સુરતના તાતીથૈયામાં બિલ્ડર અને વેપારીની 27 કરોડની મિલકતો જપ્ત, બેંકખાતુ સીઝ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આઇટીએ ટાર્ગેટ પૂરો કરવા માટે રિકવરી માટેની કવાયત તેજ  કરી
  • જાન્યુઆરીથી માર્ચ સુધી આઇટીનો ધમધમાટ રહેશે
સુરત: ચાલુ નાણાંકીય વર્ષ 2018-19માં હવે માત્ર 2 જ મહિના બચ્ચા છે ત્યારે રૂપિયા સાત હજાર કરોડના ટાર્ગેટ કરતાં આઇટીની ગાડી 30 ટકા જેટલી પાછળ ચાલી રહી છે. આ ટાર્ગેટને એચિવ કરવા માટે આઇટીના અધિકારીઓએ પેન્ડિંગ રિકવરીની પ્રક્રિયા તેજ કરી છે. જે અંતર્ગત તાતીથૈયાની એક ટેક્સટાઇલ પેઢી અને બિલ્ડરની રૂપિયા 27 કરોડની મિલકતો સિઝ કરવામાં આવી હતી. આ મિલકતોમાં  ફેકટરી, દુકાન, પ્લોટ અને મકાનનો સમાવેશ થાય છે. હવે આવનારા દિવસોમાં વધુને વધુ રિકવરી સરવે કરવામાં આવે એવી સંભાવના સૂત્રો વ્યકત કરી રહ્યા છે.

ગત નાણાકિય વર્ષમાં આઇડીએસ (ઇન્કમ ડિકલેરેશન સ્કીમ) હેઠળ આઇટીને ખાસ્સો એવો ટેક્સ આવતા નિર્ધારિત ટાર્ગેટ સમયસર પૂરો થઈ ગયો હતો. અધિકારીઓને વધુ જહેમત ઉઠાવવાની કે સરવે કરવા સુધ્ધાની જરૂર પડી નહતી. પરંતુ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ટાર્ગેટ એચિવ થાય એવી સંભાવના ઓછી દેખાઈ રહી છે અને ટેક્સ કલેકશન સતત નીચે જ જઈ રહ્યુ હોય અધિકારીઓ હવે વર્ષો જુની રિકવરીની પાછળ લાગ્યા છે. કેટલાંક અધિકારીઓ પોતાનો રેકર્ડ મેઇનટેઇન રાખવા માટેની કોશિષ કરી રહ્યા છે. આજ પ્રોસિઝર અંતર્ગત તાતીથૈયાની એક ટેક્સટાઇલ પેઢી અને ઓમપ્રકાશ નામના બિલ્ડરને ત્યાં રિકવરી સરવે દરમિયાન રૂપિયા 27 કરોડની મિલકતો સીઝ કરવામાં આવી હતી. અધિકારી સુત્રોની માનીએ તો રૂપિયા 30 કરોડની ઉપરની રિકવરી મામલે આ મિલકતો સિઝ કરવામાં આવી હતી.   

કરદાતાઓ રિટર્નમાં તમામ એકાઉન્ટ બતાવતા હોય છે.  પાનકાર્ડ વગર અેકાઉન્ટ ઓપન થતાં નથી અને પાનકાર્ડના આધારે બેન્ક એકાઉન્ટ ટ્રેસ કરવાનું સોફ્ટવેર અધિકારીઓ પાસે ઉપલબ્ધ છે. હાલની રિકવરીના કેસમાં અધિકારીઓએ બેન્કોને પાનકાર્ડ અને નામ સાથેની વિગતો તમામ બેન્કોને મોકલી આપી હતી અને તેના આધારે રૂપિયા 15 લાખની રકમ જપ્ત કરાઇ હતી. આ એકાઉન્ટ આઇટી રિટર્નમાં બતાવાયું ન હતુ.  

આઇટી દ્વારા જે મિલકતો સિઝ કરવામાં આવે છે તે કેસના નિકાલ બાદ જ વેચી શકાય છે, સિવાય કે કોર્ટનો કોઇ નિર્ણય આવે. હાલ એસેસમેન્ટના કેસમાં જો કરદાતા 20 ટકા રકમ ભરી દે તો રિકવરી પર સ્ટે મેળવી શકે છે. - પ્રજ્ઞેશ જગાશેઠ, સી.એ.

અન્ય સમાચારો પણ છે...