામ છ ડિલિવરીના વીડિયો ફૂટેજ છે. જેમાં ઝોમેટો-સ્વિગીના માણસો દારૂની બોટલ આપતા સ્પષ્ટ જોઈ શકાય છે.

પ્રથમ ડિલિવરી, ઘરે ડિલિવરી બોય સાથે થયેલી વાતચીત
ભાસ્કર:
હેલ્લો ઝોમેટો
ઝોમેટો : હાજી બોલો કોણ?
ભાસ્કર : આપણી ગઇકાલે વાત થઈ હતી તે, બોટલ માટે
ઝોમેટો: કઈ બોટલ ?
ભાસ્કર : દારૂની યાર
ઝોમેટો: ભાઈ તમારો નંબર હું સેવ કરી લઉં છુ. હું પછી કોલ કરીશ.
સર્વિસ બોયનો કોલ ન આવતા 5 ઓકટોબરે
રાતે 8:30 વાગ્યે ભાસ્કરે ફરી કોલ કર્યો
ભાસ્કર : હેલ્લો ઝોમેટો
ઝોમેટો : જી આજે હું ગોઠવી આપું, કાલે કામમાં હતો.
ભાસ્કર: કેટલી વાર લાગશે, ગરબા શરૂ થાય તે પહેલા જોઇએે છે.
ઝોમેટો : ઓકે, હું ગોઠવું. કોલ કરું.
બાદમાં 9.45 વાગ્યે કોલ આવ્યો
ઝોમેટો : વ્હીસ્કીની બોટલ ફૂલમાં જ મળશે, હાફ કે ક્વાટર નથી.
ભાસ્કર: ઓકે વાંધો નહીં, લઈ આવો.
ઝોમેટો : કઈ લાવું ?
ભાસ્કર : કઈ છે?
ઝોમેટો: આઈબી છે, આરસી છે, બ્લેન્ડર છે, કઈ લાવું?
ભાસ્કર: આઈબી ના કેટલા?
ઝોમેટો : 1000 રૂપિયા થશે
ભાસ્કર : ઓકે, જમવાનું લઈ આવેલા ત્યાં જ ઘરે આવી જાવ .

ઝોમેટોનો ડિલિવરી બોય 5 મી ઓકટોબરે રાતે 10:20 વાગ્યે બાબેન એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઇમ્પિરિયલ બ્લૂ વ્હીસ્કીની ફૂલ બોટલ લઈને ડિલિવરી આપવા માટે આવ્યો હતો, અને ભાસ્કરે તેને 200 રૂપિયા વધારે આપી, પુછ્યું કે અમને ફરી જરૂર પડે તો મળી જશે? ડિલિવરી બોયે કહ્યું બારડોલી વિસ્તારમાં તમે કહો ત્યાં પહોંચાડી દઇશ. મને કોલ કરજો એમ કહી દારૂની બોટલ આપી નીકળી ગયો હતો.

બીજી ડિલિવરી ઑફિસે
ભાસ્કરે વધુ ખાતરી કરવા માટે 16 ઓકટોબરે સ્વિગીમાં બપોરે 1 વાગ્યે ફૂડનો ઓર્ડર કરી બારડોલી દિવ્યભાસ્કર ઓફિસમાં ફૂડ મંગાવ્યું. ડિલિવરી બોયને કહ્યું બીયરનું ગોઠવી આપને અમે લેવા જઇએે તો સારુ ન લાગે.
સ્વિગી: (હસતાં હસતા) કઈ નઈ લાવી આપું ચાલો.
ભાસ્કર : કેટલા રૂપિયા આપું
સ્વિગી: લઈ આવું પછી આપો. (એમ જણાવી ડિલિવરી બોય બીયર લેવા માટે નીકળી ગયો અને સ્વીગીની બેગમાં બિન્દાસ્ત પણે બે ઠંડા બીયર લઇ ઓફિસમાં આપ્યા હતા. અને બિયરના 400 રૂપિયા અને ડિલિવરી બોયને 100 રૂપિયા ટીપ એક કરી 500 રૂપિયાની નોટ આપી હતી.)

ત્રીજી ડિલિવરી, રૉ-હાઉસ
બાબેન રો-હાઉસમાં ડિલિવરી બોય આવતા ટીમે એની સાથે ચર્ચા શરૂ કરી
ભાસ્કર: કોઈ તકલીફ તો ન પડીને ?
સ્વિગી: ના સ્વિગીની બેગ છે, પછી શેેની તકલીફ ?
ભાસ્કર: તમારો પગાર કેટલો હોય છે?
સ્વિગી : પગાર હોતો નથી. માત્ર ઓર્ડર પર 23 રૂપિયા મળે છે. એટલે અમે ઝોમેટો અને સ્વિગી બંનેમાં કામ કરીએ.
ભાસ્કર: તમારી પાસે આઈ કાર્ડ હોય છે.
સ્વિગી: ના નથી હોતો, માત્ર યુનિફોર્મ અને બેગ જ હોય છે (જતી વખતે બીજીવાર જરૂર પડે તો જણાવજો, એમ કહ ી રવાના થયો).

ચોથી ડિલિવરી , બારડોલી મામલતદાર કચેરી
સરકારી કચેરીમાં દારૂ પહોંચે ? ખરાઇ કરવા 17 ઓકટોબરે 4.40 વાગ્યે મામલતદાર કચેરીમાં બીયર મગાવ્યું.
ઝોમેટો : ક્યાં છો તમે ?
ભાસ્કર : મામલતદાર કચેરીમાં અહી આવો.
ઝોમેટો : પાર્કિંગમાં ગાડીમાં બેસો આવું છું .
(બાદમાં આવીને ‘લો તમારી વેજ બિરિયાની’ કહી બીયર આપી હતી. આમ સરકારી કચેરીમાં પણ દારૂ પહોંચાડ્યો હતો.)

પાંચમી ડિલિવરી, હૉસ્પિટલમાં
ભાસ્કરે હોસ્પિટલના પ્રાંગણમાં ડિલિવરી માગી. અને ચોંકાવનારી વાત એ છે કે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પોલીસની ગાડી પણ ઊભી હતી, છતાં પોલીસની હાજરીમાં બિન્દાસ્ત પણે રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ડિલિવરી આપી હતી.

છઠ્ઠી ડિલિવરી, પોલીસ સ્ટેશન
પોલીસ સ્ટેશન પરિસરમાં દારૂ પહોંચે ? ચકાસણી કરવા 7 નવેમ્બરે 3:27 વાગ્યે ઝોમેટો ડિલિવરી બોયને વ્હીસ્કીની બોટલ મગાવવા ફોન કર્યો
ભાસ્કર : દારૂની બોટલનું આજે સેટિંગ કરી આપો
ઝોમેટો : ઓર્ડર પર છું થોડીવારમાં ફોન કરું.
(થોડી વારમાં ફોન આવ્યો)
ઝોમેટો : ઓફિસર ચોઈસ અને આરસી બે છે કઈ જોઇયે ?
ભાસ્કર : આરસી લઈ લો અને બજારમાં લીમડા ચોક પાસે આવો.
ઝોમેટો : ચોક પાસે આવી ગયો ક્યાં છો ? .
ભાસ્કર : લીમડા ચોક પાસે ટ્રાફિક છે નજીકમાં પોલીસ સ્ટેશન છે તેના કેમ્પસમાં કારમાં બેઠો છું.
ઝોમેટો : ઓકે ત્યાં જ આવુ.
અને થોડી મિનિટોમાં 4:04 વાગ્યે ડિલિવરી બોય પોલીસ સ્ટેશનના પરિસરમાં પહોંચ્યો. કાર નજીક આવી બિન્ધાસ્તપણે ઝોમેટોની બેગ લઈ કારમાં બેસી દારૂની બોટલ આપી હતી. આમ ઝોમેટોની આડમાં બેખોફ બનેલા ડિલિવરી બોય પોલીસથી પણ ડર્યા વિના પોલીસ સ્ટેશન પરિસરમાં આવી દારૂની બોટલ આપી ગયો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી