માવઠું / સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો, સાવરકુંડલા, રાજુલા પંથકમાં ગાજવીજ અને કરા સાથે બે ઇંચ વરસાદ

અમેરલી જિલ્લાના અનેક ગામડામાં ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા

  • ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ
  • રાજુલાના દેવપરા ગામે વાવાઝોડાથી 30 જેટલા કાચા મકાનો ધરાશાયી થયા

DivyaBhaskar.com

May 17, 2019, 06:37 PM IST

અમરેલી: વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે તાલુકાના ડુંગર, માંડરડી, આગરીયા, વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. રાજુલા અને સાવરકુંડલાના અમુક ગામોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા.

સાવરકુંડલા પંથકમાં પણ વરસાદી ઝાપટા

ખાંભા પંથકમાં પણ અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. સાંવરકુંડલાના વીજપડી, ભમ્મર, ધાડલા અને ચીખલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદથી અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળતા ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રાજુલાના વાવેરા ગામે ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. રાજુલાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. રાજુલાના દેવપરા ગામે વાવાઝોડાથી 30 જેટલા કાચા મકાનો ધરાશાયી થયા હતા. નળિયા ઉડીને જમીન પર આવી ગયા હતા. આથી ધરાશાયી થયેલા લોકો ઘર વિહોણા બન્યા હતા. દેવપરા ગામ દરિયાકાંઠે આવેલું ગામ છે. આથી વાવઝોડાને કારણે મકાનો ધરાશાયી થયા હતા.

અમરેલી બાદ ભાવનગરમાં પણ કમોસમી વરસાદ

અમરેલી જિલ્લા બાદ ભાવનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદથી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહ્યું હતું. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. તો બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત પણ મળી હતી.

(જયદેવ વરૂ, અમરેલી)

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી