નર્મદા જિલ્લામાં  નોન આલ્કોહોલિક બિયર શોપનો રાફડો ફાટી નીકળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોઇચા, કેવડીયા, રાજપીપળા અને દેડીયાપાડામાં દારૂબંધી હટી હોય તેવા દ્રશ્યો
  • દારૂની મુક્તિ ધરાવતાં રાજ્યોની જેમ વેપારીઓ નોન આલ્કોહોલિક બીયર પીરસે છે
  • વિદેશોમાં પ્રવાસન સ્થળોએ સહેલાણીઓ આલ્કોહોલનું મુકત રીતે સેવન કરી શકે છે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદામાં દેશ તથા વિદેશમાંથી પ્રવાસીઓ આવી રહ્યાં છે

રાજપીપળા: કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ થયા બાદ કેવડીયાને દીવ અને દમણની જેમ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની અટકળો ચાલી રહી છે. આ અટકળો વચ્ચે હવે વેપારીઓએ પ્રવાસીઓને આર્કષવા માટે નવો તુકકો અજમાવ્યો છે. નર્મદા જિલ્લાના કેવડીયા, પોઇચા, રાજપીપળા અને દેડીયાપાડામાં નોન આલ્કોહોલીક બિયરનું ધુમ વેચાણ થઇ રહયું છે. દારૂબંધીનો કાયદો નથી તેવા રાજયોમાં આવેલા બારની માફક આ દુકાનોને લુક આપવામાં આવ્યો છે. 

નર્મદા જિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર  વિવિધ પ્રોજેક્ટો લાવી રહી છે. વિશ્વની અન્ય ઉંચી પ્રતિમાના સ્થળોએ પ્રવાસીઓ આલ્કોહોલનું સેવન કરી શકે છે અને પરિવાર સાથે આખો દિવસ પસાર કરે છે. કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા હોવા છતાં દારૂબંધીના કારણે પ્રવાસીઓ આલ્કોહોલનું સેવન કરી શકતાં નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા કેવડીયાને યુનિયન ટેરીટરી બનાવવામાં આવે તેવી અટકળો તેજ બની હતી. દેશમાં ફરી એકવાર એનડીએની સરકાર બની છે તથા વડાપ્રધાન 21મી ઓકટોબરના રોજ વિવિધ પ્રોજેકટના લોકાર્પણ માટે ફરીથી કેવડીયા આવી રહયાં છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હાલ પોઇચા, કેવડીયા, રાજપીપળા અને દેડીયાપાડામાં નોન આલ્કોહોલીક બિયરનું વેચાણ કરતી દુકાનો બિલાડીના ટોપની માફક ખુલી રહી છે.  તેનાથી  ગુજરાતના અને બાહ્ય પ્રવાસીઓ  બિયર તો નોન આલ્કોહોલીક હોઇ છેતરાય છે. 

અન્ય રાજ્યોના પ્રવાસીઓમાં બિયરની માંગ વધુ રહે છે
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજયોમાંથી પણ પ્રવાસીઓ આવતાં હોય છે. દુકાનોની બહાર લાગેલા બિયર શોપના પાટીયા જોઇ તેઓ બિયર બાર સમજીને જતાં હોય છે. પણ બિયર બારમાં તેમને નોન આલ્કોહોલીક બિયર મળી રહયો છે. અન્ય રાજયોના પ્રવાસીઓમાં નોન આલ્કોહોલીક બિયરની માંગ વધુ હોવાનું જાણવા મળી રહયું છે. 

નોન આલ્કોહોલિક બિયરનું વેચાણ કયાં થઇ રહ્યું છે
પોઇચામાં સ્વામીનારાયણ મંદિરની સામેના ભાગમાં, રાજપીપળામાં કલેકટર કચેરીની સામે અને દોલત બજારમાં, કેવડીયામાં મુખ્ય બજાર અને ભૂમલિયા તથા દેડીયાપાડામાં મુખ્ય બજારમાં.

મારી જાણમાં નથી પણ તપાસ કરાવવામાં આવશે
નોન આલ્કોહોલીક બિયરના વેચાણ અંગે હાલ મારી જાણમાં નથી. પરવાનગી લેવાની હોય છે કે નહિ તેની તપાસ કરાવવામાં આવશે. વેપારીઓ કયાં પ્રકારનું બિયર અને કોની પરવાનગીથી વેચે છે તેની તપાસ કરી યોગ્ય પગલાં ભરાશે. - હિમકરસિંગ, એસપી, નર્મદા

નોન આલ્કોહોલિક બિયરની કિંમત 80થી 140 રૂપિયા
નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો હોવાથી દારૂની રેલમછેલ જોવા મળે છે. પોલીસની ઘોંચ વધતા હાલ બુટલેગરો ભુર્ગભમાં ઉતરી ગયાં છે. નર્મદા જિલ્લામાં ખુલી ગયેલા નોન આલ્કોહોલીક બિયરના બારમાં બીયરની કિમંત 80થી 140 રૂપિયા જેટલી રાખવામાં આવી છે.