વાલિયા: વાલિયા ગ્રામ પંચાયતમાં છેલ્લાં કેટલાંક સમયથી ભાજપ અને બીટીપી વચ્ચે રાજકિય ચરસા ચરસી ચાલી રહી છે. જેના પગલે અવાર નવાર એકબીજા પર આક્ષેપો કરવા સાથે એક બીજાના વિરોધમાં અરજીઓનો દોર ચાલ્યો હતો. દરમિયાનમાં રાજકિય અદાવત ગઇકાલે ચરમ સીમાએ પહોંચી હતી. વાલિયા ગ્રામ પંચાયતના સરપંચે મહિલાઓના ટોળા સાથે ભાજપ તાલુકા મહામંત્રીની માતા અને ડેપ્યુટી સરપંચના ઘરે પહોંચી ધિંગાણું સર્જ્યું હતું. મહિલાઓના ટોળાએ ભાજપ પ્રમુખ સહિત હાજર લોકોને છુટાહાથે માર મારી તોડફોડ કરતાં આગામી દિવસોમાં વાલિયામાં રાજકિય હૂંસાતૂસી વધુ ગંભીર સ્થિતી સર્જે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. રાત્રિના સમયે સર્જાયેલા આ ધમાસાણ અંગે વાલિયા પોલીસ મથકે બન્ને પક્ષ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક એટ્રોસીટી અને બીજી લૂંટની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાઓએ તાલુકા ભાજપ પ્રમુખને જાહેરમાં ફટકારતાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે. વાંદરીયા ગામે પહોંચી ભરૂચના સાંસદ તેમજ ભાજપના જિલ્લા પ્રમુખે તેમની ટીમ સાથે સાંત્વના આપી હતી.
વાલિયા પોલીસ મથકે નોંદાયેલી એક ફરિયાદ મુજબ વાલિયાના વાંદરીયા ગામના હનુમાન ફળીયામાં રહેતા કમલેશ દયારામ વસાવા, વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ સેવન્તુ વસાવા અને પ્રદીપ ભરથાણીયા વાલિયા ખાતે બીજેપી મહામંત્રી પ્રતિક ઉર્ફે પૃથ્વીરાજ ગોહિલના ઘરે રાત્રિના સમયે બેઠા હતા. તે અરસામાં હાલના વાલિયાના સરપંચ ગોરધન વસાવા, સુરતાબેન વસાવા, સેજલબેન વસાવા, સરપંચનો પુત્ર, દિનેશ લક્ષ્મણ વસાવા, રજની રાજુ વસાવા, સાથે 40 થી 50નું ટોળું પ્રતિકના ઘરે આવ્યું હતું. તેમની સાથે કેટલાંક યુવાનો વિડીયોગ્રાફી કરતા આવ્યા હતા. સરપંચે આવીને મહિલાના ટોળાને ઉશ્કેરી આ ત્રણેય ચોર છે, તેને મારો તેવી બુમ પાડતાં જ સરપંચના પુત્રએ સેવન્તુની ફેંટ અને ગળું પકડી ધક્કામુક્કી અને ઝપાઝપી કરી હતી. દિનેશ લક્ષ્મણ અને રજની રાજુ વસાવાએ સેવન્તુની છાતી પર છરો રાખી છરો ભોંકી તને મારી નાંખીશું તેમ કહી તમે બધા બહુ ચઢી ગયેલા છે. તમને તો મારી નાખવા જ ભલા છે તેમ કહી ધમકાવ્યા હતા. તો મહિલાઓએ જે હાથમાં આવ્યું તેનાથી હુમલોક કરી સેવન્તુ વસાવાને ફટકાર્યો હતો.
હુમલો કરનાર પક્ષની ફરિયાદ વાલિયાના સરપંચ ગોરધન વસાવાના પત્ની સુરતાબેન વસાવાએ નોંધાવી છે. જેમાં કરેલા ઉલ્લેખ મુજબ મારા પતિ સરપંચ તરીકે વિકાસના કામો કરવા માટે તૈયાર હોય પણ ઉપ-સરપંચ અને તેમનો દીકરો પ્રતીક ઉર્ફે પૃથ્વીસિંહ ગોહિલ તેના મળતિયાઓ સાથે ગ્રામ પંચાયતના કામો થવા દેતા નથી. આ અંગે રજૂઆત કરવા કુસુમબેન ઉપસરપંચને મળવા ગયા હતા. જોકે ત્યાં હાજર ભાજપના તાલુકા પ્રમુખ સેવન્તુ મહિલાના ટોળાને અટકાવ્યું હતું. અને કુસુમબેનનું તમારે શું કામ છે તેમ કહી સેજલબેનને છાતીમાં પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથીઅન્ય મહિલાઓ સેજલબેનને છોડાવા વચ્ચે પડતાં સેવન્તુએ ટ્યૂબલાઈટની સળી અને સળીયાથી માર મારી હાથમાં સામાન્ય ઈજા પહોંચાડી હતી. જે સંદર્ભે સેવન્તુ, સુરેશ સુણવા, લાલુ ગોહિલ, જીગર, કમલેશ વસાવા અને પ્રદીપ ભરથાણીયા વિરૂદ્ધ ગુનો નોંધાવતાં તેની તપાસ એસટીએસી સેલના ડી.વાય.એસ.પી. એમ.પી.ભોજાણી કરી રહ્યા છે.
બંને પક્ષે ફરિયાદ નોંધાવી છે
વાલિયા ગામમાં મહિલાઓના ટોળા દ્વારા મહિલા ઉપ સરપંચના ઘરે રજુઆત કરવા જતાં ત્યાં હાજર લોકો અને મહિલાઓના ટોળા વચ્ચે ઝપાઝપી થતાં તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બન્ને પક્ષના લોકોને પોલીસ મથકે લાવી બન્ને પક્ષની સામ સામે ફરીયાદ લેવામાં આવી છે. એટ્રોસિટીની ફરિયાદની તપાસ એસ.ટી.એસ.સી.સેલ ડી.વાય.એસ.પી. કરી રહ્યા છે. - ડી.પી.ઉનડકટ, વાલિયા પીઆઈ
સામે ચૂંટણી હોવાથી છાપ ખરાબ કરવાનો પ્રયાસ
વાલીયા ગ્રામ પંચાયતની પાઈપ લાઈનમાં ગેરરીતિની તપાસ ચાલતી હતી. તેમાં અમે સમાધાનના પણ પ્રયાસ કર્યા છે. અમે ઘરે બેઠા હતા ત્યારે આ મહિલાઓએ મારામારી કરી રોકડા અને વીંટીની લૂંટ કરી છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે. એટલે મુખ્ય લોકોને દબાવી ખરાબ છાપ ઊભી કરવા માંગે છે. આ બાબત સાથે મારે કોઈ લેવા દેવા નથી. - સેવન્તુ વસાવા, બીજેપી પ્રમુખ વાલીયા.
મહિલાઓ માત્ર રજૂઆત કરવા ગઈ હતી
વારંવાર મારા પત્નીની આ લોકો ઠેકડી ઉડાવતા હતા. અમારી સહનશક્તિ હવે ઘટી ગઈ હતી. મહિલાઓએ ભેગી થઈ મહિલા ડેપ્યુટી સરપંચને ઘરે રજૂઆત કરવા ગયા હતા. તે સમયે સેવન્તુ વસાવા અને બેઠેલા લોકોએ લાકડી અને સળિયા લઈને બેઠા હોય મારી પત્ની અને મારી દીકરીને ફેંટ પકડી માર મારી ઝપાઝપી કરી હતી. જેના કારણે મહિલાઓ આક્રોશમાં આવી જતાં સેવન્તુ અન્યને મહિલાઓના ટોળાએ માર માર્યો હતો. - ગોરધન વસાવા , સરપંચ વાલિયા.
અમે મહિલા ઉપસરપંચને મળવા માટે ગયા હતા
અમે મહિલા ઉપ-સરપંચને મળવા ગયા હતા. વિકાસના કામ બાબતે વાત રજૂ કરવા જતાં ત્યાં સેવન્તુ વસાવા બેઠા હતા. અમે ગયા ત્યારે તે લોકો દારૂ પીતા હતા. પછી મહિલાઓના ટોળાને જોઈને બચાવમાં મારામારી કરી હતી. - સેજલ વસાવા, વાલિયા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.