ભરૂચ / પૂરના પાણી ઓસર્યાં પાલિકાનું સફાઇ અભિયાન શરૂ

Bharuch flood water campaign begins

  • નગરપાલિકાના 400 સફાઇ કામદારોને કામે લગાવાયાં : શહેરમાં હજીયે કેટલાંક વિસ્તારોમાં પૂરના પાણી યથાવત

Divyabhaskar.com

Sep 15, 2019, 08:08 AM IST

ભરૂચ: ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં ક્રમશ: ઘટાડો થઇ રહ્યો છે. ગઇકાલે રાત્રીના સમયે 31.25 ફૂટ સુધી નર્મદાના પાણી ભરાયાં હતાં. જેમાં આંશિક ઘટાડો થઇ નર્મદાના નીર હાલમાં 30.25 ફૂટ સપાટીએ પહોંચ્યાં છે. ત્યારે શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં પુરના પાણી ઉતરતાં પાલિકાએ તુરંત એક્શનમાં આવી વિસ્તારમાં ગંદકીની સફાઇની કામગીરી હાથ ધરી છે. પાલિકાના 400થી વધુ સફાઇ કામદારો હાલમાં સફાઇ મિશનમાં જોડાયાં છે.

ભરૂચમાં પુરના પાણી ઓસરવાની શરૂઆત થઇ છે. શહેરના દાંડિયાબજાર ભૃગુઋષિ મંદિર પાસે નર્મદાના પુરના પાણી ઉતર્યાં બાદ પાછળ ગંદકીના થર રહી ગયાં છે. ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા પણ પુરની સ્થિતીને લઇને સંબંધિત અધિકારીઓને તાકીદ કરાઇ છે. ત્યારે આજે સવારથી જ નગરપાલિકા તંત્રએ એક્શનમાં આવી દાંડિયાબજાર વિસ્તારમાં સફાઇ કામગીરી હાથ ધરી છે. પાલિકાના 400 કર્મચારીઓને કામે લગાડી દેવામાં આવ્યાં છે. પુરની ગંદકી સાફ કર્યાં બાદ બે ફાયર ટેન્ડરોની મદદથી દાંડિયાબજાર વિસ્તારમાં પાણીનો મારો કરી સફાઇ કરવામાં આવી હતી. શહેરના ફૂરજા, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં હજી પુરના પાણી ભરાયાં છે. જોકે પાણીનું સ્તર ઘટવાને કારણે દુકાનો-મકાનોમાંથી પાણી ઉતરી જતાં લોકો હવે ઘરમાંથી ગંદકી દુર કરવામાં જોતરાયાં છે.

2 ઓક્ટોબર પહેલાં સ્વચ્છ કરાશે
આગામી 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અને સફાઇની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે હાલમાં પુરના પાણીએ નિચાણવાળા વિસ્તારોમાં ગંદકી ઠાલવી હોઇ તેને સાફ કરવામાં આવી રહી છે. જેના માટે પાલિકાના 400થી વધુ સફાઇ કામદારોને કામે લગાડવામાં આવ્યાં છે. - સંજય સોની, સીઓ, નગરપાલિકા, ભરૂચ.

X
Bharuch flood water campaign begins
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી