ભાવનગર / સહજાનંદ કોલેજમાં B.B.Aમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસેથી ગાંજો મળતા પોલીસે ધરપકડ કરી

  • ગાંજાનો જથ્થો કુરીયર અને બસમાં પાર્સલની આડમાં આવતો હતો
  • વધુ તપાસ માટે ભાવનગર પોલીસ અમદાવાદ પહોંચી

Divyabhaskar.com

May 16, 2019, 04:15 PM IST

ભાવનગર:શહેરની સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજમાં B.B.A.માં અભ્યાસ કરતા વિધાર્થી પાસેથી SOGને ગાંજો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જો કે સમગ્ર મામલે પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી કુલ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ ગાંજો કોણ સપ્લાઈ કરતું હતું તેની કડી મેળવવા માટે ભાવનગર પોલીસ અમદાવાદ પહોંચી છે.

બાતમીના આધારે SOGએ વોચ ગોઠવી
મહત્વનું છે કે જિલ્લા પોલીસ અધિક્ષકને ધ્યાન આવ્યું હતું કે, શહેર તથા જીલ્લામાં યુવાધન નશાના રવાડે ચડી પોતાની જીંદગી બરબાદ કરે છે અને ખાસ કરીને સારા ઘરના નબીરાઓ કે જેઓ સ્કુલ-કોલેજોમાં અભ્યાસ કરતા હોય. તેઓ નશાના રવાડે ચડી પોતાની જીંદગી પાયમાલ કરે છે. જે બાબતને ગંભીરતાથી લઇ એસ.ઓ.જી. શાખાને આ બાબતે ખાસ વોચમાં રાખી તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મનન વિરલભાઇ શાહ નામનો વિદ્યાર્થી પોતાના એકટીવા સ્કુટરમાં ગાંજાનો જથ્થો લઇને રબ્બર ફેકટરીના પાછળના ભાગેથી નીકળનાર છે. જે બાતમીની હકિકત આધારે એસ.ઓ.જી. સ્ટાફે વોચ ગોઠવી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
SOGના સ્ટાફને વોચ દરમિયાન એકટીવા સ્કુટર આર.ટી.ઓ. રજી. નંબર GJ 04 CG 4543 સાથે મનનભાઇ વિરલભાઇ શાહ (ઉંમર-19)ને ઝડપી પાડ્યો હતો. જે દરમિયાન તેની પાસેથી ગાંજાના 11 પેકેટ મળી આવ્યા હતા. જેથી SOGની ટીમે ગાંજો સહિત મોબાઇલ ફોન-1, રોકડ રૂપિયા 1450, ડ્રાઇવીંગ લાયસન્સ તથા એકટીવા સ્કુટર મળી કુલ રૂપિયા 35,050 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મનનની ધરપકડ કરી હતી.

અમદાવાદથી ઈ-પેમેન્ટ દ્વારા ગાંજો મંગાવ્યો હતો
આરોપી મનનની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં B.B.A. બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તે તથા તેના મિત્રો ભેગા મળી ગાંજાના નશાના રવાડે ચડી ગયેલ હતા. જેથી અમદાવાદ ખાતેથી ઇ-પેમેન્ટ દ્વારા પૈસા મોકલી ગાંજાનો જથ્થો કુરીયર અને બસમાં પાર્સલની આડમાં બોક્સ પેકિંગ કરી મંગાવતા હતા અને મિત્રો ભેગા મળી ગાંજાનુ સેવન કરતા હતા. આમ આ કિસ્સો સમાજમાં લોકો માટે લાલબત્તી સમાન છે. હાલ તો ભાવનગર પોલીસ ગાંજાનું કુરીયર કરનાર આરોપી સુધી પહોંચવા માટે અમદાવાદ પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી