એલર્ટ / નર્મદા ડેમ 137 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો, નદી કાંઠાના 144 ગામોમાં પાણી ભરાતા ઓછું પાણી છોડીને ડેમ ભરાશે

નર્મદા ડેમ

  • ભરૂચ આસપાસના કાંઠા વિસ્તારોના ગામોમાં પાણી ભરાતા પરિસ્થિતિ ગંભીર બની
  • નર્મદા ડેમ પર તજજ્ઞોની ટીમો તો નદી કિનારે તંત્ર ખડે પગે છે
  • ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી વધીને 31.50 ફૂટ ઉપર પહોંચી

Divyabhaskar.com

Sep 12, 2019, 11:05 AM IST

કેડવિયા/ભરૂચઃ ઉપરવાસમાંથી 10.30 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટી વધીને 137.01 મીટર ઉપર પહોંચી ગઇ છે. અને નર્મદા ડેમમાંથી 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલીને હાલ 8 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 31.50 ફૂટ ઉપર પહોંચી ગઇ છે. નર્મદા નદી પૂરની સ્થિતિને પગલે 144 ગામોમાં પાણી ભરાતા ઓછું પાણી છોડીને ડેમ ભરાશે.

ભરૂચ જિલ્લાના ગામોમાં પરિસ્થિતિ બગડી

નર્મદા નિગમના એમ.ડી. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હાલ ઉપરવાસમાંથી પાણી આવક વધુ છે અને 23 ગેટ ખોલી નર્મદા નદીમાં 8 લાખ જેટલું પાણી છોડી રહ્યા છે. જોકે ભરૂચ જિલ્લાના ગામોમાં પરિસ્થિતિ બગડી છે, જેથી પાણી છોડવાની માત્ર ઓછી કરીને ડેમની સપાટી વધારવામાં આવશે, જેથી છોડેલું પાણી ઓસરી જાય અને ત્યારબાદ પુનઃ ડેમની સેફ્ટીને જોતા પાણી છોડવાની માત્રા વધારશે.

ભરૂચ અને કાંઠાના ગામો માટે પૂનમ ભારે
આવતી કાલે પૂનમ છે અને પૂનમે દરિયામાં ભરતી હોય છે એટલે દરિયો પાણી લેશે નહીં નર્મદાનું પાણી બેક વાગી શકે. આ બાબતોને ધ્યાનમાં રાખી બે દિવસ પૂર્વ નર્મદા નદીમાં પાણી ઓછું છોડવાની કામગીરી પર તંત્ર ધ્યાન આપી રહ્યું છે. જો પૂનમ હેમખેમ નીકળી ગઈ આજની તારીખમાં પાણી થોડા ઓસરી ગયા તો પરિસ્થિતિ સારી થઇ જશે બાકી મુશ્કેલી બધી પણ શકે છે. છતાં તમામ તંત્ર હાલ નર્મદા કિનારે ફેલાઈ ગયુ છે. અન જેના પર વોચ રાખી બેઠું છે.

ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી 29.40 મીટરે પહોંચી
ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી 29.40 મીટરે પહોંચી નર્મદા ડેમમાં એક કલાકમાં પાણીની આવકમાં 1,80,000 ક્યુસેકનો વધારો થયો છે અને એક કલાકમાં સપાટી 9 સે.મી.નો વધારો થઇ રહ્યો છે. જેને પગલે કેવડિયાના ગોરા બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ડેમમાં હાલ 5156 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી 29.40 મીટરે પહોંચી છે.

ભરૂચ જિલ્લામાં 2400 પૂર અસરગ્રસ્તોનું સ્થળાંતર
નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યૂસેક પાણી અને કરજણ ડેમમાંથી 1 લાખ ક્યૂસેક ઉપરાંતનો પાણીનો જથ્થો નર્મદા નદીમાં ઠલવાતાં નર્મદા નદી ઉફાને ચઢી હતી. ભરૂચમાં નર્મદા નદીની સપાટી 31.85 ફૂટે થતાં જિલ્લાના કાંઠાના વિસ્તારોમાં સ્થળાંતરની કવાયત હાથ ધરાઇ હતી. જેમાં ઝઘડિયામાં 1624, ભરૂચમાં 378 તેમજ અંક્લેશ્વર 401 અસરગ્રસ્તો મળી કુલ 2400થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
નર્મદા નદીના પૂરના પાણી ભરૂચના નીચાણવાળા વિસ્તારો જેમકે ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી, બહુચરાજીનો ઓવારો, દાંડિયાબજાર, ભૃગુઋષી મંદિર, ફુરજા વિસ્તાર સહિતમાં પુરના પાણી ભરાયા છે. જેને પગલે તંત્રએ તુરંત એકશનમાં આવી વિસ્તારના 240થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. જ્યારે દશાન, શુક્લતિર્થ, તવરા સહિતના ગામોમાં પણ અસરગ્રસ્તોના સ્થળાંતરની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ઝઘડિયાના નર્મદા કાંઠા વિસ્તારમાં જળબંબાકાર
ઉપરવાસમાં ભારે વરસાદથી અને ડેમની સપાટી વધતા ડાઉન સ્ટ્રીટમાં લાખો ક્યુસેક પાણી ડેમમાંથી આવી રહ્યું છે. ઝઘડિયાના કાંઠા વિસ્તારોના અશા, પોરા, તરસાલી, ટોથીદરા, જરસાડ, ઓરરપટ્ટાર, ઝઘડિયા, અવિધા, રાણીપુરા, ઉચેડિયા, મોટા સાંજા, નાના સાંજા, ગોવાલી, મુલદની સિમોના ખેતરોમાં પાણી ભરાતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 300 જેટલા લોકોનું અને 300 જેટલા પશુઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
(અહેવાલઃ પ્રવિણ પટવારી, કેવડિયા અને પ્રકાશ મેકવાન, ભરૂચ)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી