આગની જ્વાળાઓ 15 કિમી દૂર ગોલ્ડન બ્રિજ સુધી દેખાઇ, ટ્રેનો ધીમી કરવી પડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાંકડા રસ્તામાં જવા ફાયર બ્રિગેડને મુશ્કેલી પડી, એક કલાકની જહેમતે આગ કાબૂમાં આવી
  • અંકલેશ્વરમાં રેલવે લાઇન નજીકના ભંગારના 2 ગોડાઉનમાં ભીષણ આગ

અંકલેશ્વર: અંકલેશ્વર નવજીવન માર્કેટમાં મંગળવારે ભંગારના 2 ગોડાઉનમાં આકસ્મિક આગ લાગતા નાસભાગ મચી હતી. આગની જ્વાળાઓ 150 મીટર ઉંચી ઉઠતા 15 કિલોમીટર દૂર ભરૂચ ગોલ્ડન બ્રિજે પણ દેખાઇ હતી. ભંગાર માર્કેટ રેલવે લાઇનથી માત્ર 200 મીટરના અંતરે હોવાથી ટ્રેનોને પણ ધીમી કરી દેતા રેલ વ્યવહારને આંશિક અસર પહોંચી હતી. સાંકડા રસ્તામાં ફાયર બ્રિગ્રેડને અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવી સ્થિતિ ઉભી થઇ હતી. 6 ફાયર ફાયટરોએ એક કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદ્દનસીબે કોઇ જાનહાની થઇ નથી.  
ભંગાર માર્કેટમાં ગુલામ હુસેન મહોમદ અને સહેજાદ અલી મહોમદ હનીફના ભંગારના ગોડાઉન આવેલા છે. મંગળવારે ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો ચપેટમાં આવતાં જ્વાળાઓ ફેલાઇ હતી. ઘટનાની જાણ થતાં ડીપીએમસી, પાનોલી ફાયર તેમજ પાલિકા ફાયર ટીમ દોડી ગઇ હતી પરંતુ સાંકડી ગલીઓના કારણે ગોડાઉન સુધી પહોંચવું મુશ્કેલ ભર્યું બન્યું હતું. વળી, ગોડાઉન એકદમ નજીક હતા તેમજ ફાયર સેફ્ટીની પણ સુવિધા ન હતી. આગમાં બંને વેપારીનો માલસામાન ભસ્મીભૂત થઇ ગયો હતો. 

GPCBની મંજૂરી નહીં,તો કાર્યવાહી કરીશું 
આગ સંદર્ભે  મોનીટંરીગ ટીમ દ્વારા તપાસ કરાઇ રહી છે. ભંગારના ગોડાઉન સંચાલકોએ જીપીસીબીની મંજૂરી લીધી છે કે કેમ તે તપાસ કરવામાં આવશે. જો નહીં લીધી હોય તો કાર્યવાહી કરવામાં આવશે. - આર.આર.વ્યાસ, પ્રાદેશિક અધિકારી, અંકલેશ્વર જીપીસીબી 

ગોડાઉનોમાં એનઓસી પણ નથી, ફાયર સેફ્ટીનો અભાવ હતો, નોટિસ આપીશું 
ઘટના સ્થળે ડિઝાસ્ટર ટીમ તપાસ કરી રહી છે. ગોડાઉનના રસ્તા પર દબાણ તેમજ અંદર ફાયર સુવિધા જોવા મળી નથી. બંને પાસે જીપીસીબી જરૂરી એન.ઓ.સી પણ નથી તેમજ માલિકી અંગે જરૂરી દસ્તાવેજી પુરાવા માગ્યા છે. તેમને નોટિસ આપી કાર્યવાહી કરીશું. - મનુભાઈ પટેલ, ઇનચાર્જ મામલતદાર, ડિઝાસ્ટર ટીમ સભ્ય 

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી 
આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. આગમાં 2 ગોડાઉનમાં રહેલો પ્લાસ્ટિકનો વિપુલ જથ્થો સળગી ઉઠ્યો હતો. 6 જેટલા ફાયર બંબાની મદદથી એક કલાક ઉપરાંતની જહેમતે કાબુમાં આવી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા એક સમયે તેના પર કાબુ મેળવ્યો મુશ્કેલ બન્યો હતો. - મનોજ કોટડીયા, મેનેજર, ડીપીએમસી 

અન્ય સમાચારો પણ છે...