ભરૂચ / નર્મદા ડેમમાંથી પાણી ઓછું છોડવા કલેક્ટરની નર્મદા નિગમને રજૂઆત

Introduction of Narmada Corporation to collector for discharging water from Narmada Dam

  • ડેમમાંથી છોડાતાં પાણીથી પૂરની સ્થિતી
  • નર્મદા ડેમની સપાટી 138.19 મીટરે પહોંચી : ડેમ મહત્તમ સપાટીથી માત્ર 0.51 મીટર દૂર
  • નર્મદા નદીમાં છોડાયેલાં પાણીથી ભરૂચ જિલ્લામાં પૂર
  • ભરૂચ-નર્મદા જિલ્લાના 40થી વધુ ગામો પ્રભાવિત
  • ભરૂચ શહેરના કેટલાંક વિસ્તારોમાં હજી નર્મદાના પૂરના પાણી યથાવત્
  • ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 30.25 ફૂટ

Divyabhaskar.com

Sep 15, 2019, 08:02 AM IST

ભરૂચ: સરદાર સરોવર ડેમમાંથી સતત 36 દિવસથી નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડાઇ રહ્યું છે. દરમિયાનમાં છેલ્લાં એક સપ્તાહ ઉપરાંતથી સરદાર સરોવરના ઉપરવાસમાં આવેલાં ડેમોમાંથી વિપુલમાત્રામાં પાણી છોડાઇ રહ્યું હોઇ સરદાર સરોવર ડેમની સપાટી ક્રમશ: વધીને 138.19 મીટરને સ્પર્શી ગઇ છે. ત્યારે ડેમમાંથી નર્મદા નદીમાં છોડાઇ રહેલાં પાણીને કારણે નર્મદા જિલ્લા સહિત ભરૂચ જિલ્લાના નદી કિનારાના 30થી વધુ ગામો પુરથી પ્રભાવિત થયાં છે. ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા ભરૂચ જિલ્લા પરથી પુરની સ્થિતીને ટાળવા ડેમમાંથી ઓછીમાત્રામાં પાણી છોડવા માટે નર્મદા નિગમને રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચ શહેર જિલ્લામાં નર્મદા નદી કિનારેના વિસ્તારો છેલ્લાં પાંચ દિવસથી પુરનો માર વેઠી રહ્યાં છે. જોકે હાલમાં ડેમમાંથી છોડાઇ રહેલાં પાણીની માત્રા ઘટવાને કારણે નદીની સપાટીમાં ધીમી ગતિએ ઘટાડો થઇ રહ્યો છે. નર્મદા નિગમ દ્વારા ઉપરવાસમાંથી આવી રહેલી પાણીની આવકને પગલે સરદાર સરોવરના ડેમના 23 દરવાજા ખોલી મોટી માત્રામાં નર્મદા નદીમાં પાણી ઠાલવવામાં આવતાં છેલ્લાં પાંચ દિવસથી ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કિનારે પુરની સ્થિતી બની છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાંચ દિવસથી પુરના પાણી ભરાયાં છે.

નર્મદા નિગમ દ્વારા છોડવામાં આવી રહેલાં પાણીના કારણે ભરૂચ જિલ્લામાં પૂરથી સ્થિતી ભયંકર બને તેવા એંધાણ સર્જાયાં હતાં. બીજી તરફ પુનમની ભરતી હોઇ સ્થિતી વધુ વિકટ બને તેવી સંભાવનાઓને લઇને ભરૂચ જિલ્લા કલેક્ટર એમ. ડી. મોઢિયાએ નર્મદા નિગમને જિલ્લાના હિતમાં પુરની પરિસ્થિતી ટાળવા માટે ડેમમાંથી છોડાઇ રહેલાં પાણીની માત્રાને ઘટાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે નર્મદા નિગમના એમડી દ્વારા હાલમાં ડેમમાંથી છોડાઇ રહેલાં પાણીની માત્રામાં ઘટાડો કર્યો છે.

દરેક સ્થિતિ પહોંચી વળવા ટીમો તૈનાત
ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલી પુરની સ્થિતીને લઇને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. ઉપરાંત દરેક પ્રકારની સ્થિતીને પહોંચી વળવા માટે ટીમોને સ્ટેન્ડબાઇ કરી દેવાઇ છે. જોકે હાલમાં જે ગામોમાં પુરની અસર છે. ત્યાં પણ ટીમો દ્વારા જરૂરી કામગીરી હાથ ધરાઇ રહી છે.

જિલ્લાના હિતમાં રજૂઆત કરી છે
સરદાર ડેમમાંથી છોડાઇ રહેલાં પાણીના કારણે હાલમાં જિલ્લામાં કાંઠા વિસ્તારોમાં પુરના પાણી પ્રવેશ્યાં છે. જોકે તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેમ છતાંય પુનમની ભરતીને લઇને સ્થિતી વધુ ન વકરે તે માટે જિલ્લાના હિતમાં નર્મદા નિગમને ડેમમાંથી છોડાઇ રહેલાં પાણીની માત્રાને નિયંત્રણમાં રાખવા જણાવ્યું છે. - એમ. ડી. મોઢિયા, કલેક્ટર, ભરૂચ

ભરૂચ કલેક્ટરની રજૂઆતથી પાણી ઘટાડ્યું
ડેમની 138 મીટરની મહત્તમ સપાટી સુધી ભરાયો છે. ત્યારે ડેમમાંથી છોડાતા પાણીને કારણેધીરે ધીરે 175 ગામ અને ભરૂચ શહેરને પુરની ઘાતક અસર થઇ રહી હોઇ ભરૂચ જિલ્લા કલેક્ટરે ડેમમાંથી છોડાતાં પાણીની માત્રા ઓછી કરવાની માંગ કરી હતી. જેના પગલે હાલમાં નર્મદા નદીમાં ઓછું છોડી રહ્યા છે એટલે ધીરે ધીરે પાણી હવે ઊતરી રહ્યું છે. - રાજીવ ગુપ્તા, એમ. ડી. નર્મદા નિગમ

આશ્રય સ્થાનો પર પણ ચોકસાઇ રાખવા સૂચના
નર્મદા નદીના પૂરના પાણીએ ભરૂચ જિલ્લાના 25થી વધુ ગામોને પ્રભાવિત કર્યાં છે. જે પૈકીના અતિપુરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરી તેમને અલગ અલગ આશ્રય સ્થાનો પર રાખવામાં આવ્યાં છે. ત્યારે ત્યાં તેમને રહેવા, સૂવા તેમજ ખાવા -પિવાની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે કલેક્ટરે ટીમોને આશ્રય સ્થાનો પર પણ ચોક્કસાઇ રાખી અસરગ્રસ્તોને કોઇ તકલીફ ન રહે તેની તકેદારી રાખવા સૂચના આપી છે.

X
Introduction of Narmada Corporation to collector for discharging water from Narmada Dam

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી