સુરત / 29 કલાક બાદ રઘુવીર માર્કેટમાં ફરી લાગેલી આગ પર કાબૂ મેળવાયો, જીવના જોખમે ફાયરના જવાનોની કામગીરી

રઘુવીર માર્કેટમાં રહી રહીને પણ હજુ આગ લાગી રહી છે, ફાયરના જવાનો ઈમારતમાં અંદર પ્રવેશી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે
રઘુવીર માર્કેટમાં રહી રહીને પણ હજુ આગ લાગી રહી છે, ફાયરના જવાનો ઈમારતમાં અંદર પ્રવેશી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે

  • રાત્રે સાડા બાર વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતોઃ પાલિકા કમિશનર
  • એલિવેશન તોડવા માટેની કામગીરી કરીને પાણીનો મારો કરવામાં આવ્યો

Divyabhaskar.com

Jan 22, 2020, 03:06 PM IST

સુરતઃ કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગને બ્રિગેડ કોલ જાહેર કરાતાં ફાયર બિગ્રેડની 70થી વધુ ગાડીઓ સાથે 500થી વધુ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. ચાર કરોડ લીટર પાણી વપરાયા બાદ પાલિકા કમિશનર બંછાનિધી પાનીના જણાવ્યા પ્રમાણે રાત્રે સાડા બાર વાગ્યે આગ પર કાબૂ મેળવાયો હતો. દરમિયાન 29 કલાક બાદ રહી રહીને આગ લાગી હતી. જેના પર ફાયર વિભાગના જવાનોએ કાબૂ મેળવી લીધો છે. જોકે, ફાયરના જવાનો જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે.

ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે મુશ્કેલી

કુંભારીયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે 3 વાગ્યાની આસપાસ લાગેલી આગ 29 કલાકે પણ રહી રહીને આગ લાગી રહી છે. ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે. ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે ફાયરના જવાનોને ઈમારતમાં પ્રવેશી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યું

આજે સવારે રઘુવીર માર્કેટ ખાતે પહોંચેલા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આગ પર સાડા બાર વાગ્યે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, સિન્થેટીક કાપડના કારણે રહી રહીને આગ લાગી રહી છે. હાલ ફાયરના જવાનો સ્ટેન્ડ બાય છે અને કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આજે એક બેઠક પણ બોલાવવામાં આવી છે. જેમાં માર્કેટના એલિવેશન અને ફાયર સેફ્ટીને લઈને ચર્ચા કરવામાં આવી છે.

જીવના જોખમે કામગીરી

ફાયરના જવાનોએ જણાવ્યું હતું કે, આગના કારણે ઈમારતના સ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને આ આગના કારણે ઈમારતનું તાપમાન પણ વધી ગયું છે. હાલ પણ આગની જવાળાઓના કારણે ફાયરના જવાનો ઈમારતની અંદર પ્રવેશી જીવના જોખમે કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી અંદાજે હજુ સાંજ સુધી ચાલશે.

300 કરોડનો માલ ખાક થઈ ગયો

રઘુવીર માર્કેટમાં આગની ઘટનાને 30 કલાકથી વધુ સમય થયા છતાં આગ પર કાબૂ મેળવી નહીં શકાતાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. એક અંદાજ પ્રમાણે 300 કરોડનો માલ ખાક થઈ ગયો હોવાનું અનુમાન છે. બિલ્ડિંગની પ્રથમ વીંગ ભસ્મીભૂત થઈ છે, ત્યારે પાલિકાએ બિલ્ડીંગની બીયુસી રદ્દ કરી છે, તેમજ આગ બૂઝાયા બાદ બિલ્ડીંગને સીલ કરવા પણ કામગીરી માટે સૂચન આપી દીધા છે.

650 ડિગ્રી તાપમાન વચ્ચે ફાયરની દિલધડક કામગીરી

650 ડિગ્રી તાપમાન હોય તો એલ્યુમિનિયમ પિગળવા લાગે છે. આ બિલ્ડિંગના એલિવેશનમાં મોટાભાગે એલ્યુમિનિયમ હોવાથી કલાકોની ગરમી બાદ એલ્યુમિનિયમ પડવા લાગ્યું હતું. જોકે, 650 ડિગ્રી તાપમાન વચ્ચે ફાયરની દિલધડક કામગીરી ચાલી રહી છે.

X
રઘુવીર માર્કેટમાં રહી રહીને પણ હજુ આગ લાગી રહી છે, ફાયરના જવાનો ઈમારતમાં અંદર પ્રવેશી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છેરઘુવીર માર્કેટમાં રહી રહીને પણ હજુ આગ લાગી રહી છે, ફાયરના જવાનો ઈમારતમાં અંદર પ્રવેશી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી