આપઘાતની દુષ્પ્રેરણા મામલે પ્રદેશ કોંગ્રેસ મહિલા મોર્ચાનાં ઉપપ્રમુખ મેઘના પટેલ સહિત 6ની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના મહિલા અગ્રણી મેઘના પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
કોંગ્રેસના મહિલા અગ્રણી મેઘના પટેલની ફાઈલ તસવીર
  • ચોરીની શંકામાં ગોંધી માર મારતાં યુવકે ફાંસો ખાધો હતો
  • મેઘના પટેલે શ્રેયા સાથે કારમાં સુદીપનું અપહરણ કરી ઓફિસમાં ગોંધી માર માર્યો હતો
  • સુદીપના પરિવારે કોલકાતાથી શ્રેયાના ખાતામાં રૂ.69 હજાર જમા કરાવ્યા હતા

સુરતઃ રાંદેરમાં શનિવારે બંગાળી કારીગરે દુકાનમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કારીગર પર ચોરીનો આરોપ મુકી  અપહરણ કરી રાંદેરમાં ગોંધી રાખી માર મારતા તેણે આ પગલું ભર્યુ હતું. જેમાં રાંદેર પોલીસે ફરિયાદી બની ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાની ઉપપ્રમુખ મેઘના પટેલ સહિત 6 સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, 20 વર્ષીય સુદીપ દીલીપ નંદન (રહે.લિમડીફૂઈ ગોપીપુરા)દેવનારાયણ બશકને ત્યાં સોનાના દાગીનાના કારખાનામાં મજૂરી કરતો હતો. સુદિપે સોનુ સગેવગે કર્યાની વાતને લઈને દેવનારાયણની દીકરી શ્રેયાએ કોંગ્રેસની મહિલા મેઘના પટેલને વાત કરી હતી. સુદીપે 12મી ડિસેમ્બરે માતા સાથે વાત કરી 90 ગ્રામ સોનું છે પણ વેચાતું નથી એવુ કહ્યું હતું. આ વાત શ્રેયાના પિતાએ મેઘનાને કરી હતી.જેથી મેઘનાએ પોતાની વોલ્વો કારમાં શ્રેયા સાથે સુદીપનું અપહરણ કરી મેઘના, શ્રેયા, ચિરાગ અને અર્જુને સુદીપને કમરના પટ્ટાથી મારી સુદીપના માતા-પિતાને ફોન કરી સોનાના બદલામાં રૂપિયાની માંગ કરતા સુદીપના પરિવારે કલકતાથી શ્રેયાના ખાતામાં 69 હજાર જમા કર્યા હતા. મોડી રાત્રે સુદીપને પાછો ગોંધી દેવાતા છેવટે ઓફિસમાં ફાંસો ખાધો હતો.

આપઘાત કરનાર યુવકના શરીર પર મારના નિશાન મળ્યા હતા
ઉગત નેનો ફ્લેટસ ખાતે આવેલી એક ઓટો કન્સલટન્ટની ઓફિસમાં શનિવારે સવારે એક યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. દુકાનના કાચના પાર્ટીશનમાંથી યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ નજરે પડતા કોઈક રાહદારીએ 108ને જાણ કરી હતી અને ઘટના સ્થળે દોડી ગયેલી 108 દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા રાંદેર પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરતા મૃતક સુદીપ દિલીપ નંદન(ઉ.આ. 25) હોવાનું અને તે સોના ચાંદીના દાગીના બનાવનાર બંગાળી કારીગર હોવાનું સામે આવ્યું હતું. આ સાથે તેના શરીર પર ડાબા ખભા અને પીઠના ભાગે મુઢ ઈજા અને ખભાના ભાગે લાલ ચકામા હોવાથી પોલીસને સુદીપના મોત અંગે શંકા ગઈ હતી. જેથી પોલીસે તેના મોતનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ફાંસો ખાવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

ત્રણ દિવસ ગોંધીને માર મારવામાં આવ્યો હતો
સમગ્ર પ્રકરણમાં સુદીપ જ્યાં સોનાના દાગીના બનાવવાનું કામ કરતો હતો. ત્યાંથી તેણે કામ કરતી વખતે દોઢ કિલો જેટલું સોનું ટુકડે ટુકડે ચોરી કર્યું હોવાની શંકા જતા દાગીના બનાવવાનું કારખાનું ધરાવતા દેવનારાયણ બશકની પુત્રી શ્રેયાએ કોંગ્રેસના મહિલા અગ્રણી મેઘના પટેલને જણાવ્યું હતું. જેથી નજર રાખવામાં આવતા સુદીપ પર શંકા ગઈ હતી. જેથી 12 ડિસેમ્બરના રોજ સુદીપને મેઘના પટેલની ઓફિસ બોલાવ્યો હતો. ત્યારબાદ વોલ્વો કાર(Dk-09-K-2345)માં બેસાડી ડરાવી ધમકાવી પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેના માતા-પિતા સાથે વતા કરાવી સોનુ અથવા રૂપિયા પરત કરવા જણાવ્યું હતું. દરમિયાન સુદીપને રામનગર ઝઘડિયા ચોકડી પાસે ચિરાગ ખંડેરીયા, અર્જુન ચૌધરી અને તરૂણ નાગરને સોંપી ગોંધી રાખવા જણાવ્યું હતું. 13 ડિસેમ્બરના રોજ એક ઓફિસમાં ગોંધી કમરના પટ્ટાથી માર માર્યો હતો. દરમિયાન સુદીપના માતા-પિતાએ 69 હજાર રૂપિયા શ્રેયાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. 

આરોપીની ઓફિસમાં જ આપઘાત કર્યો
સુદીપને 12થી 14 ડિસેમ્બર સુધી ગોંધી માર મારવામાં આવ્યો હતો. દરમિયાન 14મીના રોજ સુદીપને ચિરાગની રાંદેર ખાતે આવેલી ઓફિસમાં રાખ્યો હતો. જ્યાં સુદીપે એકલતાનો લાભ લઈ ઓફિસમાં સિલિંગ ફેનમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી પોલીસે કોંગ્રેસ મહિલા અગ્રણી મેઘના પટેલ સહિત 6 સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો અને તમામની ધરપકડ કરી હતી.

આરોપીઓની યાદી
1. મેઘના દેવાંગ પટેલ(રહે.ચાંદની ચોક કોમ્પલેક્ષ,કારગીલ ચોક
2. દેવનારાયણ બસક (રહે, ગોપીપુરા)
3. શ્રેયા બસક (રહે, ગોપીપુરા)
4. ચિરાગ ખંડેરીયા (રહે. ગીરધર સોસાયટી, ઉગત)
5. તરૂણ નાગર (રહે. અંબિકાનગર, રાંદેર)
6. અર્જુન લલન ચૌધરી (રહે. આંબેડકરનગર, રાંદેર, સુરત)

અન્ય સમાચારો પણ છે...