તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરોલીમાં ઘર કંકાસથી કંટાળી પતિ પત્ની પર એસિડ ફેંક્યું 

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાથ અને મોઢા પર દાઝેલી પત્ની સારવાર હેઠળ

સુરતઃ ઘર કંકાસથી કંટાળેલા રત્નકલાકાર પતિએ છેલ્લા છ મહિનાથી પિયરમાં રહેતી પત્ની પર એસિડ એટેક કર્યાની ગંભીર ઘટના અમરોલી-સાયણ રોડ સ્થિત બીઆરટીએસ બસ ડેપો પાસે બનવા પામતા ચકચાર મચી ગઇ છે. એસિડ એટેકમાં ગંભીર રીતે મોંઢાના ભાગે દાઝી જનાર પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પોલીસે પતિની ધરપકડ કરી
અમરોલી સ્થિત જલારામ પેટ્રોલ પંપ નજીક રઘુવીર સોસાયટીમાં રહેતા રત્નકલાકાર જીગ્નેશ કનુભાઇ પરમારના લગ્ન સાતેક વર્ષ અગાઉ ભુમી રમેશ પટેલ (ઉ.વ. 27) (રહે. સન્ડે રેસીડેન્સી, સાયણ રોડ અને મૂળ કાંકરા ડુંગરી ગામ, તા. હાલોલ, જિ. પંચમહાલ) સાથે થયા હતા. સાત વર્ષના દાંમ્પત્યજીવન દરમ્યાન એક પુત્ર છે અને ધોરણ 1 માં અભ્યાસ કરે છે. ઘરમાં સાડીના દોરા કટીંગ કરવાનું કામ કરતી ભુમી અને રત્નકલાકાર પતિ જીગ્નેશ વચ્ચે છેલ્લા ઘણા સમયથી નાની-નાની બાબતોએ ઝઘડા થતા હતા. પતિ-પત્ની વચ્ચેના રોજબરોજના ઝઘડાથી પરિજનો અને પડોશીઓ પણ કંટાળી ગયા હતા. રોજબરોજના ઝઘડાથી કંટાળેલી ભુમી છેલ્લા છ માસથી પિયરમાં રહેતી હતી અને તેને સમજાવીને પરત પોતાના ઘરે લાવવા માટે જીગ્નેશે પ્રયત્ન કર્યા હતા પરંતુ ભુમીએ સાસરે આવવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી જીગ્નેશ કંટાળી ગયો હતો. પોલીસે જીગ્નેશ કનુ પરમાર (ઉ.વ. 28) ની ધરપકડ કરી છે. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં પત્ની ભુમિ પર એસિડ વડે હુમલો કર્યાની કબુલાત કરી છે. જો કે પોલીસે જે જલદ પ્રવાહીથી જીગ્નેશે હુમલો કર્યો હતો તેને પરીક્ષણ માટે એફએસએલમાં મોકલાવ્યો છે.