વેડફાટ / ગંભીર જળ કટોકટી વચ્ચે રાજકોટના ગવરીદડ ગામે નર્મદાની કેનાલમાં ભંગાણ, લાખો લીટર પાણી નદીમાં વહી ગયું

કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણી નદીમાં વહી ગયું

  • કેનાલ રિપેર કરતા 24 કલાક જેટલો સમય લાગશે

DivyaBhaskar.com

May 18, 2019, 03:02 AM IST

રાજકોટ: રાજકોટની ભાગોળે ગૌરીદડ અને રતનપરમાંથી પસાર થતી નર્મદાની લાઈનમાં રાત્રે દોઢ કલાકે ભંગાણ થયું હતું. જેને કારણે શુક્રવારે સવારે વગર વરસાદે નદી વહેવા લાગી હતી. પાણી પુરવઠાના જીડબલ્યુઆઈએલ વિભાગને ધ્યાને આવતા તુરંત જ હડાળાથી પાણી પુરવઠો બંધ કરી દેવાયો હતો અને રિપેરિંગ હાથ ધરાયું હતું જે મોડીસાંજ સુધી ચાલ્યું હતું. જીડબલ્યુઆઈએલના ઈજનેર પી.કે. મોદીના જણાવ્યા અનુસાર લાઈન પાસેના મેનહોલનું કવર ઉચ્ચ દબાણને કારણે ઉખડી જતા લીકેજ થયું હતું. 15થી 20 એમએલડી પાણી આ કારણે વહી ગયાની ધારણા છે.
આ લીકેજને કારણે રાજકોટ શહેર, રૂડાના વિસ્તાર તેમજ લોધિકા તાલુકાના ગામોમાં પાણી વિતરણ ખોરવાયું હતું. લોધિકા કે જે 52 ગામો અને આશરે 60,000 જેટલી વસતી ધરાવે છે તે તાલુકાને દરરોજનું 10થી 12 એમએલડી પાણીની જરૂર પડે છે. જ્યારે 15થી 20 એમએલડી એટલે કે આખા તાલુકાના 60,000 લોકોને પૂરું પડી જાય તેટલા પાણીનો વ્યય થયો છે.

રાજકોટમાં 7-8 દિવસ સુધી ચાલે તેટલુ પાણી વેડફાયું
એક અંદાજ પ્રમાણે 20 એમએલડી પાણી વેડફાઇ ગયું છે. એટલે કે રાજકોટને સાતથી આઠ દિવસ પાણી આપી શકાય તેટલા પાણીનો બગાડ થયો છે. જે આસપાસના ખેતરોમાં વહી ગયું છે. આ પાણીને કારણે જમીનનું ધોવાણ થયું છે. કોબીજનું વાવેતર નષ્ટ થઇ ગયું છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

24 કલાકમાં સમારકામ થવાનો દાવો
કેનાલમાં ગાબડુ પડતા લાખો લીટર પાણી વહીં જતા પાણી પુરવઠા વિભાગ દ્વારા 24 કલાકમાં રિપેરિંગ થઇ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ દાવા વચ્ચે બપોર સુધી અધિકારીઓ ઘટનાસ્થળે પણ પહોંચ્યા ન હતાં. બીજીબાજુ રાજકોટ કોર્પોરેશનનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને તેમણે કહ્યું કે આ વિસ્તારનાં પાણીની મર્યાદા અમારી હદમાં નથી આવતી. જેથી નર્મદા વિભાગનાં માણસો આવશે. ત્યારબાદ જ આ કાર્યવાહી આગળ વધશે.

લગભગ 3 હેક્ટર જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું
લગભગ 3 હેક્ટર જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું હોવાની વાત સામે આવી રહી છે. સાથે જ પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. જેના કારણે રતનપુર ગામનો રસ્તો બંધ ચૂક્યો છે. અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, પાણીને કારણે થયેલ નુકસાન ભરપાઇ કરવામાં આવશે. આ અંગે પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ તુષાર ધોળકિયાએ જણાવ્યું કે, રાત્રે દોઢ વાગ્યે જ અમને મેસેજ મળી ગયો હતો. અમારા અધિકારીઓ સતત સાઇટ પર જ હતા. સવારે 10 વાગ્યે લાઇન ખાલી થઇ જતાં રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અમારું પેટ્રોલિંગ ચાલુ જ હોય છે. પરંતુ કમનસીબે આવી ઘટનાઓ બનતી હોય છે. સાંજના 6 વાગ્યા સુધી લાઇન રિપેર થશે. જ્યારે 6થી 10 દરમિયાન લાઇન ચાર્જ થશે અને 10 વાગ્યાથી પાણીનો ક્વોટો શરૂ થઇ જશે.

પાણીના એક બેડાં માટે આકરી તપશ્ચર્યા

રાજકોટમાં પાણી વિતરણમાં દરરોજ સ્માર્ટ ધાંધિયા થઈ રહ્યા છે. ટેકનીકલ સહિતના અલગ-અલગ બહાના આગળ ધરીને મનપાના અધિકારીઓ શહેરના છેવાડાના વિસ્તાર કોઠારિયામાં કૈલાસપાર્ક, સંતોષ નગર, સોમનાથ સોસાયટી સહિતના પાણી પહોંચાડી શકતા નથી. ત્યારે ટેન્કર મારફતે પાણી ક્યારે આવશે? તેની આકરા તાપમાં મહિલાઓ રાહ જોઈ રહી છે.

20 એમએલડી પાણી વહી ગયું

ગૌરીદળ પાસે નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં નદી વહેવા લાગી હતી. ગુરુવારે રાત્રિના એક વાગ્યા બાદ લાઈન તૂટી હતી તેની જાણ સવારે થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને નર્મદા વિભાગના કર્મચારીઓએ રિપેરિંગ કામ શરૂ કર્યું હતું. શનિવાર સવારે 10 વાગ્યા સુધીમાં રિપેરિંગ પૂરુ થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. જો લાઈન રિપેર થઈ જશે તો 52 ગામડાંમાં રવિવારથી પાણી વિતરણ શક્ય બનશે.

જાણો મેનહોલ એટલે શું, કઇ રીતે થયું લિકેજ

પાઈપલાઈન બિછાવવાનું કામ શરૂ થાય એટલે બંને દિશાઓમાંથી કામ શરૂ થાય છે. લાઈન બિછાવતા જાય તેમ અંદર અને બહાર બંને બાજુ વેલ્ડિંગ કરવામાં આવે છે. જ્યારે પ્રોજેક્ટ બંને દિશામાંથી આગળ આવતા ભેગા થાય ત્યારે બે લાઈન ભેગી થતા માત્ર બહારથી જ વેલ્ડિંગ શક્ય બને છે અંદર જઇ શકાતું નથી. આ માટે તે જોડાણની નજીક જ પાઈપલાઈનમાં કાણું પાડવામાં આવે છે જેને મેનહોલ કહેવાય છે. આ કાણામાંથી મજૂરને નીચે ઉતારી પાઈપમાં અંદરથી વેલ્ડિંગ કરાય છે. વેલ્ડિંગ પતી જાય એટલે મેનહોલને વેલ્ડિંગ કરાય છે અને કલેમ્પ કે કવર ચડાવાય છે. ગૌરીદડ પાસે આ પ્રકારનો જ મેનહોલમાં વેલ્ડિંગ-કવર ઉખડી જતા લિકેજ થયું હતું.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી