ધોળીધજા ડેમમાં પાણી હિલોડા લે છે અને શહેરીજનોને પાણી નહીં આપતાં પાલિકામાં હલ્લાબોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 સોસાયટીના રહીશોએ ઉગ્ર રજૂઆત કરી

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર શહેર વર્તમાન સમયે સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક ગામડાઓ માટે પાણીયારૂ બની ગયુ છે. ધોળીધજા ડેમમાંથી લાખો લોકોની તરસ છીપાવવા માટે પાણીનો ધસમસતો પ્રવાહ રવાના કરવામાં આવે છે. પરંતુ આ ડેમને અડીને રહેતી સુરેન્દ્રનગરની જનતા જાણે તળાવ કાંઠે તરસી હોવાની સ્થીતી સર્જાઇ છે. સોમવારે શહેરના પ્રજાપતિ પાર્ક, સત્યમ પાર્ક અને શાંતીનગર વિસ્તારમાંથી લોકોના ટોળા પાણીના પોકાર સાથે પાલિકામાં દોડી આવ્યા હતા. જનતાને પુરતા ફોર્સથી નિયમીત પાણી મળે તે માટે મંજુર કરેલી નવી લાઇનના કામના જીયુડીસીના મોટા ડખા છે. અને આથી જ શહેરમાં પાણીના પોકારો પડી રહ્યા છે. જીયુડીસી હવે તો કયારે લાઇનનું કામ પૂર્ણ કરે તેની લોકો કાગડોળે વાટ જોઇ રહ્યા છે.

શહેરના પ્રજાપતિ પાર્કમાં 60%થી વધુ મકાનોમાં નવી લાઇનમાં પાણી જ નથી આવતું !

સુરેન્દ્રનગર નગરપાલીકાના વોર્ડ નં. 1માં પાણીની નવી પાઇપલાઇન તો નંખાઇ છે. પરંતુ તેમાં પાણી ન આવતુ હોવાથી પ્રજાપતિ પાર્કના રહીશો પરેશાન થઇ ગયા છે. આ વિસ્તારના વિજયભાઇ લવીંગીયા, મીનાબેન વાઘેલા, ચેતનાબેન દેસાઇ સહિતનાઓએ પાલીકા કચેરીએ લેખીત રજૂઆત કરી જણાવ્યુ કે, 60 ટકા મકાનોમાં પાણી આવતુ જ નથી. જયાં આવે છે ત્યાં બહુ ધીમુ આવે છે. પ્રજાપતિ પાર્ક ઉંચાણવાળા વિસ્તારમાં હોવાથી પાણીની તકલીફ રહે છે. આથી નજીકની લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી પસાર થતી પાણીની લાઇનમાં જોડાણ કરી પ્રજાપતિ પાર્કના રહીશોને નિયમીત અને પૂરતુ પાણી પુર પાડવાની માગ કરાઇ છે.

શાંતીનગરમાં 1 વર્ષથી પાણી વેચાતુ લેવુ પડે છે

રતનપરના શાંતીનગરમાં છેલ્લા એક વર્ષથી પીવાનું તથા વાપરવાનું પાણી ન આવતા રહીશો રોષે ભરાઇને પાલીકા કચેરીએ સોમવારે ધસી આવ્યા હતા. આ વિસ્તારના રમઝાનભાઇ હબીબભાઇ મોવર અને ઇસુબભાઇ હબીબભાઇ મોવરે જણાવ્યુ કે, અમારા વિસ્તારમાં નળ કનેકશન માટે લાઇનો તો નાંખવામાં આવી છે. પરંતુ તેમાં પાણી ન આવતા અમારે પીવા તથા વાપરવા માટે વેચાતુ પાણી લેવુ પડે છે. 

નળમાં પાણી આવતુ નથી, ટેન્કરો પણ બંધ કર્યા

સુરેન્દ્રનગરના દૂધરેજ રોડ પર કામનાથ મહાદેવ મંદિર પાસે ે સત્યમ પાર્કમાં રહેતા પરિવારોને ત્યાં નવી કે, જુની  એકપણ પાણીની લાઇનમાં પાણી ન આવતા મહિલાઓ રોષે ભરાઇને સોમવારે પાલીકા કચેરીએ ધસી આવી હતી. આ વિસ્તારની મહિલાઓે જણાવ્યુ કે, બે અઠવાડીયાથી જૂની લાઇનમાં પણ પાણી આવતુ બંધ થયુ છે. પાલીકા દ્વારા અગાઉ ટેન્કરથી પાણી મોકલતુ હતુ પરંતુ હવે તો ટેન્કર લખાવીએ તો ના પાડે છે.