તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૈતન્યનું 72 કિલોનું વજન ઘટાડવા માતા સ્વિમિંગ કરાવા લઇ ગઇ, માતાની નજર સામે ડૂબી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ન્યુ સિટીલાઇટમાં પાલિકા સંચાલિત સ્વિમિંગપુલમાં મંગળવારની સાંજની ઘટના
  • મનપાના તરવૈયાની બેદરકારીથી માતાએ એકનો એક લાડકવાયો ગુમાવ્યો, સ્વિમિંગ શિખવાના પાંચમા દિવસે જ ઘટના

સુરત: ન્યુ સિટીલાઈટમાં ડીઆરબી કોલેજની સામે પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં મંગળવારે સાંજે 11 વર્ષના તરૂણનું ડૂબી જતા મોત થયું હતું. આ સ્વિમિંગ પુલમાં 4 તરવૈયાઓ તૈનાત છતાં તરૂણનું મોત થતા ગંભીર બેદરકારી સામે આવી છે. ચૈતન્ય માતા-પિતાનો એકનો એક સંતાન હતો.

મૂળ મહારાષ્ટ્રના રાયગઢના વતની અને મગદલ્લા સુમન સ્વીટમાં રહેતા વિઠ્ઠલભાઈ કનોજેનો 11 વર્ષનો પુત્ર ચૈતન્ય તેની માતા પ્રતિભાબેન સાથે પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં તરતા શીખવા ગયો હતો. માતા સ્વિમિંગ પુલમાં તેને સામે બેસીને જોતી હતી. તે અરસામાં માત્ર બે મિનિટમાં ચૈતન્ય પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. ચૈતન્ય લોકભારતી સ્કુલમાં ઘો-5માં ભણતો હતો અને તેના પિતા સેલ્સમેન છે અને માતા ફિઝિયોથેરાપીને ત્યાં નોકરી કરે છે. ખટોદરા પોલીસે બાળકને પીએમ માટે મોકલી આપ્યો હતો.
હાજર ડોક્ટરે પણ બચાવવા પ્રયાસ કર્યો
એક ડોકટર જે સ્વિમિંગ માટે આવ્યા હતા. તેણે પણ ચૈતન્યને બચાવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. આ ડોકટર 108 એમ્બ્યુલન્સ માં હોસ્પિટલ સુધી સાથે આવ્યો હતો. 
મામલો દબાવવા ધમપછાડા
બાળકનું મોત થયા પછી તરવૈયાઓ અને મનપાના સ્વિમિંગના જવાબદાર કેટલાક ઓફિસરો  હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને મામલો દબાવવા ભારે ધમપછાડા કર્યા હતા. તરવૈયાઓ સામે બેદરકારીનો ગુનો ન નોંધાય તે માટે ઓફિસરોએ બચાવવા પોલીસમાં પ્રયાસ શરૂ કરી દીધા છે.
તપાસ થશે, નવો પુલ હોઇ સ્ટાફ ઓછો 
હાઉસિંગ ખાતાના કાર્યપાલક ઈજનેર એસ.એસ.સુથારે જણાવ્યું હતું કે, ઇન્સ્ટ્રક્ટરે બહાર કાઢતાં વોમિટ કરી હતી તેથી તબીબે 108 અને પોલીસને પણ જાણ કરી હતી. ઘટના બની ત્યારે ફરજ પરના ઇન્સ્ટ્રકટર શું કરતાં હતાં તે અંગે તપાસ થશે. નવો પુલ હોઈ સ્ટાફ ઓછો હતો. પોસ્ટમોર્ટમ બાદ જ હકીકત જાણ થશે.
માતાનું નિવેદન લેવાનું બાકી
બાળકનું મોત કેવી રીતે થયું તે અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.  માતા વાત કરી શકે તેવી સ્થિતિમાં હોવાથી નિવેદન લેવાના બાકી છે. તરવૈયાઓની બેદરકારી સામે આવશે તો ચોક્કસ અમે કાર્યવાહી કરીશું. - ગુલાબભાઈ હીરાભાઈ, એએસઆઈ, ખટોદરા.પો.સ્ટે
ફેમેલી ડોક્ટરે સ્વિમિંગની સલાહ આપી હતી
11 વર્ષના ચૈતન્યનું વજન 72 કિલો હતું અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી ફેમિલી ડોકટરે સ્વિમિંગની સલાહ આપી હતી. 
પાલિકાના તરવૈયાઓએ દોષનો ટોપલો બાળકના શીરે નાખ્યો 
બાળકને તેની માતાએ બીજુ બોયું બાંધી તરવા મોકલ્યો ત્યારે  પણ એક તરવૈયો હતો છતાં તેને બાળક ડૂબી રહ્યું હોવાનો ખ્યાલ ન આવ્યો હવે મનપાના તરવૈયાઓ દોષનો ટોપલો બાળકના શિરે નાખે છે અને કહે છે તેનું મોત ગભરામણ કે એટેકને કારણે થયું છે.
સુરક્ષાના નામે મીંડું
8 કરોડના ખર્ચે મનપાએ 100 ફુટ પહોળું અને 200 ફુટ લાંબું બનાવેલા સ્વિમિંગ પુલમાં સુરક્ષાના નામે મીડું છે. 6 તરવૈયાઓ તૈનાત હોવા છતાં તેઓની આંખ સામે બાળકનું મોત થયું છતાં ખબર ન પડી તે ગંભીર ભૂલ છે. 

અન્ય સમાચારો પણ છે...