2 હજારની વસ્તુ 20 હજારની બતાવી એક્સપોર્ટ કૌભાંડ આચરાયું, ક્રેડિટની ફિગર 1 હજાર કરોડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રીફંડ મેળવવા માટે દિલ્હી સહિતના પોર્ટ પરથી નિકાસ બતાવાઈ
  • 18 થી 28 ટકા જીએસટી લાગે એ જ આઇટમ કાગળ પર નિકાસ કરી, મહાલક્ષ્મી ટ્રેડર્સના એક કરોડ સીઝ

સુરત: એકેય રૂપિયાનું એક્સપોર્ટ કર્યા વગર રૂપિયા હજાર કરોડથી વધુનું આઇજીએસટી રિફંડ મેળવનારા સુરતના આઠ નિકાસકારો ફરતે ગાળિયો કસાયો છે.  દરોડા દરમિયાન બોગસ બિલિંગના પુરાવા મળી આવ્યા છે અને શહેરના મહાલક્ષ્મી ટ્રેડર્સને ત્યાંથી એક કરોડની રોકડ પણ સિઝ કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડ 18 થી 28 ટકા જીએસટીની આઇટમમાં કરવામાં આવ્યુ છે. બે હજારની આઇટમ 20 હજારની બતાવીને એક્સપોર્ટના કાગળો ઊભા કરવામાં આવ્યા હતા. 
ડીઆરઆઇ દ્વારા એકેય કૌભાંડીની ધરપકડ કરી નથી
દિલ્હી, મુંબઇ સહિતના પોર્ટ પરથી આ બોગસ નિકાસ કરવામાં આવી હતી. સમગ્ર સ્કેન્ડલમાં સુરત સિવાયના અન્ય શહેરોના 30થી વધુ નિકાસકારો સંડોવાયા હોવાનું અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે. અલબત્ત, હજી સુધી આ કેસમાં ડીઆરઆઇ દ્વારા એકેય કૌભાંડીની ધરપકડ કરી નથી. જીએસટી લાગુ થયા સુરતથી આચરાયેલું આ સૌથી મોટું સ્કેન્ડલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 
દુબઇ સહિતના દેશોમાં કાગળ પર જ નિકાસ, ઓવર-વેલ્યુએશન હથિયાર
તપાસ સાથે સંકળાયેલાં ડીઆરઆઇના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે કૌભાંડીઓએ જાણી જોઇને 18 થી 28 ટકા જીએસટી જેની પર હોય એવી જુદી-જુદી આઇટમ એક્સપોર્ટ માટે સિલેક્ટ કરી હતી. દુબઇ સહિતના દેશોમાં માત્ર કાગળ પર જ તમામ આઇટમોની નિકાસ બતાવવામાં આવી હતી અને ત્યારબાદ બોગસ બિલ ડિપાર્ટમેન્ટમાં રજૂ કરી આઇજીએસટી રિફંડ ક્લેઇમ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત એક્સપોર્ટ બતાવેલી ચીજવસ્તુઓની કિંમત પણ અનેકગણી વધારી હતી. સૂત્રોએ ઉદાહરણ આપતા કહ્યું કે બે હજારની વસ્તુ 20 હજારની બતાવાય હતી. જેથી રિફંડની રકમ વધુ આવે.
8 નિકાસકાર ફરતે ગાળિયો કસાયો
ડીઆરઆઇ અને ડીજીસીજીએસટી( ડીરેકટર જનરલ સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) દ્વારા સુરતમાં શરૂ કરાયેલી તપાસમાં અનેક એક્સપોટર્સ સાણસામાં આવ્યા છે જેમાં કેટલાંક અગાઉ એક્સપોર્ટ સ્કેન્ડલમાં પણ સંડોવાય ચૂકયા છે. હાલ જે ડીઆરઆઇની રડાર પર આવ્યા છે તેમાં વિશાલ પંજાબી, એજાજ, કમલ મુંદડા, રાજેશ મુંદડા, એમ. અગ્રવાલ, અમિત ડોકટર, સમીર મેમણ અને મીહીર ચેવલીનો સમાવેશ થાય છે. ડીઆરઆઇના સૂત્રો કહે છે કે તમામની પુછપરછ બાદ ધરપકડ કરવી કે નહીં એ નક્કી કરવામાં આવશે. સૂત્રો ઉમેરે છે કે જીએસટી લાગુ થયા બાદથી જ તમામ સ્કેન્ડલ આચરવામાં મંડી પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...