સુરત / નવી સિવિલમાં શ્વાસ રુંધાવાની સમસ્યા સાથે એક દિવસમાં ચાર વિસ્તારના 60 દર્દી આવ્યાં

પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાંડેસરામાં પ્લાસ્ટિકથી ઢંકાયેલા મશીનોને અડતાં જ હાથ કાળા  થયાં
પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાંડેસરામાં પ્લાસ્ટિકથી ઢંકાયેલા મશીનોને અડતાં જ હાથ કાળા થયાં

  • પાંડેસરા, ભેસ્તાન, ઉધના અને લિંબાયતમાં પ્રદૂષણથી શ્વાસની બીમારીનું પ્રમાણ વધ્યું

Divyabhaskar.com

Nov 17, 2019, 12:13 PM IST

સુરત: શહેરમાં પ્રદૂષણ એટલી હદે વધી ગયું છે કે, શહેરીજનો માટે શ્વાસ લેવાની તકલીફની સાથે આંખમાં બળતરાની સમસ્યાના કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. શ્વાસ અને આંખમાં બળતરાની તકલીફ સાથે એક જ દિવસમાં શહેરમાં માત્ર 4 વિસ્તાર પાંડેસરા જીઆઈડીસી, ઉધના, ભેસ્તાન અને લિંબાયતથી 60 જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલે સારવાર માટે આવ્યાનું નોંધાયું છે. આ દર્દીઓને પ્રદૂષણને કારણે શ્વાસની સાથે ખાંસીની પણ સમસ્યા છે. ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે જ્યારે આ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે, પ્રદૂષણ માપવાનાં મશીનો પ્લાસ્ટિકથી ઢંકાયેલાં છે.

શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને આંખોમાં બળતરા થવા લાગે છે

એક મહિનાથી આ મશીનોનો ઉપયોગ જ નથી કરાયો. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે શહેરમાં પ્રદૂષણની તપાસ માટે 10 મશીનો (થર્મો એન્વાયરન્મેન્ટલ ઇન્સ્ટ્રુમેન્ટ) લગાવી રાખ્યાં છે, પરંતુ આ મશીનોને યોગ્ય સમયે ચલાવતા જ નથી. જેના કારણે શહેરમાં પ્રદૂષણની માત્રા અંગે માહિતી મળતી નથી. જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મશીનને સપ્તાહમાં બે વખત ચલાવવામાં આવે છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ મોટા ભાગના દર્દીઓની ફરિયાદ છે એ કે, તેઓ સવારે જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે બહુ ખરાબ ગંધ આવે છે. જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને આંખોમાં બળતરા થવા લાગે છે. દરરોજ સમગ્ર શહેરમાં આ સમસ્યાને લઈને 100થી વધુ દર્દીઓ સિવિલ હોસ્પિટલ સારવાર માટે આવી રહ્યા છે. 14 નવેમ્બરે પણ પ્રદૂષણને કારણે શ્વાસની તકલીફ સાથે માત્ર પાંડેસરાના 50 દર્દીઓ સિવિલ આવ્યા હતા.

કેસ-1: પોસ્ટમોર્ટમમાં ખબર પડી કે, ફેફસાંમાં કાર્બન જામી ગયો છે

વેસુના 39 વર્ષીય રાહુલ સિંહને 6 મહિના પહેલા બ્રેનની બીમારી હતી. મંગળવારે તેમનો શ્વાસ રુંધાવા લાગતા સિવિલમાં લવાયા હતાં. ડૉકટરોએ તેમને મૃત જાહેર કર્યા.PMથી ખ્યાલ આવ્યો કે તેમના ફેફસાંમાં કાર્બન જામ્યો હતો.

કેસ-2: પ્રદૂષણથી ફેફસાં ખરાબ થઈ ગયાં, શ્વાસનળી પણ બ્લોક થઈ ગઈ

ડિંડોલીના મહાદેવનગર ખાતે રહેતા પંકજ પવારનું લાંબા સમયથી અસ્થમાની બીમારી બાદ અવસાન થયું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન ખબર પડી કે, તેમનાં ફેફસાં ખરાબ થઈ ચૂક્યાં હતાં અને શ્વાસનળી પણ બ્લોક થઈ ગઈ હતી.

પાંડેસરા: GIDCની એસજીટીપીએ બિલ્ડિંગની છત પર લાગેલાં બંને મશીનો અંદાજે એક મહિનાથી બંધ હાલતમાં છે. આ મશીનોને પ્લાસ્ટિકથી ઢાંકી દેવાયા છે.
દિલ્હી ગેટ-ભાગળ: એર ઇન્ડિયાની બિલ્ડિંગ પર લાગેલા મશીનમાં કાર્બન તપાસવાની જાળીને બદલે મચ્છરદાની લગાવવામાં આવી છે.

શહેરમાં પ્રદૂષણની કોઈ સમસ્યા નથી

સપ્તાહમાં બે દિવસ 48 કલાક સુધી મશીન ચાલે છે. આના આધારે પ્રદૂષણના ડેટા ગાંધીનગર મોકલીએ છે. મશીનો ચલાવવા માટે મહિના પહેલા જ સમયગાળો નક્કી કરાય છે. ગયા મહિને પ્રદૂષણ ફેલાવનારા 60 યુનિટોને નોટિસ આપી હતી. મારા ખ્યાલથી શહેરમાં પ્રદૂષણની કોઈ સમસ્યા નથી. - પરાગ દવે, રીજનલ ઓફિસર, જીપીસીબી

વાતાવરણમાં પ્રદૂષણથી COPD રોગો વધે છે

પ્રદૂષણથી ફેફસાં, ગળામાં સોજો, નાકની-ગળાની એલર્જી, અસ્થમા, ફેફસાંનું કેન્સર, ચેપ લાગે છે. જેને સીઓપીડી રોગ કહેવાય છે. મિલોમાંથી આવતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ સૌથી વધુ હોય છે. - ડો. પારૂલ વડગામા, HOD ટીબી ચેસ્ટ વિભાગ, સિવિલ

X
પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાંડેસરામાં પ્લાસ્ટિકથી ઢંકાયેલા મશીનોને અડતાં જ હાથ કાળા  થયાંપરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાંડેસરામાં પ્લાસ્ટિકથી ઢંકાયેલા મશીનોને અડતાં જ હાથ કાળા થયાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી