જિ.પં.માં સિંચાઇના અધિકારીને લાફા ઝીંકી મંડળીના મંત્રીનો દવા પીવાનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેવાસામાં તળાવમાંથી માટી કાઢવાના કામના પૈસા બાબતે બબાલ

સુરેન્દ્રનગરઃ ચોટીલા તાલુકાના મેવાસામાં તળાવમાંથી માટી કાઢવાનું કામ રામદેવપીર જૂથ મજૂર સહકારી મંડળીએ કર્યુ હતુ. આ કામ પેટે મૂકાયેલા રૂપિયા 2.79 લાખના બિલ સામે 48 હજાર જેવી નજીવી રકમનો ચેક તૈયાર થતો હતો. આ જોઇને મંડળીના મંત્રીએ ઉશ્કેરાઇ જઇ મદદનીશ ઇજનેરને લાફાવાળી કરી ઝેરી દવા પી આત્મ હત્યાનો પ્રયાસ કરતા દોડધામ મચી હતી. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે કાર્યપાલક ઇજનેરે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ હસ્તકના તળાવોમાં પાણીની સંગ્રહ શકિત વધે તે માટે તેમાંથી માટી કાઢવાનું કામ કોન્ટ્રાકટ હેઠળ અપાયુ હતુ.

જેમાં ચોટીલા તાલુકાના મેવાસા ગામના તળાવમાંથી માટી કાઢવાનું કામ રામદેવપીર જૂથ મજૂર સહકારી મંડળી દ્વારા રખાયુ હતુ. વર્ષ પહેલા રૂપીયા 11 લાખનું અંદાજીત કામ કરાયા બાદ ચારેક માસ પહેલા મંડળી દ્વારા રૂપિયા 2.79 લાખનું બિલ મૂકાયુ હતુ. અનેકવાર ધક્કા ખાવા છતાં બિલ પાસ ન થતા શુક્રવારે બપોરે જિલ્લા પંચાયત આવેલા મંડળીના મંત્રી ભીખાભાઇ રબારીએ પોતાના બિલની સામે રૂપિયા 48 હજારની નજીવી રકમનો ચેક પાસ થતો જોયો હતો. આથી ઉશ્કેરાયેલા ભીખાભાઇએ મદદનીશ ઇજનેર આર.વી.કોન્ટ્રાકટર સાથે બોલાચાલી કરી, ગાળો આપી બે લાફા ઝીંકી દીધા હતા. જયારે પોતાની પાસે રહેલી ઝેરી દવાની શીશી પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી સિંચાઇ વિભાગના અન્ય કર્મચારીઓએ એકત્ર થઇ પોલીસને ફોન કરી ભીખાભાઇને આવુ કરતા રોકયા હતા. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર નીતીન મકવાણાએ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.

રૂ. 11 લાખના કામ સામે રૂપિયા 2.79નું બિલ મૂકયું હતું

સિંચાઇ કૌભાંડ બાદ તપાસ કરી ચેક અપાતા હતા

હળવદ નાની સિંચાઇ કૌભાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ હસ્તકના કામોમાં રાજકોટથી કવોલિટી કંટ્રોલની ટીમે તપાસ હાથ ધરી હતી. ખરેખર કેટલુ કામ થયુ છે તેની તપાસ કરી ચેક આપવાનો આદેશ થયો હતો. ઉપરાંત કામની 25 ટકા રકમ બાકી રાખવાની પણ સુચના અપાઇ હતી.

ઈજનેરે ચેક પાસ કરાવવા પૈસા માંગ્યા

સિંચાઇ વિભાગના મદદનીશ ઇજનેર આર.વી.કોન્ટ્રાકટરે ચેક પાસ કરાવવા માટે પૈસા માગ્યા હતા. ના પાડતા મારૂ પેમેન્ટ અટકયુ હતુ. જો મને ન્યાય નહી મળે તો આવુ પગલુ બીજી વાર ભરનાર છુ.  ભીખાભાઇ રબારી, મંડળીના મંત્રી
 

અન્ય સમાચારો પણ છે...