વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરનાર ચોટીલાની કમલ એકતા વિદ્યાલયના સંચાલકની ધરપકડ, દીકરીઓએ સંકૂલ છોડ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થિનીઓ સાથેના જાતીય અત્યાચારનો બનાવ સામે આવતા લોકોએ બસના કાચ તોડ્યા - Divya Bhaskar
વિદ્યાર્થિનીઓ સાથેના જાતીય અત્યાચારનો બનાવ સામે આવતા લોકોએ બસના કાચ તોડ્યા
  • સ્કૂલ અને હોસ્ટેલના સંચાલક બટુક ભટ્ટીની હેવાનિયત સામે આવતા વાલીઓમાં રોષ

સુરેન્દ્રનગર: ચોટીલાના થાનગઢ રોડ પર સ્થિત કમલ એકતા વિદ્યાલયના માલિક અને સંચાલકે એક વિદ્યાર્થિનીની જાતીય સતામણી કર્યા બાદ સંચાલક ફરાર થઈ ગયો હતો. તેની આજે પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે ગઈકાલે સાંજે સ્કૂલ સંકુલમાં બનાવ સામે આવતા ટોળાએ તોડફોડ કરી હતી. તેમજ નેશનલ હાઇવે અને થાનગઢ રોડ ઉપર લોકોએ ચક્કાજામ કરીને ટાયરો સળગાવ્યા હતા. જેને પગલે સફાળી જાગેલી પોલીસે સ્કૂલ સંચાલક સામે પોસ્કો, એટ્રોસિટી સહિતની કલમ ઉમેરી ફરીયાદ નોંધી હતી. બાદમાં વિદ્યાર્થિનીઓ તેમના વાલીઓ સાથે હોસ્ટેલ છોડીને બિસ્ત્રા પોટલા બાંધીને ઘરે જતી રહી હતી.
ગઈકાલે રાત્રે મામલો બહાર આવ્યો
ચોટીલાના થાનગઢ રોડ પર એકતા કમલ વિદ્યાલયમાં હોસ્ટેલ અને સ્કૂલ ચાલે છે. જેમાં સંચાલકે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી બાળાઓ સાથે માનસિક અને શારીરિક શોષણ કરાતું હોવાની ફરિયાદ વાલીઓ સુધી પહોંચાડતા મોટી સંખ્યામાં વાલીઓ દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જતાં તે સમયે સંચાલક સહિતના લોકો સ્કૂલ છોડી નાસી છૂટ્યા હતા.
વિદ્યાર્થિનીઓ અને લોકોએ તોડફોડ કરી
વિદ્યાર્થિનીઓ અને લોકોએ પોતાનો રોષ સ્કૂલ સંકૂલ પર ઉતાર્યો હતો અને તોડફોડ કરી હતી. વિદ્યાર્થિનીઓ પણ સ્કૂલ અને હોસ્ટેલના સંચાલક બટુક ભટ્ટીની હેવાનિયત સામે ખુલીને સામે આવી હતી. હોસ્ટેલ રહી સ્કૂલમાં ભણતી કેટલીક બાળાઓ સાથે છેલ્લા ઘણા સમયથી સંચાલકની વર્તૂણંકની પોલીસ અધિકારીઓ સમક્ષ જે રજૂઆતો કરી હતી. તેમાં બટુક ભટ્ટીની માનસિક હેવાનિયત બહાર આવી હતી. જેનો ભોગ બનેલી એક સગીરાએ તેના હાથમાં બ્લેડથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાની આપવીતી અનુસાર પોલીસે આરોપી બટુક ભટ્ટી વિરૂધ્ધ એટ્રોસિટી એક્ટ અને પોસ્કો સહિતની કલમે ગુનો નોંધ્યો હતો.
લોકોએ ચક્કાજામ કરતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો
સ્કૂલ અને હોસ્ટેલના સંચાલક સામે મામલો સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેના પર ફિટકાર વરસાવી હતી. અનુસૂચિત જાતિની સગીરા ભોગ બનતા મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો પોલીસ મથકે ઘસી ગયા હતા અને આરોપીને તાત્કાલિક પકડી જાહેરમાં સજા કરવાની માંગ કરી હતી. અનુસૂચિત જાતિ અને અન્ય સમાજના લોકોએ નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરી ટાયરો સળગાવતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ સંચાલકના ઘરને પણ નિશાન બનાવી તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે.

(તસવીર અને માહિતી: વિપુલ જોષી, સુરેન્દ્રનગર)