તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉધનાની એક કોલેજના 106 અને અન્ય કોલેજોમાં અડધા ફોર્મ રદ થતાં હોબાળો, ABVP પર આરોપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમેદવારોના ફોર્મ રદ થતાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં - Divya Bhaskar
ઉમેદવારોના ફોર્મ રદ થતાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં
  • સાર્વજનિક સોસા.ની 7 કોલેજોમાં સોમવારે સીઆર અને એલઆરનું ઇલેક્શન
  • એબીવીપી અને એનએસયુઆઇનો કોલેજોમાં પોતાના ઉમેદવારોની જીતનો દાવો
સુરત:  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સાત કોલેજોમાં સોમવારે સી.આર અને એલ.આરની ચૂંટણીથી કોલેજ કેમ્પસમાં વાતાવરણ ગરમાયું છે. ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન મોટી સંખ્યામાં ફોર્મ રદ  થયાં હતાં. તેમાં પણ સૌથી વધારે 106 જેટલાં ફોર્મ ઉધના સિટીઝન કોલેજમાં રદ થયાં હતાં. જેને લઇને વિદ્યાર્થીઓએ આના માટે એબીવીપીને જવાબદાર ગણાવી હંગામો કર્યોં હતો. એબીવીપી અને એનએસયુઆઇએ જીત સાથે તેમના ઉમેદવારો જ જીએસ બનવાનો દાવો  કરાયો છે.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાત કોલેજોમાં યોજાનારી સી.આર. અને એલ.આર.ની ચૂંટણીના કારણે કોલેજ કેમ્પસમાં વાતાવરણ ગરમાયું છે. 11મી જાન્યુઆરી સુધી બે તબક્કામાં શહેરની કોલેજોમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી યોજાશે. શનિવારે  એમ.ટી.બી., પી.ટી. સાયન્સ, કે.પી. કોમર્સ કોલેજ, રામકૃષ્ણ, બીઆરસીએ અને વી.ટી. ચોક્સી કોલેજોની 250 બેઠકો માટે ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન 50 ટકા ઉમેદવારોના ફોર્મ રદ થતાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. આના માટે એબીવીપી પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. શનિવારે ઉમેદવારોએ પ્રચાર કર્યોં હતો.

ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના અપ્પુ પાટીલે સાતેય કોલેજોમાં  એબીવીપીનો કબજો રહેશે તેવો દાવો કર્યો છે. એનએસયુઆઇના પ્રમુખ મનિષ દેસાઇએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ઉમેદવારોએ રજૂ કરેલા ડોક્યુમેન્ટસમાં સેલ્ફ એટેસ્ટેટ (પોતાની સહિ) ન હોવાના કારણે બતાવીને ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ટ્રસ્ટીનો પુત્ર પણ મેદાનમાં હોવાથી એબીવીપીના ઉમેદવારોને જીતાડવા માટે જાણીજોઇને ફોર્મ રદ કરવામાં આ‌વ્યા છે. 

ઉમેદવારોની 60 ટકા હાજરી અને અગાઉની પરીક્ષામાં 50 ટકા માર્કસની શરતમાં ન બેસતા હોય કે સહીઓ કરવા તેમજ ફોર્મ ભરવામાં રહેલી ભૂલના કારણે ફોર્મ રદ થયા હતા. એક અંદાજ મુજબ કોલેજોની ચૂંટણી જંગમાં ઉતરેલા ઉમેદવારોમાંથી સરેરાશ 50 ટકા જેટલા ઉમેદવારોના ફોર્મ રદ થતાં વિદ્યાર્થીઓએ હંગામો  કર્યોં હતો. 

વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ કમિશનરે કોલેજ કેમ્પસની 50 મીટરની ત્રિજ્યામાં 144ની કલમ લાગુ પાડી દીધી છે. પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છેકે, પ્રચારના નામે કોલેજ કમ્પસમાં બહારના તત્વો પર આવે છે. જેના કારણે કોલેજના કર્મચારીઓ અને અભ્યાસ માટે આવનાર વિદ્યાર્થીઓના સુરક્ષાને પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે. જેથી આવતીકાલથી તા.12મી જાન્યુઆરી સુધીમાં કોલેજ કેમ્પસની 50 મીટરની ત્રિજ્યામાં ચાર વ્યક્તિને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

પોલીસ કમિશનરે બહાર પાડેલા પરીપત્રમાં જણાવ્યું છેકે, શહેરમાં આવેલી યુનિવર્સિટી, સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ ન કરતા હોય તેવા સ્થાપિત હિત ધરાવતી કેટલીક વ્યક્તિ કેમ્પસમાં વારંવાર પ્રવેશી શૈક્ષણિક વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કરતા હોય છે, આવી વ્યક્તિના કારણે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીની સલામતી જોખમાય છે. જેથી સ્કૂલ કોલેજમાં બહારની વ્યક્તિએ પરવાનગી વગર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. જોકે, સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીઓને મૂકવા લેવા માટે આવતા વાહન ચાલકોને ઓળખકાર્ડ બતાવવાથી પ્રવેશ આપી શકાશે.