સુરત / ઉન-ભેસ્તાન વિસ્તારમાં હાથ બળી જાય એવું કેમિકલ ખાડીમાં ઠાલવતું ટેન્કર કબજે

  • નાગાલેન્ડ પાર્સિંગનું ટેન્કર હોવાનું બહાર આવ્યું
  • ટેન્કરમાં એસિડ જોઇ અધિકારીઓ ચોંકી ગયા

Divyabhaskar.com

Dec 04, 2019, 09:10 AM IST

સુરત : મહાપાલિકાના ડ્રેનેજ ખાતાની ટીમે ડ્રેનેજ નેટવર્કમાં હાનિકારક રસાયણ છોડતાં એક ટેન્કરને ઉન-ભેસ્તાન ઉમેદનગર પાસેથી ઝડપી પાડ્યું છે. ચાલક ટેન્કર સ્થળ પર છોડી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગેની જાણ સ્થાનિક જીપીસીબીમાં કરવામાં આવી છે તથા સચીન પોલીસ મથકે અરજી કરતાં પોલીસે ટેન્કરનો કબ્જો લઈ જાણવા જોગ ફરિયાદ નોંધી છે.

છેલ્લા બે મહિનાથી વોચ ગોઠવી હતી

છેલ્લા બે માસથી રોજ સુએઝ પંપીગ સ્ટેશન ખાતે આવતાં રો-સુએઝમાં પીએચનું પ્રમાણ 2 પીએચ જેટલું નીચે ગગડી જતાં જે નોર્મલ પીએચ 6.50 થી 8 કરતાં પણ નીચે જતાં તે એસિડીક કહેવાય છે. આ પાણી એટલું જલદ છે કે, હાથ નાંખતા દાઝી જવાઈ કાણું પડી જાય.! તેમજ ટીડીએસનું પ્રમાણ પણ 5 હજાર થી 8 હજાર એનટીયુ જેટલું આવતું હતું. નોર્મલ ટીડીએસ 1 હજારથી 1400 એનટીયુ હોય છે. આ ગંભીર સમસ્યાને લીધે પાલિકાના ડ્રેનેજ વિભાગના એક્ઝિક્યુટીવ ઈજનેર ઈ.એચ.પઠાણને શંકા ગઈ હતી કે, ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાંથી જલદ કેમિકલ ડ્રેનેજ નેટવર્ક-ખાડીમાં છોડી દેવામાં આવતું હોવું જોઈએ. તેથી તેમણે ડ્રેનેજ ખાતાની એક ટીમ બનાવી છેલ્લા બે મહિનાથી વોચ ગોઠવી હતી તેમને આખરે સફળતા મળી છે. મંગળવારે ભેસ્તાન ઉમેદનગર વસાહત પાસે ડ્રેનેજ નેટવર્કમાં હાનિકારક રસાયણ છોડતાં ટેન્કર નંબર એનએલ-01-એએ-7477 ને જોતાં ઝડપી પાડ્યું હતું. પરંતુ ચાલક ટેન્કર છોડી ભાગી ગયો હતો. આ અંગે જીપીસીબીને જાણ કરી સચિન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી છે.

ટેન્કર નિલકંઠ ટ્રાન્સ કેમિકલ લી.નું નીકળ્યું

થાણે જિલ્લાના ઉલ્લાસ નગરની કંપની નિલકંઠ ટ્રાન્સ કેમિકલ લી. ઈન્ડસ્ટ્રીઝનું નાગાલેન્ડ પાર્સિંગનું ટેન્કર હોવાનું બહાર આવ્યું છે. આ કંપનીએ 2 જાન્યુઆરીએ અલગ અલગ કંપનીઓ પાસેથી સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડ લઈને તેમાંથી સલ્ફ્યૂરીક એસિડ બનાવવા માટેની પરમિશન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) પાસે માંગી હતી. સીપીસીબીએ વધુ ડિટેઈલ અને તેનો ઉપયોગ શું છે તેની ડિટેઈલ 20 દિવસની અંદર મંગાવી હતી. પરંતુ તે વિગતો નિલકંઠ કેમિકલ આપી શક્યું ન હતું તેથી મંજુરી આપવામાં આવી જ ન હતી. આ અંગે સીપીસીબીના એડિશનલ ડાયરેક્ટર ભરત શર્મા સાથે વાત કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ મિટિંગમાં વ્યસ્ત હતાં.

ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ વોટરના પ્રોડક્શનને અસર

રો-સુએઝમાં પીએચ પ્રમાણ ડાઉન થવાથી બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવતાં ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડ વોટરના પ્રોડક્શનને અસર થતી હતી.

2 પીએચ નીચે આવે તો એસિડિક કહેવાય

છેલ્લા એક માસ ઉપરાંતથી 9 થી 12 ના ગાળામાં બમરોલી સુએઝ પંપીગ સ્ટેશનમાં રો-સુએઝમાં પીએચનું પ્રમાણ નોર્મલ પીએચ 6.50 થી 8 હોય છે પરંતુ તેથી નીચે 2 આવી રહ્યું છે. નોર્મલ પીએચથી નીચે પીએચ આવે તો તે એસિડીક કહેવાય તે પાણી દાઝે કાણું પાડી દે તેવું જલદ હોય છે. શહેર બહારનો 60 કી.મી. ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર માંથી કોઈ નિકાલ કરતું હોવાની શક્યતા છે. વાપી કે ઝઘડિયાથી પણ જોખમી કેમિકલનો નિકાલ અહીં થઈ રહ્યો હોઈ શકે છે. આ ગંભીર સ્થિતિને લીધે જીપીસીબી, પોલીસ, પાલિકા સંયુક્ત ટીમ બનાવી વોચ ગોઠવાઈ તે જરૂરી છે. આ અંગે જીપીસીબીને જાણ કરાઈ છે. આ ગંભીર જલદ કેમિકલ માનવ હાનિ પણ પહોંચાડી શકે છે.- ઈ.એચ.પઠાણ, એક્ઝિક્યુટિવ ઈજનેર, ડ્રેનેજ ખાતુ

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી