તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ: ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં એકાએક સાયબર ક્રાઈમમાં વધારો નોંધાયો છે. ભરૂચમાં બે દિવસમાં સાયબર ક્રાઈમના ચાર કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ચારેય કિસ્સાઓમાં 15 લાખ ઉપરાંતની ઠગાઈ થઈ હોવાની વિવિધ ફરિયાદો પોલીસ મથકમાં નોંધાયી છે. ફેક કોલ અને સોશિયલ મીડિયાથી કરવામાં આવેલી આ ઠગાઈના કિસ્સા જિલ્લા વાસીઓ માટે લાલબત્તી સમાન સાબિત થયા છે.
યુવાનને કેમેરા અપાવવાના બહાને 47 હજારનો ચૂનો
ભરૂચના ભોલાવ ખાતે નારાયણ કુંજ વિહાર સોસાયટીના યુવાને સોશિયલ મિડીયા પર આવેલી જાહેરાતના આધારે એક શખ્સનો સંપર્ક કરી આર્મી કેન્ટીનમાંથી કેમેરો ખરીદવાની કવાયત હાથ ધરી હતી. શખ્સે તેને વાતોમાં ભોળવી તેની પાસેથી તબક્કાવાર રીતે ગુગલ પે દ્વારા કુલ 47 હજાર ઉપરાંતની રકમ ઓનલાઇન ટ્રાન્સ્ફર કરાવી છેતરપિંડી કરી હતી. જે અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના ભોલાવ ખાતે આવેલી નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં રહેતાં સચીન મનુ પરમારે તેના સોશિયલ મિડીયાના એકાઉન્ટમાં આવેલી જાહેરાતના આધારે વિકાસ પટેલ નામના શખ્સના સંપર્કમાં આવ્યો હતો. વિકાસ પટેલે ઇન્ડિયન આર્મીના જવાન તરીકે પોતાની ઓળખ આપી સચીનને પોતાની વાતોમાં ભોળવ્યો હતો. તેણે ઇન્ડિયન આર્મીના કેન્ટીનનું સ્માર્ટ કાર્ડ તેમજ કેન્ટીન કુરિયર રસીદ તેના સોશિયલ મિડીયા પર મોકલી તેને વિશ્વાસમાં લઇને તબક્કાવાર રીતે તેના ખાતામાંથી કુલ 47 હજાર ઉપરાંતની રકમ ગુગલ પે થકી ઓનલાઇન ટ્રાન્સ્ફર કરાવી હતી. બાદમાં સચીન પરમારને ઠગાઇ થયાનો અહેસાસ થતાં તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ખરચની મહિલાને ગેસના બોટલનું ઓનલાઇન બુકિંગ 1 લાખમાં પડ્યું
હાંસોટ તાલુકામાં આવેલાં ખરચ ગામે રહેતી એક મહિલાએ ગેસનો બોટલ નોંધાવવા માટે ગુગલ પરથી એજન્સીનો નંબર મેળવી સંપર્ક કર્યો હતો. જેમાં શખ્સે તેમને એક લિંક મોકલતાં મહિલાએ તે લિંક પર ક્લિક કર્યાં બાદ તબક્કાવાર રીતે તેમના ખાતામાંથી કુલ 1 લાખ રૂપિયા ઉપડી ગયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, હાંસોટ તાલુકામાં આવેલાં ખરચ ગામે બિરલાધામ ખાતે રહેતાં રૂપાબેન કાંતીલાલ બરવાડિયા બિરલા સેલ્યુલોઝ કંપનીમાં નોકરી કરે છે. તેમણે કોસંબાની નિલેશ ગેસ એજન્સીમાંથી ગેસ કનેક્શન લીધું હોઇ તેમણે ગેસનો બોટલ નોંધાવવા માટે ગુગલ પર ઓનલાઇન એજન્સીનો હેલ્પલાઇન નંબર મેળવ્યો હતો. જેના પર ફોન કરતાં તેણે ભીમ યુપીઆઇ ટ્રાન્જેક્શન કરવા જણાવી એક લિંક મોકલી હતી. જે લિંક પર તેમણે ક્લિક કરતાં તેમના ખાતામાંથી શખ્સના જણાવ્યાનુંસાર પહેલાં 10 રૂપિયા કપાયાં હતાં. જે બાદ તેમના એકાઉન્ટમાંથી તબક્કાવાર કુલ 99,900 રૂપિયા ઉપડી ગયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષકને બંધ પોલિસી શરૂ કરવાના બહાને 12.86 લાખની છેતરપિંડી
ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે રહેતાં શિક્ષકની આઇસીઆઇસીઆઇ કંપનીની પોલીસી બંધ થઇ ગઇ હતી. દરમિયાનમાં બે ગઠીયાઓએ તેમની પોલીસી પુન: શરૂ કરી આપવાના બહાને તેમને ભોળવી અલગ અલગ એકાઉન્ટમાં કુલ 12.86 લાખ રૂપિયા ભરાવડાવી ઠગાઇ કરી હતી. બનાવ સંદર્ભે પાલેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે રહેતાં અને પાદરિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં ઐયુબ ઇબ્રાહિમ દશુએ આઇસીઆઇસીઆઇની એક પોલીસી લીધી હતી. જોકે તે પોલીસી બંધ થઇ જતાં તે ચાલુ કરાવવા માટે તબક્કાવાર રીતે તેમને અલગ અલગ રીતે કુલ 18.52 લાખ રૂપિયા ભરાવી ઠગાઇ કરતાં તેમણે વર્ષા 2016માં ફરિયાદ કરી હતી. જે બાદ આરોપીઓ પકડાતાં આરોપીઓએ સમાધાન પેટે 10.50 લાખ પરત કર્યાં હતાં. જોકે તે દરમિયાન શિવનારાયણ સિંગ તેમજ સંદિપ સિંગ નામના બે શખ્સોએ તેમની આઇસીઆઇસીઆઇ બેન્કના કર્મચારી તરીકે ઓળખ આપી તેમને વાતોમાં ભોળવી અલગ અલગ ખાતામાં કુલ 12.86 લાખ રૂપિયા ભરાવડાવી ઠગાઇ કરતાં તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડેબિટ કાર્ડના વેરિફિકેશનના બહાને OTP મેળવી 27 હજારની ઠગાઇ
ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે રહેતાં એક ખેડૂતને તેમના ડેબિટ કાર્ડનું વેરિફિકેશન કરાવવાના બહાને વારંવાર ઓટીપી મેળવી તેમના એકાઉન્ટમાંથી તબક્કાવાર રીત કુલ 27 હજાર ઉપરાંતની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી ઠગાઇ કરી હતી. વારંવાર ઓટીપીની માંગણી કરતાં તેમને શંકા જતાં આખરે તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ તાલુકામાં આવેલાં ભાડભૂત ગામે રોડવાળા ફળિયામાં રહેતાં 61 વર્ષીય મનહરલાલ ચુનીલાલ દેસાઇ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત નવેમ્બર મહિનામાં તેમના મોબાઇલ પર એક શખ્સે ફોન કરી પોતાની ઓળખ બેન્ક ઓફ બરોડાના દિપક બર્મા તરીકેની આપી વાતચીત શરૂ કરી હતી. દરમિયાનમાં તેણે તેમના ડેબિટ કાર્ડનું વેરીફિકેશન કરવાનું હોઇ તેઓ એક ઓટીપી મેસેજ મોકલે તે નંબર જાણ કરવા કહેતાં તેમને તે પ્રમાણે કર્યું હતું. બાદમાં વારંવાર તેણે ફોન કરી ઓટીપીની માંગણી કરતાં તેમણે બીઓબીની ભાડભૂત શાખામાં સંપર્ક કરતાં તેમના ખાતામાંથી 27 હજાર રૂપિયા ઉપડી ગયાનો ખુલાસો થયો હતો. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.