તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રીમાં યુવાનોમાં વાણિયા બનવાની પરંપરા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાટડીમાં નવરાત્રીમાં યુવાનો મોંઢે માસ્ક પહેરી ભરવાડી ડ્રેસમાં ‘વાણિયા’ બને છે

પાટડી: આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યોં છે ત્યારે પાટડી પાંચહાટડી વિસ્તારમાં યોજાતી પરંપરાગત નવરાત્રીમાં યુવાનો મોંઢે માસ્ક પહેરી ભરવાડી ડ્રેસમાં વાણીયા બને છે. અને આ ‘’વાણીયા’’ નવરાત્રીમાં નાના-નાના ભુલકાઓને ચોકલેટ આપી મનોરંજન પુરૂ પાડવાની સાથે લોકોને શિસ્તના પાઠ પણ શીખવે છે. આસોમાસની નવલી નવરાત્રીનો આજથી દબદબાભેર પ્રારંભ થઇ રહ્યો છે. અને આ નવલી નવરાત્રીમાં આખી રાત ગરબે ઘુમવા યુવાધન હિલોળે ચઢ્યું છે. ત્યારે પાટડી પાંચહાટડી ચોકમાં આઝાદીથી પરંપરાગતરીતે ગરબા યોજાય છે. 

ગ્રામ્ય સંસ્કૃતિને ધ્યાનમાં રાખી આજેય બહેનો અને ભાઇઓના ગરબા અલગ-અલગ રમાડાય છે. પાટડી પાંચહાટડી ચોકમાં યોજાતા ગરબાની સૌથી વિશેષ ખાસીયત એ છે કે અહીં ચોથા-પાંચમાં નોરતાથી ત્રણથી ચાર નવયુવાનો સફેદ ભરવાડી ડ્રેસમાં સજ્જ બની મોંઢે માસ્ક પહેરી ‘’વાણીયા’’ બને છે. આ વાણીયા બહેનો ગરબે રમતા હોય ત્યારે કુંડાળાની અંદર હાથમાં દાંડીયા સાથે ગરબે ના રમતી મહિલાઓને ગરબામાં જોડાઇ જવા અને બહેનોના ગરબામાં અડચણરૂપ રીતે ઊભેલા યુવાનોને દાંડીયાના ઇશારે ત્યાંથી હટી જવાની સુચના આપવાની સાથે લોકોને શીસ્તના અનોખા પાઠ પણ શીખવે છે.

આ વાણીયા ગરબા દરમિયાન નાન‍ા-નાના ભુલકાઓને ચોકલેટ આપી મનોરંજન પણ પુરૂ પાડે છે. વધુમાં આ વાણીયા બનેલા યુવાનોના દોસ્તારોની ટીમ એમની ચાલવા અને ઇશારો કરવાની સ્ટાઇલ પરથી એમને અનુમાનના આધારે વિવિધ નામો પોકારી ઓળખવાનો પ્રયત્ન પણ કરે છે. આ અંગે પાટડી પાંચહાટડી ચોકના નવરાત્રીના આયોજક હર્ષદભાઇ પટેલ અને કિશોરભાઇ ઠક્કર જણાવે છે કે પાટડીની પાંચહાટડી ચોકમાં વર્ષોથી પરંપરાગતરીતે યોજાતા ગરબામાં ‘’વાણીયા’’ બનવાની પરંપરા સમગ્ર ગુજરાતમાં એકમાત્ર પાટડીમાં આજેય હોંશભેર યોજાય છે. જે પાટડી સહિત આજુબાજુના ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પાટડી નવરાત્રીમાં આખા શરીરે સફેદ ડ્રેસથી ઢંકાયેલા વાણીયા ગરબા દરમિયાન પરસેવે રેબઝેબ થવા છતાં લોકોને અનેરૂ મનોરંજન પુરૂ પાડે છે.