નવસારી / ભરૂચના ઉમલ્લાના યુવાનની લાશ ખાપરીયા અંબિકા નદીમાંથી મળી આવી, બે દિવસથી સંપર્ક ન હતો

મૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર

  • ઉમલ્લાનો મૃતક કંપનીમાં કાર ભાડે આપી ગુજરાન ચલાવતો હતો
  • ભરૂચ ગેરેજમાં કાર રિપેરિંગમાં મુકેલી હોય તે લેવા માટે ગયો હતો

Divyabhaskar.com

Nov 11, 2019, 09:38 AM IST

સુરતઃ ગણદેવી તાલુકાના ખાપરીયા ગામેથી પસાર થતી અંબિકા નદીમાંથી આજે યુવાનની લાશ મળતાં ચકચાર મચી ગઈ હતી. છેલ્લા બે દિવસથી સંપર્ક વિહોણા યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે યુવાનના મોતને લઈને રહસ્ય સર્જાયું છે.

મોબાઈલ પર બે દિવસથી સંપર્ક કરવા છતાં થઈ શક્યો ન હતો

ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના વતની વિપુલ રાવજીભાઈ પટેલ (ઉ. વ. 40)ના ગણદેવીના પીપલધરા ગામે રહેતા જગુભાઈ પુનાભાઈ પટેલની દીકરી કિરણ સાથે લગ્ન થયાં હતાં. તેમના લગ્નજીવન દરમિયાન એક નાની છોકરી રુદ્રા છે. વિપુલભાઈ ભરૂચની કોઈ કંપનીમાં કાર ભાડે ફેરવી ગુજરાન ચલાવતા હતા. તેઓ વેકેશન હોવાને લઈને પીપલધરા સાસરે પત્ની અને છોકરી જોડે આવ્યા હતા. અહીંથી તેઓ ત્રણ દિવસ અગાઉ ભરૂચ ગેરેજમાં કાર રિપેરિંગમાં મુકેલી હોય તે લેવા માટે ગયા હતા. જોકે, તેમના પારિવારિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમનો મોબાઈલ પર બે દિવસથી સંપર્ક કરવા છતાં થઈ શક્યો ન હતો. આજે ખાપરીયાના અમિતભાઈ હળપતિ અને પ્રવીણભાઈ હળપતિ કોઈક કામ અર્થે ખાપરીયા અંબિકા નદી કિનારે ગયા હતા. જ્યાં તેમણે એક લાશ તરતી જોતાં તેમણે તાત્કાલિક ખાપરીયાના સરપંચ કમલેશભાઈ ધનગરને ફોન કરીને જાણ કરી હતી. જેને પગલે કમલેશભાઈ તુરંત ઘટનાસ્થળે ધસી ગયા હતા. તેમણે ઘટનાસ્થળે પહોંચીને આ અંગે પોલીસમાં જાણ કરી હતી.

જમાઈની લાશ સસરાએ ઓલખી બતાવી

લાશની ઓળખવિધિ કરવાની મથામણ કરતા હતા તેવામાં એક વ્યક્તિએ લાશ જોઈને કહ્યું કે આ યુવાન પીપલધરાના જગુભાઈના જમાઈની હોય એવું લાગે છે. જેથી સરપંચ કમલેશભાઈએ જગુભાઈને સ્થળ ઉપર બોલાવી લાશ બતાવતા જગુભાઈએ આ લાશ તેમના જમાઈ વિપુલ હોવાની ઓળખી બતાવી હતી. બાદમાં ખારેલ ચોકીના હે.કો. અલ્પેશભાઈ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે ગણદેવી લઇ ગયા હતા. આ બનાવની જાણ મૃતકના માતા અને સગાસંબંધીઓને થતા તેઓ ઉમલ્લાથી ગણદેવી આવવા નીકળ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

પુલ પરથી ઝંપલાવ્યું હોવાની ચર્ચા

વિપુલભાઈ હાઈવે નં. 48 ઉપરના બોરીયાચ નજીકના અંબિકા નદીના પુલ ઉપરથી ઝંપલાવ્યું હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે, કારણ કે વિપુલભાઈના ચંપલ અને બેલ્ટ પુલ ઉપરથી મ‌ળી આવ્યા હતા. જ્યારે સ્થળ પરથી તેમણે પહેરેલું પેન્ટ અને પેન્ટમાં મુકેલો મોબાઈલ મળી આવ્યો ન હતો, જે પણ તપાસનો વિષય છે.

X
મૃતકની ફાઈલ તસવીરમૃતકની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી