સુરત / રિક્ષામાં મુસાફરી કરતાં લોકોના મોબાઈલ ચોરતી ગેંગ ઝડપાઈ, ચોરેલા ફોનના લોક તોડી આપનાર દૂકાનદારની પણ ઘરપકડ

  • વહેલી સવારે મુસાફરોને રિક્ષામાં બેસાડતી મોબાઈલની ચોરી કરવામાં આવતી

Divyabhaskar.com

Nov 18, 2019, 05:32 PM IST

સુરતઃમોબાઈલ ચોરીની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે ત્યારે કતારગામ પોલીસે રિક્ષામાં મુસાફરોના મોબાઈલની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. કતારગામ પોલીસે ગેંગના સાત શખ્સો પાસેથી ચોરીના 21 મોબાઈલ અને રિક્ષા મળીને કુલ રૂપિયા 1.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એટલું જ નહીં પોલીસે ટોળકી પાસેથી ચોરીના મોબાઈલ ખરીદનાર અને મોબાઈલના લોક તોડી આપનાર દુકાનદારની પણ ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીના નામ

પોલીસે કુલ સાત આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન જેવા વિસ્તારમાં વહેલી સવારે આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડી તેઓને નિશાન બનાવતા હતા. કતારગામ પોલીસને આ અંગે બાતમી મળી હતી. પોલીસને માહિતી મળી હતી કે આ ગૅંગ રિક્ષામાં મુસાફરોને બેસાડ્યા બાદ આગળ-પાછળ ખસવાનું કહી નજર ચુકવીને મોબાઈલ ફોન ચોરી લેતા હતા. પોલીસે આ ગુનામાં કોસાડ આવાસમાં રહેતી રિક્ષા ચાલક ટોળકીના રફિક ઉર્ફે બાંગો ઉમરદરાસ શેખ, અનવર કાસમ શેખ, અલ્લારખા ઉર્ફે અલ્લુ સાબિર શેખ, વીકી સાજન થોરાટ, રાહુલ સુરેશભાઇ આહિરે, ફૈયાઝ કયુમશા,અનીશ ઐયુબને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના 21 મોબાઈલ અને રિક્ષા મળીને કુલ રૂપિયા 1,79,500નો મુદામાલ કબજે કર્યો હતો.

ચોરીના મોબાઈલ દુકાનદારને અપાયા

ટોળકીની પ્રાથમિક પૂછપરછમાં ચોરીના મોબાઈલ કોસાડ આવાસમાં રહેતા ફાઇનાન્સર રફિક ઉર્ફે બાંગો ઉમરદાસ શેખને વેચતા હતા. આ મોબાઈલના લોક આવાસમાં મોબાઈલની દુકાન ધરાવતા અનીશ ઐયુબ સમાજ તોડી આપતો હોવાની કબૂલાત કરતા બંને જણાની પણ ધરપકડ કરી હતી.આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ટોળકી રિક્ષા લઇને સાંજના તેમજ વહેલી સવારે નીકળતી હતી. જે બાદમાં મુસાફરને આગળ પાછળ કરીને તેમના મોબાઇલ ફોનની ચોરી કરી લેતી હતી. ફક્ત મોબાઇલ જ નહીં તેમના વોલેટની પણ ચોરી કરી લેતા હતા. આરોપી રફિક ઉર્ફે બાંગો ઇચ્છાપોરમાં સાત વર્ષ અગાઉ મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયેલો છે. જયારે અલ્લારખા ઉર્ફે અલ્લુ ખટોદરામાં છ વર્ષ અગાઉ મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયેલો છે. હાલ પોલીસે તમામની ધરપકડ કરી તેઓએ શહેરના અન્ય કયા વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી