એરંડાના ભાવમાં રૂ.300નો કડાકો, ભાવની હૈયા હોળીથી ખેડૂતો નિરાશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લીલા દુકાળમાં ઝાલાવાડના ખેડૂતો દ્વારા યોગ્ય ભાવની માગણી
  • સપ્તાહમાં પ્રતિ મણનો ભાવ 1100થી ઘટી 850ની આસપાસ પહોંચી ગયો

વઢવાણઃ ઝાલાવાડમાં મેઘમહેરમાં કપાસ, મગફળી, જુવાર, તલને ભારે નુકસાન થયુ છે. ત્યારે ઉજ્જડવનમાં એરંડા પ્રધાન હોવાના ઘાટ સર્જાયો છે. પરંતુ એરંડામાં એક સપ્તાહ દરમિયાન પ્રતિ મણનો ભાવ રૂ. 1100થી ઘટીને રૂ. 850ની આસપાસ પહોંચી ગયો છે. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી પર્વ પર જ એરંડાના ભાવની હૈયા હોળીથી ખેડૂતો નિરાશ થયા છે.
 
સુરેન્દ્રનગર જિલ્લામાં ખરીફ સીઝનમાં વાવેતર કરાતો સૌથી મોટો રોકડીયા પાક હાલ એરંડા છે. એરંડાના ઉંચા ભાવને પગલે ખેડૂતોમાં એરંડાનું વાવેતર આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. ગુજરાતમાં 5.66 લાખ હેકટરમાં એરંડાનું વાવેતર થયુ છે. જેમાં ઝાલાવાડનો 20 ટકા હિસ્સો છે. આથી આ વર્ષે એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં 9.60 લાખ ટન થવાનો અંદાજ મૂકાયો છે. પરંતુ સિઝનમાં પહેલીવાર ભાવ ગગડી રહ્યો છે. આથી ખડેૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વઢવાણ યાર્ડના ડિરેકટર વજુભા રાઠોડ, મહાદેવભાઈ દલવાડી, હરજીભાઈ કોળી વગેરે જણાવ્યું કે, એક સપ્તાહમાં જ પ્રતિ મણનો ભાવ રૂ. 1100થી ઘટીને 850ની આસપાસ પહોંચી ગયો છે. જેમાં મણે રૂ. 300નો ઘટાડો થતા ખેડૂતોની મહેનત પાણીમાં જશે.
 

ઝાલાવાડમાં હજાર હેક્ટરમાં વાવેતર કરાયું
ઝાલાવાડમાં ભારે વરસાદને કારણે લીલા દુકાળની સ્થિતિ સર્જાઇ છે. આથી કપાસ, તલ, જુવાર, મગફળીના પાકને ભારે નુકસાન થયુ છે. ત્યારે હાલ એરંડાના પાકને જીવતદાન મળ્યુ છે. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો વીઘા જમીન પર એરંડાનો પાક લહેરાય રહ્યો છે. ત્યારે એરંડાના ભાવમાં હૈયા હોળીથી ખેડૂતો ખફા બન્યા છે.
 

એરંડાનો સંગ્રહ કરનાર ખેડૂતોમાં ચિંતાનું મોજુ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો એરંડાના ભાવમાં તેજી આવશે. એવી આશાએ એરંડાનો સંગ્રહ કર્યો છે. પરંતુ વાયદા બજારમાં માર્જિનનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. જ્યાં સુધી વાયદા બજાર સ્થિર ન થાય ત્યાં સુધી ભાવ ઉંચકાય તેવી સંભવના ઓછી છે. આથી એરંડાનો સંગ્રહ કરનાર ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.