નવસારી / તાવીજનાં નામે 48 લાખ રૂપિયા પડાવનાર મૌલવીને મહિલાએ મેથીપાક ચખાડ્યો

દંપતિ વચ્ચેનાં ઝઘડાનું સમાધાન કરાવવા બનાવ્યું તાવીજ 

Divyabhaskar.com

Jul 12, 2019, 10:49 AM IST

નવસારી: પતિ-પત્ની વચ્ચેનાં ઝઘડાનું સમાધાન કરાવવા માટે એક મૌલવીએ મહિલા પાસેથી 48 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેથી ઉશ્કેરાયેલી મહિલા અને તેની માતાએ મૌલવીની મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે. પતિ-પત્નીના ઝઘડાનું સમાધાન લાવવા મહિલા નવસારીનાં મૌલવીએ તાવીજ બનાવી આપવા માટે તબક્કાવાર 48 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેની જાણ યુવતીની માતાને થતા રૂપિયા કઢાવવા મૌલવી પાસે પહોંચી હતી. જ્યાં તેમની વચ્ચે મારામારી થઇ હતી. જેનો વીડિયો વાયરલ થયો છે. મૌલવી સામે મહિલાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. અને પોલીસ મૌલવીની ધરપકડ કરી લીધી છે.

તાવીજ તથા અન્ય વિધિ કરાવી હતી

વલસાડ ખાતે રહેતી પરીણિતાએ આજે ગુરૂવારે નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના એક લગ્ન તૂટી જતા બીજા લગ્ન કર્યા હતા. જેની જાણ પ્રથમ પતિના ભાઈને થતા તેણે તેના લગ્ન તોડવા માટે પ્રથમ લગ્નના વિડિયો તેના પિતાને બતાવીને બ્લેકમેઈલિંગના પ્રયત્નો કર્યા હતા. આ બાબતે તેની માતાએ વલસાડમાં રહેતા જાવેદભાઈ નામના રિક્ષાવાળાને આ બધી વાત જણાવતા જાવેદભાઈએ આ કામ માટે નવસારીના ચારપુલ ખાતે જૂના બસ ડેપોની બાજુમાં આવેલા એવન એપાર્ટમેન્ટમાં ઇલ્યાસ અબ્દુલરસીદ હજાત (રહે. દરગાહનો વાડો, નવસારી) નામનો કહેવાતો મૌલવી વશીકરણ કરવાનું કામ કરે છે તેની પાસે લઈ આવ્યો હતો. તેની પાસે તાવીજ તથા અન્ય વિધિ કરાવી હતી. તેના લગ્ન બીજા યુવક સાથે થયા હતા અને લગ્નના છ માસ બાદ બીજો પતિ તેને છોડી તેના ઘરે ગયો હતો.

એક કાર અને સોનાનાં દાગીના પણ આપ્યા

આ બાબતે માહિતી મેળવતા તેના પ્રથમ પતિના ભાઈએ બીજા પતિને તેના અગાઉ લગ્નની વાત કરી હતી. તે સમસ્યાના હલ માટે નવસારીના કહેવાતા મૌલવીનો પુનઃ સંપર્ક પરીણિતાએ કર્યો હતો. કહેવાતા મૌલવીએ આ પરીણિતાને તેને પૈસાની જરૂર છે તેમ કહીને પ્રથમ રૂ. 3.50 લાખ માંગ્યા હતા. જે તેણીએ આપ્યા હતા ત્યારબાદ તેણે વારંવાર પૈસાની માંગણી કરી રૂ. 48 લાખ જેટલી રકમ કઢાવી હતી. ત્યારબાદ એક કાર અને સોનાનાં દાગીના પણ આપ્યા હતા. કહેવાતા મૌલવી સાઉથ આફ્રિકા જતા તેમના નજીકના ઇસમે તેના વશીકરણનો પર્દાફાશ કરી દીધો હતો.

પરીણિતા અને તેની માતાને માર માર્યો હતો

પરીણિતા તથા તેની માતાએ નવસારી ખાતે નાણા પરત લેવા આવ્યા હતા. તેઓ કહેવાતા મૌલવીના ફ્લેટ ઉપર જતા માતા-પુત્રીએ નાણા માંગતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરીને પરીણિતા અને તેની માતા ઉપર હુમલો કર્યો હતો અને આ પરીણિતાના પતિને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બિલ્ડીંગમાં રહેતી બે મહિલાઓ પણ ધસી આવીને આ માતા-પુત્રીને માર માર્યો હતો. આ બાબતની પરીણિતાએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી