પાટડીની ખારાઘોડા શાખા કેનાલમાં 15 ફૂટનું ગાબડું, ચોટીલાના કુંઢડા પાસે પાઇપમાંથી ફૂવારા ઉડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી: પાટડીમાંથી પસાર થતી ખારાઘોડા શાખા કેનાલમાં છેલ્લા એક મહિનાથી પાણી ન છોડાતા રોષે ભરાયેલા ખેડૂતોએ કેનાલમાં અર્ધનગ્ન બની વિરોધ નોંધાવતા સોમવારે નર્મદા વિભાગ દ્વારા પાણી તો છોડવામાં આવ્યું પરંતુ હરીપુરા પાસે કેનાલમાં પુષ્કળ લીલના કારણે મસમોટું ગાબડું પડ્યું હતુ. અને કેનાલનું ચિક્કાર પાણી ખેડૂતોના એરંડા, જીરા અને કપાસના પાકમાં ફરી વળ્યા હતા. બીજી તરફ ચોટીલાના કુંઢડા ગામના બોર્ડ પાસે આવેલ નાળાની નીચે સોમવારે સવારે અચાનક નર્મદાની પાણીની પાઇપમાંથી પાણી ફુવારો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

1 મહિનાથી પાણીની રાહ જોતા હતાં પાણી છોડ્યું તો ગાબડું પડ્યું : ખેડૂતો
મહેસાણા નર્મદા વિભાગ દ્વારા પાટડી તાલુકામાંથી પસાર થતી ખારાઘોડા શાખા કેનાલમાં સોમવારે પાણી છોડવામાં આવ્યું હતુ. પરંતુ આ કેનાલમાં પારાવાર ગંદકીની સાથે લીલના થર જામી જતા કેનાલનું પાણી આગળ જતુ અટકી જતા કેનાલમાં 10થી 15 ફુટનું મસમોટુ ગાબડું પડ્યું હતુ.અને કેનાલનું ચિક્કાર પાણી ખેડૂતોના જીરા, એરંડા અને કપાસના પાકમાં ફરી વળતા નુકશાનીનો ભોગ બનેલા ખેડૂતોએ જીલ્લા પંચાયતના સદસ્ય પી.કે.પરમારને જાણ કરતા તેઓ રાજકીય આગેવાનો સાથે ગાંબડું પડેલી કેનાલે દોડી ગયા હતા. અને ત્યાંથી જ બામણવાના પ્રકાશ પટેલ અને પાટડીના નવઘણ ઠાકોર અને મનીષ પટેલ સહિતના ખેડૂતોને સાથે રાખી મહેસાણા નર્મદા વિભાગના રાજપાલ સહિતના અધિકારીઓ સાથે વાત કરી આ ગાબડું તાકીદે રીપેરીંગ કરવાની રજૂઆતો કરી હતી. 
એકબાજુ પાટડીના ખેડૂતો છેલ્લા એક મહિનાથી કેનાલના પાણીની કાગડોળે રાહ જોઇ રહ્યા હતાને કેનાલમાં ગાબડાથી નર્મદાનું પાણી ખેડૂતોના ઊભા મોલમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. 

6માસથી પીવાનું પાણી નથી આવતું બીજી તરફ પાણીનો વેડફાટ : રહીશો
ગુજરાત સરકાર હાલ સૌરાષ્ટ્રભરના ગામડાઓમાં પીવા માટે નર્મદાના નીર પાઈપ મારફત પહોંચાડે છે. ત્યારે ચોટીલા તાલુકાના કુંઢડા ગામ પાસે નર્મદાના પાણીની લાઈનની પાઇપમાં સોમવારે પાણીની ફુવારો થતા હજારો લીટર પાણીનો બગાડ થતો જોવા મળ્યો હતો.આ પાણીના ફુવારાની બાજુમાં જ આવેલા કુંઢડા ગામે પીવા માટે પાણી ભરવા લોકો ફાંફા મારે છે.અને પાણીનો બગાડ થતા ગામમાં પાણી ન આવતું હોવાથી લોકો માં રોષ ફેલાયો હતો. આ અંગે કુંઢડા ગામના રહીશ હીરાભાઈ બીજલભાઈ રાઠોડે જણાવ્યું કે અમારા ગામમા છેલ્લા છ માસથી પાણી આવતું નથી.અને અમારે સીમ વિસ્તારમાં વાડીઓમાં જઈને પાણી લાવવું પડે છે. નાયબ કાર્યપાલક ઈજનેર ગૌતમભાઈ.એન.પટેલે જણાવ્યું કે પાણી પુરવઠા વિભાગ દ્વારા નવી પાઈપો બદલવાનું તેમજ પાઈપોમાં એરવાલ મૂકવાની કામગીરી ચાલુ છે.એટલે હાલ પૂરતું પાણીનું વિતરણ બંધ કરી દેવાયુ છે અને એરવાલની મુકવા માટે પાઇપમાં હોલ કરવાનો હોય છે. તો હોલ મારફત પાઇપમાં પડી રહેલુ પાણી ફુવારા મારફત નીકળી જતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...