કાર અથડાતાં અપહરણ કર્યું હતું : અપહૃત વેપારી હાજર પણ પોલીસ 29 કલાક પછીય આરોપીઓને ન પકડી શકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે સાંજે અપહરણ થયું હતું : વેપારી સોમવારે રાત્રે લીંબડી પોલીસમથકે હાજર થયા : 3 આરોપીનાં નામ ખૂલ્યાં
  • આરોપીઓને પકડવા જિલ્લાની પોલીસની 4 ટીમો કામે લાગી

સુરેન્દ્રનગર: વઢવાણમાં રવિવારે મોડી સાંજે 41 વર્ષીય સોની વેપારી શૈલેષભાઈ માંડલિયાનું અપહરણ થયું હતું. ઘટનાના અંદાજે 29 કલાક બાદ સોમવારે મોડી રાત્રે વેપારી લીંબડી પોલીસમથકે હેમખેમ હાજર થયા હતા. જોકે, સુરેન્દ્રનગરના સોની વેપારી સહિતના વેપારીઓના વ્યાપક રોષ છતાં પોલીસ અહરણકારોને હજી સુધી પકડી શકી નથી. વેપારીની પોલીસ કેફિયત અનુસાર તેમની કાર અહરણકારોની કાર સાથે અથડાતાં અપહરણ કરાયું હતું. વેપારી સહીસલામત ઘરે આવતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો.

અપહરણ થયાની વિગત પરિવારજનોને મળી હતી
વઢવાણમાં દરબાર બોર્ડિંગ સામેની દર્શન સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ શશિકાંતભાઈ માંડલિયા રવિવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં કારમાં બહાર નીકળ્યા ત્યારે તેમનું અપહરણ થયાની વિગત પરિવારજનોને મળી હતી. આથી તેમનાં પત્ની મનીષાબહેને બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. સોની વેપારીના અપહરણની ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ડીએસપી મહેન્દ્રકુમાર બગડિયા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા ડીવાયએસપી એલસીબી પીઆઇ ડી. એમ. ઢોલ, પીએસઆઇ વી. પી. મકવાણા, લીંબડી પીએસઆઇ એસ. એસ. વરૂ સહિતની જિલ્લાભરની પોલીસ કામે લાગી હતી. બીજી બાજુ રોષે ભરાયેલા વેપારીઓએ રેલી યોજી આવેદન પણ આપ્યું હતું. દરમિયાન સોમવારે મોડી રાત્રે અપહૃત શૈલેષભાઈ લીંબડી પોલીસ મથકે હાજર થયા હતા. મેડિકલ ચેક-અપ બાદ પોલીસે શૈલેષભાઈને પરિવારજનોને સોંપ્યા હતા પરંતુ હજુ પણ અપહરણકારો પોલીસ પકડથી દૂર છે. તેમને પકડવા માટે પોલીસે દોડધામ ચાલુ રાખી છે.

અધિકારીઓના માર્ગદર્શન મુજબ 4 ટીમ બનાવવામાં આવી
આ અંગે ડીવાયએસપી પ્રકાશ પરમારે જણાવ્યું કે, અપહરણ કરનારા આરોપીઓમાં સૌકા ગામના એક સુરેન્દ્રનગરના છે, જેમાં તનવીરસિંહ જિતેન્દ્રસિંહ ઝાલા, નવદીપસિંહ ગજેન્દ્રસિંહ, રાજદિપસિંહ પ્રદ્યુમ્નસિંહનાં નામો તપાસમાં ખૂલ્યાં છે. આ ઉપરાત અકસ્માતનો જે ખર્ચ 20 હજાર થયો હતો તેની પણ માંગણી આ વેપારી પાસે કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે તપાસ અધિકારી વી. પી. મકવાણાએ જણાવ્યું કે, શૈલેષભાઈ લીંબડી પોલીસ મથકે આવ્યા બાદ મેડિકલ ચેકઅપ કરાવીને પરિવારને સોપવામાં આવ્યા છે. તેઓ સહીસલામત આવ્યા તેનો પોલીસ ટીમને આનંદ છે. આરોપીઓને પકડવા માટે અધિકારીઓના માર્ગદર્શન મુજબ 4 ટીમ બનાવવામાં આવી  છે. આરોપીને પકડવા માટે પણ પોલીસ પૂરતી મહેનત કરી રહી છે.

પુણ્યથી પાપનો નાશ થયો, ઘરનો દિવો સલામત રહ્યો
શૈલેષના પિતા રોજ ચકલાને ચણ અને કૂતરાંને બિસ્કિટ ખવડાવીને  દિવસ પસાર કરે છે. અમે ક્યારેય પણ કોઈનું ખરાબ નથી કર્યું ત્યારે અમારા દીકરા સાથે આવું બનતાં બધાય ચિંતામાં મુકાઈ ગયા હતા. મારો દીકરો સહીસલામત આવી ગયો,પૂણ્યથી પાપનો નાશ થયો ને  ઘરનો દિવો સલામત રહ્યો,  - મુદુલાબહેન, શૈલેષભાઈનાં માતા

પૈસા માટે ધમકાવ્યો, મારકૂટ વગર ભોજન આપ્યું પણ કોળિયો ઊતરે?
 ગાડીની ટક્કર લાગવાને કારણે આ ઘટના બની હતી. ગાડીમાં નીચું મોઢું રખાવીને મને કોઈ સીમ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં રાખવામાં આવ્યો હતો. પૈસાની માગણી કરી હતી પરંતુ મને માર માર્યો કે ઊંચા સાદે વાત નથી કરી. રાત્રિના સમયે મારી માટે ખાવાનું પણ લઈને આવ્યા હતા પરંતુ આવી સ્થિતિમાં કોળિયો ઊતરે ખરો!? - શૈલેષભાઈ માંડલિયા

કૂળદેવીની બાધા રાખી અન્નનો ત્યાગ કર્યો હતો
જેના પતિનું અપહરણ થયું હોય તે પત્નીની વેદના અને વ્યથા શું હોય તે તો જેની સાથે બને તેને જ અનુભવ થાય છે. ક્ષણેક્ષણે ખરાબ વિચાર આવતા હતા. ચિંતા કોરી ખાતી હતી. કૂળદેવી વાઘેશ્વરી માતાની બાધા રાખી અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો. તે ઘરે આવ્યા ત્યારે મોઢામાં અન્નનો દાણો નાખ્યો હતો. -  મનીષબહેન, શૈલેષભાઈનાં પત્ની