મહિલા માટે પૂર્વ પતિ અને પ્રેમીની લડાઇમાં ત્રીજી વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હુમલાના પગલે એકત્ર થયેલું લોકટોળુ અને હુમલાખોરને લોકોએ મેથીપાક આપતા ઇજાગ્રસ્ત થયો - Divya Bhaskar
હુમલાના પગલે એકત્ર થયેલું લોકટોળુ અને હુમલાખોરને લોકોએ મેથીપાક આપતા ઇજાગ્રસ્ત થયો
  • કબીલપોર જામપીરમાં પ્રેમીએ પ્રેમિકાના પૂર્વ પતિ પર અગાઉ હુમલો કર્યો હતો બચી જતા ફરી આવ્યો હતો
  • આ વિસ્તારમાં દહેશતનો માહોલ, હુમલાખોરને લોકોએ મેથીપાક ચખાડ્યો, હાલ તે સારવાર માટે ખસેડાયો

સુરતઃ નવસારીના કબીલપોર ખાતે રહેતી મહિલાના પૂર્વપતિ અને તેના પ્રેમી વચ્ચે સંબંધ રાખવાના મુદ્દે બે દિવસ અગાઉ જામપીરમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પ્રેમીએ પૂર્વપતિને ચાકુના ઘા મારી દીધા હતા. આ ઘટનાની ફરિયાદ નોંધાવવા ગયેલા મહોલ્લાના શખ્સને મારી નાંખવાના ઈરાદે પ્રેમી સુરતથી બે સાગરીતો સાથે આવ્યો હતો. તેને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરતા અન્ય એક યુવક વચ્ચે આવી જતા યુવકને ઈજા થઈ હતી. ખુલ્લા હથિયાર સાથે બખ્તર પહેરી માતેલા સાંઢની જેમ ફરનારા શખ્સના પગલે દહેશતનો માહોલ ઉભો થયો હતો. પ્રેમીએ ભાગવાનો પ્રયાસ કરતા તે કાર સાથે અથડાતા તેને સારવાર માટે દાખલ કરાયો હતો. મહોલ્લાના શખ્સે પ્રેમી અને તેના બે સાગરિતો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મહિલા પૂર્વ પતિની દીકરીની હત્યામાં લાજપોર જેલમાં બંધ છે
કબીલપોરના જામપીર ખાતે ધર્મેશ હળપતિ બીજી પત્ની અને સંતાન સાથે રહે છે. પહેલી પત્ની જ્યોત્સાના સાથે એક વર્ષ અગાઉ તેના છૂટાછેડા થયા હતા. ધર્મેશ હળપતિએ બીજા લગ્ન કર્યા હતા.ધર્મેશ હળપતિની પુત્રીનું છ માસ અગાઉ અપહરણ કરીને જ્યોત્સનાએ તેની હત્યા કરી નાંખી હતી. આ ગુનામાં જ્યોત્સના લાજપોર જેલમાં સજા ભોગવી રહી હતી. એ સમયે તેની મુલાકાત સુરતના ધર્મેશ રાઠોડ (રહે. કતારગામ, સુરત) સાથે થઈ હતી અને તેમની વચ્ચે સંબંધો બંધાયા હતા. જેની જાણ પૂર્વ પતિ ધર્મેશ હળપતિને થઈ હતી. હાલમાં ધર્મેશ રાઠોડ પેરોલ પર બહાર આવ્યો હતો. ગત 12મીએ તે જામપીર ખાતે ધર્મેશ હળપતિના ઘરે આવ્યો હતો અને બંને વચ્ચે જ્યોત્સના સાથે સંબંધ રાખવાના મુદ્દે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન ધર્મેશ હળપતિને ચાકુ મારીને ધર્મેશ રાઠોડ ભાગી છૂટ્યો હતો. આ અંગે જામપીરના ભૂપેન્દ્ર નાયકાએ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

હુમલાખોરેને લોકોએ મેથીપાક ચખાડ્યો
ભૂપેન્દ્ર નાયકા ધર્મેશ હળપતિને મદદ કરતો હોય તે વાત જ્યોત્સનાએ પ્રેમી ધર્મેશ રાઠોડને કરી હતી. તેથી ભૂપેન્દ્ર નાયકા અને ધર્મેશ હળપતિ પર હુમલો કરવા ધર્મેશ તેના બે સાગરિતોને એકટીવા (નં. GJ-05-NL-6407) પર લઈને જામપીર ખાતે આવ્યો હતો. ધર્મેશે ભૂપેન્દ્ર નાયકા પર હુમલો કરવા જતા અન્ય શખ્સ દિનેશભાઈ શાહ વચ્ચે આવી જતા તેને ઈજા પહોંચી હતી. હુમલો કરીને ધર્મેશ રાઠોડે ભાગવા જતા કારની અડફેટે ચઢતા ઈજા પહોંચી હતી. જ્યારે તેના બે સાગરિતો ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા.અચાનક બનેલી આ ઘટનાએ સમગ્ર જામપીર મહોલ્લામાં ભયનું વાતાવરણ ઉભું કરી દીધું હતું. ખુલ્લા હથિયાર સાથે માતેલા સાંઢની જેમ ફરનારા આ સુરતના શખ્સ ધર્મેશ રાઠોડ સામે આવવાની કોઈની હિંમત ચાલી ન હતી. જોકે લોકટોળુ વિવિધ પ્રકારના હથિયારો સાથે આવી તેને મેથીપાક ચખાડતા તેણે ભાગવાની નોબત આવી હતી. દરમિયાન પોલીસને પણ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. હાલ પોલીસે ઈજાગ્રસ્ત બનેલા ધર્મેશ રાઠોડને ઝડપી લઈ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો છે, જેના પર હુમલો કરવાના ઈરાદા સાથે નવસારી આવનાર ધર્મેશ રાઠોડ અને તેના બે સાગરિતો સામે ભૂપેન્દ્ર નાયકાએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પબજી ગેમની જેમ બખ્તર પહેરીને આવ્યો
આરોપી પબજી ગેમમાં શરીરે લોખંડ અને ખીલાવાળું બખ્તર પહેરીને આવ્યો હતો. જેથી કોઈપણ જાનો માર ન લાગે અને આડેધડ લોકોને તલવાર જેવા સાધનથી મારવાના પ્રયાસ કરતો ગયો હતો. પબજી ગેમમાં જે રીતે ગેમ રમે તે સ્ટાઈલમાં વેશ પહેરીને આવ્યો હતો.