સ્વામિનારાયણ / જૂનાગઢ રાધારમણ દેવ ગાદી પર આચાર્યપક્ષનો વિજયઃ અણી ચૂક્યો સો વર્ષ જીવશે?

victory of Acharya on Junagadh Radharaman  dev gadi

  • સ્વામિનારાયણ સંપ્રદાયની જૂનાગઢ ગાદી પર અજેન્દ્રપ્રસાદનું વર્ચસ્વ ફરી એક વાર પ્રસ્થાપિત
  • મતદારોની સંખ્યા જ ન વધે અને પોતાની જીત સુનિશ્ચિત રહે તે ગણિત કારગત નિવડ્યું

DivyaBhaskar

May 14, 2019, 03:46 PM IST

અમદાવાદઃ જૂનાગઢ મુખ્ય સ્વામિનારાયણ મંદિરના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીના ધાર્યા મુજબના જ પરિણામો આવી જતાં આચાર્યપક્ષને રાહત સાંપડી છે કારણ કે આ ગાદી પર આચાર્યપક્ષે સત્તા જાળવી રાખી છે. અણી ચૂક્યો સો વરસ જીવે તેવી કહેવત મુજબ વડતાલ ગાદીના તાબા હેઠળના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડમાં જીત મેળવીને આચાર્ય અજેન્દ્રપ્રસાદ જૂથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતાનો એકડો ભૂંસાતો અટકાવી દીધો છે. સંતવિભાગની બે બેઠક ભલે દેવ પક્ષ એટલે કે આચાર્ય રાકેશપ્રસાદજીની છાવણીમાં ગઈ હતી. પરંતુ પાર્ષદ વિભાગની 1 અને ગૃહસ્થ વિભાગની 4 બેઠક આચાર્યપક્ષે જીતી લેતાં કુલ સાત બેઠકની ચૂંટણીમાં પાંચ બેઠક સાથે જૂનાગઢ ગાદી પર તેમનું વર્ચસ્વ યથાવત રહ્યું છે.

આચાર્યજૂથે એકમાત્ર જૂનાગઢ ગાદી પરનું વર્ચસ્વ ટકાવી રાખ્યું

જૂનાગઢના મુખ્ય સ્વામિનારાયણ મંદિરના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં રવિવારે ખાસ્સી માથાકુટ થઈ હતી. સાંજે તો આચાર્યપક્ષના ટેકેદારોએ દેવ પક્ષના સંતોને પણ માર્યાના અહેવાલો સાંપડ્યા હતા. આચાર્યપક્ષના સમર્થકોની આ ઉગ્રતાના દેખીતા કારણો હતા. તેમાં મુખ્ય કારણ અસ્તિત્ત્વનો જંગ જ હતું. આ ચૂંટણીમાં આચાર્યપક્ષનો સફાયો થાય અથવા પરાજય થાય તો વડતાલ મંદિરના તાબા હેઠળની ત્રણેય ગાદી દેવ પક્ષ એટલે કે આચાર્ય રાકેશપ્રસાદને હસ્તક આવી જાય. આ સ્થિતિમાં ગાદીના તાબામાં આવતા સેંકડો મંદિરો અને તેનો કરોડો રૂપિયાનો વહીવટ પણ હાથમાંથી સરકી જાય તેમ હતો.

વડતાલ અને ગઢડા ગાદી પર હજીય દેવપક્ષનું વર્ચસ્વ

જૂનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીના પરિણામોએ આચાર્ય અજેન્દ્રપ્રસાદને એક પ્રકારે મોટી રાહત આપી છે. આ સ્થિતિમાં આ ગાદી પર તેમનું આધિપત્ય જળવાઈ રહ્યું છે. અહીં કુલ આઠ સભ્યો છે જેમાંથી સાત સભ્યો માટે ચૂંટણી થઈ હતી અને એક સભ્યની આચાર્ય રાકેશપ્રસાદે નિમણૂંક કરી હતી. જો કે, પાંચ બેઠક પર જીત મેળવીને આચાર્યપક્ષે પોતાનો એકડો કાયમ રાખ્યો છે. અલબત્ત, વડતાલ તાબા હેઠળની વડતાલ અને ગઢડાની ગાદી પર તો હજીય દેવ પક્ષ એટલે કે આચાર્ય રાકેશપ્રસાદની છાવણીનું વર્ચસ્વ રહ્યું છે.

વર્ચસ્વ માટે આચાર્યપક્ષ જૂનાગઢ મંદિરમાં હજી ધર્માદો નહીં લે

ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં નિયમ મુજબ હરિભક્તો ચૂંટણીના બે વર્ષ અગાઉ દર વર્ષે રૂ. 101નો ધર્માદો આપીને પહોંચ મેળવે અને તે પહોંચ દેખાડે તો જ મતદાર તરીકેનો દરજ્જો મેળવી શકાય છે. પરંતુ આચાર્યપક્ષે પોતાના વર્ચસ્વ માટે જાણી જોઈને વર્ષોથી મંદિરમાં હકદાન માટેનો ધર્માદો સ્વીકારવાનું બંધ કરી દીધું હોવાના આક્ષેપો થયા છે. દેવ પક્ષના સમર્થક સાધુઓનો એવો પણ આક્ષેપ છે કે, નવા હરિભક્તો એટલે કે મતદારોનો ઉમેરો જ ન થાય તો તે પરિસ્થિતિમાં વર્તમાન હરિભક્તોને મતદાર તરીકે જાળવી રાખીને આચાર્યપક્ષ મંદિર પર પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા માગે છે.

X
victory of Acharya on Junagadh Radharaman  dev gadi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી