અપહરણનાં 5 દિવસ બાદ 5 વર્ષના પ્રિન્સની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુવામાં પથ્થર બાંધેલ હાલતમાં બાળકનો મૃતદેહ મળ્યો - Divya Bhaskar
કુવામાં પથ્થર બાંધેલ હાલતમાં બાળકનો મૃતદેહ મળ્યો
  • માસુમ પ્રિન્સને બે શખ્સો લલચાવી ફોસલાવી ઉઠાવી ગયા હતા
  • સીસીટીવીમાં કાર જામનગર પાસિંગની હોવાનું સામે આવ્યું હતું

મોરબી:વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 5 વર્ષના માસુમ પ્રિન્સનું અપહરણ કર્યા બાદ આજે પાંચમાં દિવસે હત્યા કરાયેલ હાલતમાં તેનો મૃતદેહ કુવામાં પથ્થર બાંધેલ હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે બાળકનાં મૃતદેહને બહાર કાઢીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

5 દિવસ પહેલા દેવાબાપાની જગ્યા પાસેથી બાળકનું અપહરણ થયું હતું
27 ઓગસ્ટના રાત્રે આશરે 09 :45ના સુમારે GJ 10 પાસિંગ વાળી કારમાં સફેદ કપડાં પહેરેલા 2 અજાણ્યા શખ્સો વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવ્યા હતા. જ્યાંથી આ અજાણ્યા શખ્સોએ અગમ્ય કારણોસર 5 વર્ષીય પ્રિન્સ પ્રવીણભાઈ નાકીયાનું અપહરણ કરી ફરાર થયા હતા. આ અંગે બાળકના વાલીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી. જેથી પોલીસે વાંકાનેર બાઉન્ડ્રીથી શરૂ કરીને જુદા જુદા વિસ્તારોમાં સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે બાળકનું અપહરણ કરનાર અપહરણકારોએ જ્યાંથી અપહરણ કર્યુ હતું તે જગ્યા પાછળ આવેલ વાડીનાં કુવામાં આ બાળકની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બાળકનાં મૃતદેહને બહાર કાઢીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બાળકને શા કારણે મોતને ઘાટ ઉતાર્યો? તે દિશામાં તપાસ તેજ
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઠીકરીયાળી ગામે રહેતા અને ખેતી કામ કરતા પ્રવિણભાઇ વાલાભાઇ કોળીનો પુત્ર પ્રિન્સ મંગળવારે રાત્રે દાદા વાલાભાઇ સાથે વાંકાનેર બાઉન્ડ્રી ટોલ નાકા પાસે આવેલ સુવિખ્યાત દેવાબાપાની જગ્યામાં ભજનમાં ગયો હતો. ત્યારે માસુમ પ્રિન્સને બે શખ્સો લલચાવી ફોસલાવી ઉઠાવી ગયા હતાં. થોડા સમય બાદ માસુમ પૌત્ર પ્રિન્સ નજરે ન પડતા દાદા વાલાભાઇ કોળીએ આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ પ્રિન્સનો પતો ન લાગતા આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા માસુમ પ્રિન્સને બે શખ્સો લલચાવી ફોસલાવી લઇ જતા નજરે પડ્યા હતા. તેમજ આ બંન્ને શખ્સો લઇ જતા હતા ત્યારે તેની બાજુમાં જામનગર પાસીંગની એક કાર જોવા મળી હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અપહૃત પ્રિન્સના પિતા ખેતી કામ કરે છે અને તેને કોઇની સાથે માથાકુટ કે દુશ્મનાવટ હોય તેવું તપાસમાં બહાર આવેલ નથી. માસુમ પ્રિન્સનું ક્યાં હેતુથી અપહરણ કરાયું હતું? અને શા કારણે મોતને ઘાટ ઉતાર્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.